back to top
Homeદુનિયામહાસત્તા બ્રિટનનો આર્થિક હાહાકાર:વિન્ટર ઓફ ડિસકન્ટેન્ટઃ ક્રુર-નિર્દયી-જુલ્મી શિયાળો!

મહાસત્તા બ્રિટનનો આર્થિક હાહાકાર:વિન્ટર ઓફ ડિસકન્ટેન્ટઃ ક્રુર-નિર્દયી-જુલ્મી શિયાળો!

ફૂગાવો ઘણો વધી ગયો હતો. વસ્તુઓ મોંઘી થતી જતી હતી, તો લોકો પાસે નાણાંકીય ભીડ ખાસ હતી નહીં પરંતુ બેરોજગારી માથે ચડી હતી. નોકરીઓ મળતી ન હતી અને જેની પાસે નોકરીઓ હતી તેમાંથી ઘણા નોકરિયાતની છટણી થઇ રહી હતી. ફૂગાવાના દરને અંકુશમાં લેવાનો કોઇ ખાસ રામબાણ ઇલાજ નથી હોતો. સરકારે હસ્તક્ષેપ કરીને પ્રતિબંધો લગાવ્યા
અમુક બીમારીઓની દવા ફક્ત સમય (અને ધીરજ) હોય, સમયના ઇલાજમાં જો હસ્તક્ષેપ કરવામાં આવે તો બીમારી વકરી પણ શકે. પણ સરકાર જેનું નામ. સરકારે હસ્તક્ષેપ કર્યો. કારખાનામાં કામ કરતા મજૂરો, ઓફિસમાં જોબ કરતા કર્મચારીઓ, પગારદાર નોકરિયાતો વગેરે લાખો-કરોડો નોકરીઓ ઉપર અમુક પ્રકારના પ્રતિબંધો નાખી દીધા. TUC જનરલ કાઉન્સિલે સમર્થન આપ્યું
પ્રતિબંધ કયા પ્રકારનો હતો? કે 8500 પાઉન્ડથી ઓછી આવક ધરાવતા કર્મચારીનો પગારવધારો એક અઠવાડિયામાં 6 પાઉન્ડથી વધવો ન જોઇએ. 5 મે, 1976 થી ફરીથી કાયદાઓ બદલ્યા. હવે દર અઠવાડિયે અઢીથી ચાર પાઉન્ડથી વધુ પગારવધારો થઇ નહી શકે. ટ્રેડને લગતી પોલિસીઓ રેગ્યુલેટ કરતી સંસ્થા TUC જનરલ કાઉન્સિલે પણ ગમે તેમ કરીને આ બાબતમાં સહમતી દર્શાવી, સરકારને સમર્થન આપ્યું. પગાર વધારામાં પણ લિમીટ
આશા એવી હતી, સરકાર અને ટ્રેડ યુનિયન અને આમ આદમી એવી અપેક્ષા રાખીને બેઠા હતા કે પરિસ્થિતિ કાબૂમાં આવી જશે, પણ આ ફોડકી હતી, ફોડવા જાઓ તો લોહી નીકળે ને કાયમી ડાઘો રહી જાય. થોડા મહિનાઓ પછી સરકારે ફરીથી એલાન કર્યું કે હવે ફક્ત પાંચ ટકાની જ લિમીટ. કર્મચારીના પગારમાં પાંચ ટકાથી વધુ પગારવધારો નહીં થઇ શકે. ફોર્ડ કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
આ અણસમજુ કાયદાનું પરિણામ શું આવ્યું? ફક્ત એક કંપનીના ઉદાહરણ ઉપરથી સમજી શકાશે. ફોર્ડ કંપનીએ સરકારના આ વટહુકમનું પાલન કરવાનું નક્કી કર્યું અને બીજે જ દિવસે એકસાથે પંદર હજાર કર્મચારીઓ હડતાલ ઉપર. થોડા દિવસ પછી ફોર્ડ કંપનીના ઘણા કારખાનાઓના 60 હજારથી વધુ કર્મચારીઓ હડતાલ ઉપર. ફોર્ડ કંપનીનું કામકાજ અટકી પડ્યું. પ્રોડક્શન બંધ, આખી દુનિયામાં તેનો થઇ રહેલો ધંધો બંધ. કંપનીની પ્રતિષ્ઠાને સરસ બટ્ટો લાગ્યો. ફોર્ડ કંપની તો મોટી હતી, શરૂઆતના આંચકા પચાવી શકી જ્યારે લઘુ ઉદ્યોગો તો આફ્ટર શૉક્સ આવે ત્યાં સુધી પણ ટકી ન શક્યા. બ્રિટનની હાલત કફોડી બની ગઇ
