back to top
HomeદુનિયાEDITOR'S VIEW: તાલિબાનનો સાથ, પાક.ને માત:બન્નેની દુશ્મનાવટ ભારત માટે ફાયદો, પોતાની જ...

EDITOR’S VIEW: તાલિબાનનો સાથ, પાક.ને માત:બન્નેની દુશ્મનાવટ ભારત માટે ફાયદો, પોતાની જ ટેક્ટિકથી પાકિસ્તાનનું ટેન્શન વધ્યું, આ રીતે સમજો ગેમ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના તાલિબાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. 24 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાનના હવાઈહુમલામાં અફઘાનિસ્તાનના 46 લોકો માર્યા ગયા હતા. હવે તાલિબાને આ હુમલાનો જવાબ આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેના સંબંધો જટિલ રહ્યા છે. એક સમય હતો, જ્યારે બંને દેશ મિત્રો હતા, પણ હવે યુદ્ધની સ્થિતિ સુધી પહોંચી ગયા છે. આનો ફાયદો ડિપ્લોમેટિક રીતે ભારત ઉઠાવી રહ્યું છે. ભારતે હવે તાલિબાન મારફત પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કર્યું છે. નમસ્કાર, હમણાં થોડા જ દિવસ પહેલાં દુબઈમાં ભારત અને તાલિબાન વચ્ચે હાઇલેવલ મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અફઘાનિસ્તાન તરફથી તાલિબાન સરકારના વિદેશમંત્રી મૌલવી આમિર ખાન હાજર હતા. ભારત અને તાલિબાન વચ્ચે બિઝનેસ, ટ્રેડ, સાંસ્કૃતિક વિરાસત, ચાબહર પોર્ટ જેવા મુદ્દે ચર્ચા થઈ. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર જે એરસ્ટ્રાઇક કરી એની ભારતે નિંદા કરી. આનો મતલબ એવો થયો કે ભારત હવે તાલિબાનનો સાથ લઈને પાકિસ્તાનને ઘેરી રહ્યું છે. 90ના દાયકામાં તાલિબાનનો ઉદય થયો
પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનમાં એક જ ભાષા બોલાય છે- પશ્તુ. એને પશ્તુન અથવા પખ્તુ પણ કહેવામાં આવે છે. પશ્તુ ભાષામાં વિદ્યાર્થી શબ્દનો અર્થ છે તાલિબાન. 90ના દાયકામાં અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ થયું હતું. આ સમય દરમિયાન સોવિયેત સંઘે ત્યાં હસ્તક્ષેપ કર્યો. આ દાયકાના અંતમાં સોવિયેત સંઘે ત્યાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન તાલિબાનનો ઉદય થયો.
એવું કહેવાય છે કે તાલિબાનનો જન્મ મદરેસામાં થયો હતો અને તેને સાઉદી અરેબિયા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું. આ પછી તાલિબાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના પશ્તુન વિસ્તારોમાં ફેલાઈ ગયા. આ વિસ્તારોમાં તાલિબાને વચન આપ્યું હતું કે તેઓ શાંતિ અને સુરક્ષા માટે દરેક જગ્યાએ શરિયા કાયદો લાગુ કરશે. 1995માં તાલિબાને ઈરાનની સરહદે આવેલા હેરાંત પ્રાંત પર કબજો કર્યો. તેના એક વર્ષ પછી તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર પણ કબજો કર્યો. તાલિબાને તત્કાલીન રાષ્ટ્રપતિ બુરહાનુદ્દીન રબ્બાનીને સત્તા પરથી દૂર કર્યા. 1998 સુધીમાં અફઘાનિસ્તાનના મોટા ભાગના ભાગો તાલિબાનો દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે અફઘાનિસ્તાનના લોકો માટે ઘણા એવા નિર્ણયો લીધા, જે માનવ અધિકારોના વિરુદ્ધ હતા. 2001 સુધીમાં તાલિબાનનો આંતરરાષ્ટ્રીય વિરોધ થયો. વિરોધ છતાં તાલિબાનોએ પોતાનું અક્કડ વલણ ચાલુ રાખ્યું. પાકિસ્તાને તાલિબાન સરકારને માંડ માંડ માન્યતા આપી
પાકિસ્તાન હંમેશાં એ વાતનો ઇનકાર કરતું આવ્યું છે કે તાલિબાન ઊભું કરવામાં કે મજબૂત બનાવવામાં તેની કોઈ ભૂમિકા હતી, પરંતુ એ વાતનો ઇનકાર કરી શકાય નહીં કે ‘તાલિબાન આંદોલન’ની શરૂઆતમાં પાકિસ્તાનના મદરેસાઓમાંથી આવતા લોકો તેની સાથે જોડાયેલા હતા. જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે તેને ત્રણ દેશે માન્યતા આપી હતી. સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે તરત માન્યતા આપી, પણ પાકિસ્તાન તૈયાર નહોતું. પાકિસ્તાને માંડ માંડ તાલિબાન સરકારને માન્યતા આપી. જ્યારે વિશ્વભરના દેશો તાલિબાન સાથેના રાજદ્વારી સંબંધોનો અંત લાવી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાન સંબંધ તોડનારા દેશોમાં છેલ્લો દેશ હતો. તાલિબાનને એમ હતું કે બીજા દેશો ભલે સાથ ન આપે, પણ અમને પાકિસ્તાન સાથ આપશે, પણ એવું થયું નહીં. આ પછી તાલિબાને પાકિસ્તાનને અસ્થિર કરવાની ધમકી આપી. 2012માં મલાલા યુસુફઝાઈને પાકિસ્તાનમાં તાલિબાનોએ ગોળી મારી હતી. મલાલા ઘાયલ થઈ ગઈ. એક વર્ષ પછી હકીમુલ્લાહ મહેસુદ સહિત ત્રણ ટોચના તાલિબાન નેતાઓ યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયા. આ ત્રણેય પાકિસ્તાનમાં તાલિબાનની કમાન સંભાળતા હતા. 9/11 હુમલા પછી અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો અંત આવ્યો
11 સપ્ટેમ્બર 2001ના દિવસે ન્યૂયોર્ક વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો હતો. તાલિબાન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. તાલિબાનો પર આરોપ હતો કે તેમણે જ ઓસામા બિન લાદેન અને અલ કાયદાના આતંકીઓને આશરો આપ્યો હતો. અમેરિકાએ બદલો લીધો અને આ રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો અંત આવ્યો. એ પછી એપ્રિલ 2021માં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને જાહેરાત કરી કે અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચી લેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી હતી, પણ અંતે એવું જ થયું. 2021ના ઓગસ્ટ મહિનામાં તાલિબાને ફરીથી અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો. અત્યારે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે તણાવ કેમ વધ્યો છે?
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બોર્ડર પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) નામનું સંગઠન એક્ટિવ છે. એ તાલિબાન સમર્થિત સંગઠન છે, જે પાકિસ્તાનમાં અરાજકતા ફેલાવે છે. આ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ તાજેતરમાં વઝીરિસ્તાનના માકીન વિસ્તારમાં 30 પાકિસ્તાની સૈન્ય સૈનિકની હત્યા કરી. આના જવાબમાં પાકિસ્તાને એરસ્ટ્રાઈક કરીને સંદેશ આપ્યો કે તે પોતાના સૈનિકોની હત્યા સહન કરશે નહીં. અફઘાન તાલિબાન પાસે મોટા પ્રમાણમાં શસ્ત્રો છે અને તેઓ દુર્ગમ વિસ્તારોમાં છુપાઈ રહે છે. તેમની પાસે AK-47, મોર્ટાર, રોકેટ લોન્ચર જેવાં આધુનિક શસ્ત્રોનો ભંડાર છે. તાલિબાન લડવૈયાઓ પર્વતો અને ગુફાઓમાંથી છુપાઈને હુમલો કરે છે. આ પર્વતો અને ગુફાઓનાં લોકેશન વિશે પાકિસ્તાની સેનાને ખબર પણ નથી. અત્યારે પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ સરકાર પહેલેથી જ આર્થિક સંકટ, સીપેક પ્રોજેક્ટમાં વિલંબ અને બલુચિસ્તાનમાં અલગતાવાદ જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ મુદ્દાઓએ સરકાર અને સેના બંનેને નબળી પાડી છે. હવે તાલિબાન સાથેના સંઘર્ષે પાકિસ્તાનના આર્થિક સંકટને વધારે ઘેરું બનાવ્યું છે.
