અભિનેતા સૈફ અલી ખાન પર હુમલા બાદ મુંબઈની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. બોલિવૂડ હસ્તીઓ અને નેતાઓએ મુંબઈમાં તેના નિવાસ્થાને જ સૈફ પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. જેમાં કેટલાક લોકોએ શહેરમાં અરાજકતાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. આ સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઘરમાં એક શખ્સ ઘૂસ્યો હતો તેણે હુમલો કર્યો હતો આ એક ગંભીર ઘટના છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પરંતુ આ બનાવના પગલે સમગ્ર મુંબઈને અસુરક્ષિત કહેવું અયોગ્ય છે. મુંબઈ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રાનૌતની ફિલ્મ ઈમરજન્સીના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે પહોંચેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે અમારી સરકાર દેશની આર્થિક રાજધાનીને સુરક્ષિત બનાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. મને લાગે છે મુંબઈ દેશના મોટા શહેરોમાં સૌથી સુરક્ષિત છે. એ પણ સાચું છે કે ક્યારેક ક્યારેક કેટલીક ઘટનાઓ બને છે જેને ગંભીરતાથી લેવી જોઈએ. જોકે, એ કહેવું યોગ્ય નથી કે આ ઘટનાઓના કારણે મુંબઈ અસુરક્ષિત છે. જેનાથી મુંબઈની છબી ખરડાઈ છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સૈફને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. મમતા બેનર્જીએ પોસ્ટમાં કહ્યું લખ્યું કે ‘હું સૈફ અલી ખાન ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરૂ છું. કાયદો કાયદાનું કામ કરશે. આ ઘટનામાં જવાબદાર લોકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.’ કેજરીવાલે કહ્યું ‘સૈફ પર થયેલા હુમલાના સમાચારથી સ્તબ્ધ અને ઝડપથી રિકવરી થાય તેવી પ્રાર્થના કરૂ છું. ‘ શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર અને નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સૈફના ઘર પર થયેલી આ ઘટના વધુ એક ‘હાઈ પ્રોફાઈલ હત્યા’નો પ્રયાસ છે. આ હુમલો ફરી મુંબઈ પોલીસ અને ગૃહમંત્રી પર સવાલ ઉઠાવે છે.