હજારો જ નહી પણ હવે લાખો લોકો રસ્તા પર આવી ગયેલા. શબ્દશ: રસ્તા ઉપર આવી ગયેલા. બેરોજગારી, ભાવવધારો, અછત જેવા પરિબળોએ માર્કેટને લોખંડી ભીંસમાં લઇ લીધું. લંડનમાં વિરોધ કરવા માટે દોઢ લાખથી વધુ લોકો ભેગા થયેલા. બ્રિટનની હાલત કફોડી બની ગઇ. મજૂર પક્ષના નેતા હોવા છતાં મજૂરોની લાચારી પ્રધાનમંત્રી સમજી શક્યા ન હતા. વડાપ્રધાન જેમ્સ કેલગને સ્વીકાર્યું. આર્થિક હાહાકાર Winter of Discontent તરીકે ઇતિહાસમાં લેખાયો
તેમના પછી બ્રિટનના વડાપ્રધાન પદે વીસમી સદીના વિશ્વની મહાનતમ વ્યક્તિઓમાંની એક આવી જેમણે વીસમી સદીમાં બ્રિટનમાં સૌથી વધુ વર્ષો સળંગ રીતે વડાપ્રધાનના પદ ઉપર રહેવાનો અતૂટ રેકોર્ડ સર્જ્યો. આખા દેશના અર્થતંત્રને હલબલાવી નાંખતી આ આર્થિક અવ્યવસ્થા આપણી ઉપર રાજ કરનાર ઇંગ્લેન્ડમાં 1976 થી 1978 સુધીના સમયમાં થયેલી. આપણે અમેરિકાની મહામંદીથી જ વધુ પરિચિત છીએ પણ આવી થોડી અજાણી ઘટનાઓની અસર પણ વિશ્વના મોટા ભાગ ઉપર પડતી હોય છે. બ્રિટનનો આ આર્થિક હાહાકાર Winter of Discontent તરીકે ઇતિહાસમાં લેખાયો. જગતમાં ઘણા પરિવર્તન આવ્યા
અત્યારે આ વાત યાદ કેમ આવી? શિયાળો છે, જગત પરિવર્તનના ગજબનાક ઘૂમરાવોમાંથી પસાર થઇ રહ્યું છે. આપણે બધા એક ઐતિહાસિક સમયના સાક્ષી છીએ અને રોજેરોજ આ જબરદસ્ત સિનારીયોને જોઇ રહ્યા છીએ, મહેસૂસ કરી રહ્યા છીએ. કેલિફોર્નિયામાં દાવાનળ ભભૂકી રહ્યો છે. કેનેડામાં ટ્રુડોએ રાજીનામું આપવું પડ્યું છે. ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા પહેલાં ગ્રીનલેન્ડ અને કેનેડા ને મેક્સિકો ખરીદવાની વાત કરે છે. શિયાળાની ઋતુ દરમિયાન આર્થિક ઘટનાઓ ઇતિહાસમાં ઘણી બની છે. બ્રિટનની આ ઘટના એમાંની એક. ઇતિહાસ અને અર્થશાસ્ત્રના દ્રષ્ટિકોણથી, રાજકારણ અને માનવ સ્વભાવની તાસીર જાણવા તે ઘટના રસાળ રીતે અભ્યાસપ્રદ છે. શિયાળાનો અવકાશ હાલપૂરતો નથી જણાતો