મીર અલી નામની પાક.-અફઘાન સરહદ પર વધતી ગતિવિધિઓને કારણે પાકિસ્તાને પણ તેની સેનાને એલર્ટ પર રાખી છે. સરહદી વિસ્તારોમાં સૈનિકોની તહેનાતી વધુ તીવ્ર બનાવવામાં આવી છે. તણાવ વધતાં પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેનો આ સંઘર્ષ ક્યાં જાય છે એ જોવાનું રહે છે. પાકિસ્તાનનું ડેલિગેશન અફઘાનિસ્તાન ગયું ને એરસ્ટ્રાઇક થઈ!
તાલિબાન-પાકિસ્તાનના તણાવ વચ્ચે પાકિસ્તાનનું એક ડેલિગેશન અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને મળવા ગયું હતું. બંને વચ્ચે મિટિંગ થઈ ત્યારે જ પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં એરસ્ટ્રાઈક કરી. આ હુમલો થયો ત્યારે પાકિસ્તાનના નેતા મહંમદ સાદ્દીક તાલિબાનો સાથે ચર્ચા કરી રહ્યા હતા. તેઓ તાલિબાની નેતા અને અફઘાનિસ્તાનના ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાની સાથે વાતચીત કરતા હતા ત્યારે જ આ સમાચાર મળ્યા. થોડા દિવસો પહેલાં સિરાજુદ્દીન હક્કાનીના કાકા ખલીલ રહેમાન હક્કાનીની ઈસ્લામિક સ્ટેટે (ISIS)એ હત્યા કરી નાખી હતી. ખલીલ રહેમાન હક્કાની અફઘાનિસ્તાનમાં રેફ્યુજી મિનિસ્ટર હતા. પાકિસ્તાને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. ત્યારે એવું લાગતું હતું કે બંને દેશો વચ્ચે સમાધાન થઈ જશે, પણ 24 ડિસેમ્બરે પાકિસ્તાને અફઘાનિસ્તાન બોર્ડર પર હુમલો કરતાં સ્થિતિ સુધરતી હતી એ વધારે વણસી ગઈ. પાકિસ્તાની મીડિયા લખે છે કે અમારો ટાર્ગેટ લોકો નહોતા, પણ આ હુમલા TTPના અડ્ડાઓ પર કરવામાં આવ્યા હતા. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) શું છે?
સોવિયેત અફઘાન વોર પછી મુજાહિદ્દીનો વચ્ચે હોડ શરૂ થઈ કે હવે અફઘાનિસ્તાનમાં કોનું રાજ ચાલશે! મુજાહિદ્દીનોનાં સંગઠનો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. અફઘાનમાં મોહમ્મદ મજીબુલ્લાહની સરકાર તો બની ગઈ હતી, પણ મુજાહિદ્દીનના ગ્રુપ તેને માન્યતા નહોતા આપતા. એ જ સમયમાં તાલિબાનને ઊભું કરનારા મુલ્લા ઉમરની લોકપ્રિયતા વધી. 1996માં પહેલીવાર તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કર્યો. તેનું શાસન 2001 સુધી ચાલ્યું. પછી 9/11ના હુમલા પછી અમેરિકાએ વોર ઓન ટેરર શરૂ કર્યું. તાલિબાનને સત્તામાંથી હટાવાયું. ત્યારે તાલિબાની લીડરશિપે પાકિસ્તાનના વિસ્તારોમાં આશરો લીધો. મુલ્લા ઉમર પણ ભાગીને પાકિસ્તાનમાં છુપાઈ ગયો. અમેરિકા તેની પાછળ પાછળ પાકિસ્તાન પહોંચ્યું. ત્યાં પણ તાલિબાનના અડ્ડાઓને નિશાન બનાવ્યા. એ સમયમાં પાકિસ્તાનમાં પરવેઝ મુશરર્ફની સરકાર હતી. તેણે અમેરિકાને મદદ કરી, પણ પડદા પાછળ પાકિસ્તાનની એજન્સી ISI તાલિબાનને બચાવી રહી હતી છતાં પાકિસ્તાને અમેરિકાને સાથ આપતાં પાકિસ્તાનમાં રહેલા તાલિબાની જેહાદી સંગઠનો પાક. સરકારથી નારાજ થયાં. આ નારાજ લોકોમાં એક હતો બેહતુલ્લા મહેસૂદ. તેણે 90ના દાયકામાં તાલિબાનની ખૂબ મદદ કરી હતી. પછી તે પાકિસ્તાની સેના વિરુદ્ધમાં થઈ ગયો અને સેના સામે લડાઈનું એલાન કર્યું. આ જ બેહતુલ્લા મહેસૂદે 2007માં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નો પાયો નાખ્યો. TTP ઘણાં નાનાં-મોટાં જેહાદી જૂથોને પુરવઠો, આશરો, નાણાં બધું પૂરું પાડે છે. તેનો હેતુ સ્પષ્ટ હતો. તે પાકિસ્તાનમાં સખત શરિયા કાનૂન લાગુ કરવા માગતો હતો. સરકારી સંસ્થાઓને ઈસ્લામવિરોધી માનતો હતો. સ્થાપનાની સાથે જ TTPએ પાકિસ્તાન સામે લડાઈ શરૂ કરી દીધી. આ સંગઠનને તાલિબાનનો સાથ મળ્યો. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી પછી TTP વધારે મજબૂત બન્યું. તાલિબાનોએ પાકિસ્તાનના પરમાણુ મથકના 16 કર્મચારીનું અપહરણ કર્યું
24 ડિસેમ્બરે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈક બાદ તાલિબાનો એ ફિરાકમાં હતા કે પાકિસ્તાનને કેવી રીતે ભીંસમાં લઈ શકાય. 9 જાન્યુઆરીએ અફઘાન તાલિબાન અને તહરીક-એ-તાલિબાન (TTP)એ પાકિસ્તાનની સૈન્યની ચોકીઓ પર રોકેટ અને મોર્ટારથી હુમલો કર્યો હતો. મકીન અને માલીખેલની સેનાની ચોકીઓ પર હુમલો કર્યા પછી તાલિબાનના લડવૈયાઓએ ખૈબરના લક્કી મારવતના એનર્જી પ્લાન્ટના 16 કર્મચારીનું અપહરણ કર્યું હતું. તમામ લોકો રાત્રે પોતાની ડ્યૂટી પરથી પરત ફરી રહ્યા હતા. તાલિબાને ખૈબરના કબાલ વિસ્તારમાં કર્મચારીઓને નીચે ઉતારીને વાહનને આગ લગાવી દીધી હતી. આ પ્લાન્ટ પાકિસ્તાન પરમાણુ ઊર્જા આયોગ અંતર્ગત આવે છે. પાક.-અફઘાન સરહદ પર પાક.ની સેના અને પોલીસની સંયુક્ત ટીમોએ સર્ચ-ઓપરેશન શરૂ કર્યું હતું. પરંતુ અહીં પર્વતો અને ગુફાઓને કારણે સફળતા મળી નહોતી. TTPએ પાકિસ્તાન પર 2025માં જ ચાર હુમલા કર્યા
તાલિબાની સંગઠન TTPએ પાકિસ્તાનમાં 2025માં જ ચાર હુમલા કર્યા છે. ગયા વર્ષે 2024માં 265 હુમલા કર્યા હતા. 2024માં થયેલા હુમલામાં પાકિસ્તાની સેનાના 67 જવાનનાં મોત થયાં હતાં. 2024માં ઓગસ્ટમાં TTPએ ગેસ પાઈપલાઈનના ત્રણ કર્મચારી અને નવેમ્બરમાં 7 પોલીસકર્મચારીઓનું અપહરણ કર્યું હતું. TTPને પાકિસ્તાન સરકાર આતંકી સંગઠન ગણાવે છે. જેમનું અપહરણ થાય છે તેમનો જ વીડિયો રિલીઝ કરીને તાલિબાન પાકિસ્તાન સરકાર પર દબાણ વધારે છે. ભારત તાલિબાનોનો સાથ લઈને પાકિસ્તાનને ઘેરવા માગે છે
દુબઈમાં અફઘાન તાલિબાન અને ભારતીય અધિકારીઓ વચ્ચે હાઇ લેવલ મિટિંગ થઈ. આ મિટિંગમાં ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અફઘાનિસ્તાન તરફથી તાલિબાન સરકારના વિદેશમંત્રી મૌલવી આમીર ખાને ભાગ લીધો હતો. આ મિટિંગનો એજન્ડા માનવીય અને ડેવલપમેન્ટ સહાય, બિઝનેસ, ટ્રેડ, સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક સંબંધો, રીજનલ સિક્યોરિટીનો હતો. આ મિટિંગમાં ઈરાનના ચાબહાર બંદર સહિત વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અફઘાન મંત્રીએ સંકટ સમયે મદદ કરવા બદલ ભારતનો આભાર માન્યો. ભારતે કહ્યું હતું કે નવી દિલ્હી ભવિષ્યમાં પણ અફઘાન લોકોની વિકાસ જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર છે. ભારતીય વિદેશ મંત્રાલયે અફઘાનની તાલિબાન સરકારને સંદેશો આપ્યો કે વિકાસની દૃષ્ટિએ વર્તમાન જરૂરિયાતોને જોતાં એ નિર્ણય કરવામાં આવ્યો છે કે અફઘાનિસ્તાનના વિકાસની યોજનાઓમાં ભારત પણ સામેલ થવા માટે વિચાર કરશે. 2021 પછી ભારતે તાલિબાનને કઈ રાહત સામગ્રીઓ મોકલી? ભારતે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈકની નિંદા કરી
દુબઈમાં મળેલી ભારત-અફઘાન મિટિંગ દરમિયાન ભારતે પાકિસ્તાનની એરસ્ટ્રાઈકની નિંદા કરી હતી. 24 ડિસેમ્બરે કરવામાં આવેલા આ હવાઈહુમલામાં અફઘાનિસ્તાનની ઘણી મહિલાઓ અને બાળકો સહિત 46 લોકો માર્યા ગયા હતા. ભારતે પાકિસ્તાનની નિંદા કરતાં કહ્યું હતું કે પોતાની ઘરેલું નિષ્ફળતાઓ માટે બીજાઓને દોષ આપવાની ઇસ્લામાબાદની જૂની આદત છે. અમે નિર્દોષ નાગરિકો પરના કોઈપણ હુમલાની સ્પષ્ટપણે નિંદા કરીએ છીએ. અફઘાન સરકારે પણ આ હુમલા અંગે પાકિસ્તાનને ચેતવણી આપી હતી. અત્યારસુધી તાલિબાનને કોઈપણ દેશે ડિપ્લોમેટિક માન્યતા નથી આપી
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ અત્યારસુધી તેમને કોઈપણ દેશ તરફથી રાજદ્વારી માન્યતા મળી નથી. ભારત સરકાર પણ 2021થી તાલિબાન સાથે સતત સંપર્કમાં છે, પરંતુ હજુ સુધી તેને રાજદ્વારી માન્યતા આપી નથી. ડિપ્લોમેટિક માન્યતા એ એક રીતે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા તરફનું પહેલું પગલું છે. જ્યારે કોઈ સાર્વભૌમ અને સ્વતંત્ર દેશ બીજા સાર્વભૌમ અથવા સ્વતંત્ર દેશને માન્યતા આપે છે ત્યારે તે બે દેશ વચ્ચે રાજદ્વારી સંબંધો શરૂ થાય છે. માન્યતા આપવી કે ન આપવી એ રાજકીય નિર્ણય છે. જ્યારે રાજદ્વારી સંબંધો સ્થપાય છે ત્યારે બંને દેશો આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા અને એનું સન્માન કરવા બંધાયેલા છે. છેલ્લે,
ભારત-અફઘાન વચ્ચે મિટિંગ થયા પછી તાલિબાને પોતાના મુખપત્ર ‘અલ મિરસાદ’માં લખ્યું છે કે ભારત એક મહત્ત્વનો શક્તિશાળી દેશ છે. ભારતે અફઘાનિસ્તાનના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. આ મુખપત્રમાં પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે કે અફઘાનિસ્તાન સંપ્રભુતા સામે કોઈ સમજૂતી નહીં કરે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments