અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે મોડી રાત્રે રાજધાની વોશિંગ્ટન DCમાં ઓવલ ઓફિસથી વિદાય ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં તેમણે એક પણ વાર ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધું ન હતું. જોકે, તેમનું સમગ્ર ભાષણ ટ્રમ્પની નીતિઓ અને તેમના સહયોગીઓની આસપાસ ફરતું હતું. બાઈડને તેમના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે દેશમાં અમીરોના નાના એવા વર્ગનું વર્ચસ્વ વધી રહ્યું છે. આ દેશ અને લોકશાહી માટે જોખમી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ દેશમાં ટેક-ઔદ્યોગિકના વિકાસ પર ચિંતા વ્યક્ત કરી હતી. બાઈડને આને અમેરિકન નાગરિકોના અધિકારો માટે જોખમી ગણાવ્યું હતું. પોતાના કાર્યકાળ વિશે વાત કરતા તેમણે કહ્યું- આપણે જે કર્યું છે તેની અસર જોવામાં સમય લાગશે, પરંતુ જે બીજ વાવ્યા છે, તે ઉગશે અને આવનારા દાયકાઓ સુધી અને ખીલશે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિક ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામી જેવા ઘણા લોકોએ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખુલીને ટ્રમ્પને સપોર્ટ કર્યો હતો. ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પે મસ્ક અને રામાસ્વામીને ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DoGE)ની જવાબદારી પણ સોંપી દીધી છે. નોકરશાહી દૂર કરવા અને ખોટા ખર્ચમાં કાપ મૂકવાની સાથે આ વિભાગ પણ સરકારને બહારથી સલાહ પણ આપશે. આ કારણે વિપક્ષના ઘણા નેતાઓનું કહેવું છે કે ટ્રમ્પ ભલે રાષ્ટ્રપતિ બની ગયા હોય પરંતુ સાચી સત્તા મસ્કના હાથમાં આવી ગઈ છે. અમેરિકામાં ફેક ન્યૂઝની જાળ ફેલાઈ ગઈ છે બાઈડને કહ્યું કે અમેરિકન લોકોમાં ફેક ન્યૂઝની જાળ ફેલાઈ ગઈ છે અને તેના દ્વારા સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ પદ સંભાળતી વખતે કોઈ પણ વ્યક્તિ ગુનાઓથી મુક્ત ન હોય તેની ખાતરી કરવા માટે આપણે બંધારણમાં સુધારો કરવાની જરૂર છે. તેમણે સુપ્રીમ કોર્ટના જજોના કાર્યકાળને મર્યાદિત કરવા, નૈતિક સુધારા લાવવા અને કોંગ્રેસના સભ્યોના સ્ટોક ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો 2021માં રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા બાદ યુએસ સંસદની ઇમારત કેપિટલ હિલમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. આ કેસમાં ટ્રમ્પ પણ આરોપી હતા. આ સિવાય 10 જાન્યુઆરીએ ન્યૂયોર્ક કોર્ટે ટ્રમ્પને પોર્ન સ્ટારને નોઢું બંધ રાખવા માટે પૈસા ચૂકવવાના કેસ સાથે સંબંધિત 34 આરોપોમાં સજા સંભળાવી હતી. જો કે, કોર્ટે ટ્રમ્પને જેલમાં ન ધકેલ્યા અને તેમને બિનશરતી નિર્દોષ જાહેર કર્યા. કેટલાક લોકો પોતાના ફાયદા માટે સત્તાનો ઉપયોગ કરવા માગે છે બાઈડને કહ્યું- કેટલાક શક્તિશાળી લોકો ક્લાઈમેન્ટ ચેન્જ સામે અમે જે પગલાં લઈએ છીએ તેને રોકવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરવા માંગે છે, જેથી તેઓ તે સત્તાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી શકે. આપણે આપણા અને આપણા બાળકોના ભવિષ્યની બલિ ચઢાવવા માટે મજબુર ન કરવા જોઈએ. ખરેખરમાં ટ્રમ્પે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે પેરિસ ક્લાઈમેટ ડીલમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો. બાદમાં, જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા પછી ફરીથી આ ક્લાઇમેટ પ્રોગ્રામમાં જોડાયા હતા. તેમજ 50 વર્ષની રાજકીય કારકિર્દી વિશે પણ વાત કરી હતી
બાઈડનનું આ ભાષણ ટ્રમ્પ સત્તા સંભાળવાના 5 દિવસ પહેલા જ થયું હતું. તેમના છેલ્લા ભાષણમાં તેમણે તેમની 50 વર્ષની રાજકીય કારકિર્દી વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આ દુનિયામાં માત્ર અમેરિકામાં જ થઈ શકે છે, જ્યાં બોલવામાં અટકાતું એક બાળક પણ રાષ્ટ્રપતિ બની જાય છે. જો બાઈડનને બાળપણમાં વાત કરતી વખતે અચકાવાની સમસ્યા હતી. ભાષણ પહેલાં, બાઈડને બુધવારે સવારે એક પત્ર પણ જાહેર કર્યો હતો. આમાં કેટલાક વચનો અધૂરા રહી ગયાની વાત તેમણે સ્વીકારી હતી. સૌથી યુવા સેનેટથી રાષ્ટ્રપતિ સુધીની બાઈડનની કારકિર્દી પર એક નજર રાષ્ટ્રપતિ પદ છોડવા સાથે બાઈડનની પાંચ દાયકાની રાજકીય કારકિર્દીનો અંત આવશે. તેમણે 30 વર્ષની ઉંમરે 1972માં ડેલવેર રાજ્યમાંથી સેનેટની ચૂંટણી જીતીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે બાઈડન દેશના સૌથી યુવા સેનેટર હતા. તેમણે 1988 અને 2008માં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની રેસમાં પણ ભાગ લીધો હતો. 2008માં બરાક ઓબામાની જીત બાદ તેઓ આગામી બે ટર્મ માટે પણ ઉપરાષ્ટ્રપતિ રહ્યા. 2020માં ડેમોક્રેટિક પાર્ટીએ તેમને ડોનાલ્ડ ટ્રમ્પ સામે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. 2020માં ટ્રમ્પને હરાવીને, બાઈડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બન્યા. 2024માં તેમણે પાર્ટીના દબાણને કારણે બીજી વખત રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી છોડી દીધી હતી. આ પછી કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા, જેમને ટ્રમ્પના હાથે હારનો સામનો કરવો પડ્યો. ચૂંટણી પરિણામો પર બોલતા બાઈડને કહ્યું હતું કે જો તેઓ ઉમેદવાર હોત તો ટ્રમ્પને હરાવી શકતા હતા. અગાઉ વિદેશ નીતિ પર ભાષણ આપી ચૂક્યા છે બાઈડને સોમવારે રાજધાની વોશિંગ્ટનમાં વિદેશ નીતિ પર તેમનું છેલ્લું ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે દાવો કર્યો હતો કે ચીન ક્યારેય અમેરિકાને પછાડી શકશે નહીં. આ સાથે તેમણે અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. દુનિયા બાઈડનને કેવી રીતે યાદ કરશે?
ચર્ચા બાદ રેસમાંથી બહાર થનાર પ્રથમ રાષ્ટ્રપતિ
બાઈડને જુલાઈમાં રાષ્ટ્રપતિ પદની રેસમાંથી પોતાને બહાર કરી દીધા હતા. ખરેખરમાં, 27 જૂને યોજાયેલી પ્રથમ રાષ્ટ્રપતિની ચર્ચામાં, બાઈડનને ટ્રમ્પના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ બાઈડનની ઉમેદવારી પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. જે પછી બાઈડને તેમની દાવેવારી છોડી દેવી પડી. સૌથી મોટી ઉંમરે અમેરિકાના રાષ્ટ્રપતિ
બાઈડન અમેરિકામાં રાષ્ટ્રપતિ બનનાર સૌથી મોટી વયના વ્યક્તિ બન્યા. જ્યારે તેમણે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા ત્યારે તેમની ઉંમર 78 વર્ષ અને 220 દિવસ હતી. જ્યારે ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની ઉંમર 78 વર્ષ 61 દિવસ હતી. અમેરિકાના બંધારણ મુજબ ટ્રમ્પ ત્રીજી વખત રાષ્ટ્રપતિ બની શકે નહીં. આવી સ્થિતિમાં, બાઈડનનો રેકોર્ડ થોડા વર્ષો સુધી અકબંધ રહેશે. અમેરિકન ઈતિહાસનું સૌથી લાંબુ યુદ્ધ બંધ કર્યું
બાઈડનના સમયમાં જ યુએસ આર્મી ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાંથી પાછી ફરી હતી. અમેરિકન સેના 20 વર્ષથી અફઘાનિસ્તાનમાં હતી. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી લાંબુ યુદ્ધ હોવાનું કહેવાય છે. અમેરિકન સૈનિકો પાછા ફર્યા પછી તાલિબાને અફઘાનિસ્તાન પર ફરીથી કબજો કર્યો. યુક્રેનને રશિયા સામે લડવામાં મદદ કરી
બાઈડને રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને મદદ કરી હતી. અમેરિકાએ યુક્રેનને આર્ટિલરી, રોકેટ સિસ્ટમ, ડ્રોન, ટેન્ક અને એર ડિફેન્સ સિસ્ટમ આપી. આ સિવાય લોન્ગ રેન્જની મિસાઈલનો ઉપયોગ કરવાની મંજુરી પણ આપવામાં આવી હતી. યુક્રેનિયન સૈનિકોને ટ્રેનિંગ આપવા માટે અમેરિકન સંરક્ષણ નિષ્ણાતોને પણ મોકલવામાં આવ્યા હતા. બાઈડને માત્ર યુક્રેનને અબજો ડોલરની આર્થિક સહાય પૂરી પાડી નથી. પણ આંતરરાષ્ટ્રીય સમર્થન એકત્ર કર્યું. આ સિવાય અમેરિકાએ પણ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા, જેના કારણે રશિયાની આર્થિક સ્થિતિ પર અસર પડી હતી. ગાઝામાં હજારો મૃત્યુ પછી પણ ઇઝરાયલને સમર્થન આપ્યું ગાઝા યુદ્ધ શરૂ થયાના એક વર્ષમાં અમેરિકાએ ઇઝરાયલને 18 અબજ ડૉલર (1.5 લાખ કરોડ)ની સૈન્ય સહાય પૂરી પાડી. તેની મદદથી ઇઝરાયલે ઈરાન, હમાસ, હિઝબુલ્લાહ અને હુથી બળવાખોરો સામે મુકાબલો કર્યો ગાઝામાં 45 હજારથી વધુ લોકો માર્યા ગયા પછી પણ અમેરિકા ઇઝરાયલના સમર્થનમાં ઉભું હતું, જેના કારણે ઇઝરાયલની સેના પર યુદ્ધ સમાપ્ત કરવા માટેનું આંતરરાષ્ટ્રીય દબાણ અપૂરતું સાબિત થયું. ઈન્ડો-પેસિફિક દેશો ચીન સામે એક થયા
ચીનનો સામનો કરવા માટે બાઈડને ઈન્ડો-પેસિફિક દેશો સાથે સંબંધો મજબૂત કર્યા. 4 વર્ષમાં, તેણે ઓકસ, ક્વાડ, IPEF જેવા અમેરિકન ગઠબંધનમાં પ્રાણ ફુંક્યા.