શિયાળો એટલે તો આમળા ને સંતરાની ઋતુ, વેસેલીન ને ગરમ સૂપની ઋતુ, લીલા શાક અને લોહતત્વસભર ભાજીની જયાફતો ઉડાડવાની ઋતુ, અમુક માટે ‘પાર્ટી’ તો અમુક માટે રોમાન્સની ઋતુ, ઘણા જીવો માટે સંવનનકાળની તૈયારી કરવાની મોસમ, ગુજરાત જેવા પ્રદેશોમાં નીતનવા આવતા પક્ષીઓને જોવાની અને તેના ફોટોગ્રાફ્સ પાડી ફેસબુકમાં મિત્રોને ટેગ કરવાની સિઝન, ગુલાબી ગાલ અને રેશમી રજાઇની ઋતુ. શિયાળાના સેલિબ્રેશનનો અવકાશ હાલપૂરતો તો નથી જણાતો. Discontent નો ગુજરાતી અર્થ થાય અસંતુષ્ટિ, અસંતોષ. પણ આપણે ભારતીયો બહુ સંતુષ્ટ છીએ, સંતોષી નર સદા સુખીની ઉક્તિ સંપૂર્ણપણે ઘોળીને પી ગયા છીએ. ખુશ છીએ અને દેશની ઉન્નતી માટેની ભાવનાથી પ્રેરાઇને આગળ વધી રહ્યા છીએ. Winter of Discontent શબ્દ શેક્સપિયર પાસેથી આવ્યો
Winter of Discontent. આ લેખનું ફક્ત મથાળું જ નથી કે વર્તમાન-ભૂતકાળના કોઇ સમયનું લેબલ માત્ર નથી. આ શબ્દો આવ્યા છે શેક્સપિયર પાસેથી. હેમલેટ પછીના સૌથી લાંબા નાટક Richard III નો રિચાર્ડના મુખે બોલાયેલો આ સંવાદ છે. Now is the winter of our discontent, Made glorious summer by this sun of York. તે સમયમાં અને ‘ત્યાંના’ દેશોમાં શિયાળો બહુ આકરો હોય. આપણે શિયાળાને આવકારીએ પણ તે લોકો શિયાળાને જાકારો આપે. કારણ કે ત્યાંની શિયાળાની શૂન્યવત ઠંડી બધું થંભાવી દે. એટલે ખૂંધ નીકળેલો રિચાર્ડ-3 શેરીમાં ઊભો ઊભો બોલે છે, કે આવો આકરો શિયાળો આવ્યો છે. વાદળો આપણા કિલ્લા ઉપર ઘેરાયા છે, અંત:કરણમાં રહેલ નફરતના દટાયેલા દરિયામાં બધું રહ્યું છે વગેરે વગેરે. બહુ જ રફ પણ ઓવરઓલ આઇડિયા આપી દેતું ટ્રાન્સલેશન આવું થાય. ઉનાળાની રાહ જોવાતી
ગ્લોરિયસ સમર એટલે કે ભવ્ય ઉનાળાની રાહ તો શેક્સપિયર પણ જોતો, પોતાના પાત્રો દ્વારા કે ક્યારે આ ક્રૂર અને કાતિલ શિયાળો સમાપ્ત થાય અને હૂંફ ધરાવતો ઉનાળો શરુ થાય જેથી રાહત મળે. એ નાટકમાં તો સત્તા મેળવવા માટે અંદરોઅંદરના ઝઘડાને ખટપટની વાત છે. રિચાર્ડ ખુદ પોતે પેરેલાઈઝડ છે, પણ વિલન છે. (શકુની યાદ આવ્યો?) શિયાળાની વાત નીકળી જ છે તો Winter of our Discontent નામની નવલકથા નોબેલ પ્રાઇઝ વિજેતા જ્હોન સ્ટેનબેકરની છેલ્લી સુપરહીટ નોવેલ હતી અને સંજોગવશાત્ તેમાં પણ ઇથાન એટલે કે મુખ્ય નાયક જે કરિયાણાનો ધંધો કરે છે એની જિંદગીમાં આર્થિક ચડાવ-ઉતાર આવે છે તેની વાત છે. તે નોવેલની ડિટેલમાં વાત પછી કોઇ લેખમાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments