જૈનુલ અન્સારી
કોર્પોરેશને ગ્યાસપુર ખાતે આવેલા સુએઝ ફાર્મની ખેડૂતોની 120 કરોડની 45 વિઘાથી વધુ જમીન સુએઝ ફાર્મ ખેડૂત મંડળ અને ખજાનચીએ બારોબાર ભાજપના પૂર્વ નેતા પ્રહલાદ પટેલના પુત્ર વિવેક પટેલને આજીવન માટે ભાડેપટ્ટે આપ્યાનું સામે આવ્યું છે. સુએઝ ફાર્મ ખેડૂત મંડળના પ્રમુખ અને ખજાનચીએ ખેડૂતોને અંધારામાં રાખીને 57 વિઘાથી વધુ જગ્યા કપાતમાં લઈ પ્લોટ નંબર 108 અને 142માં ટ્રાન્સફર કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવમાં કોમન પ્લોટની કોઈ જોગવાઈ પણ નહતી.
કોર્પોરેશને 1955માં સુએઝ ફાર્મની જમીન ખેતી કરવા માટે ખેડૂતોને સાંથ પર આપી હતી. જોકે, શહેરનો વિસ્તાર અને વસતી વધતા ગંદા પાણીના નિકાલ માટે એસટીપી બનાવવાનું હોવાથી 1700 એકર જમીનની તાત્કાલિક જરૂર પડી હતી. ખેડૂત મંડળના પ્રમુખ મનીષ પટેલ અને બાબુ પટેલે હોદ્દાનો દુરુપયોગ કરીને ખેડૂતોના ભાગમાં આવતી જમીનમાંથી અમુક ભાગની જમીન કપાતમાં લીધી હતી. તે જમીનોની
પાવર એટર્ની મનીષ પટેલે લઈ લીધી હતી. મનીષ પટેલે અંદાજે 40 ખેડૂતોની તેમને અંધારામાં રાખીને 57 વિઘાથી વધુ જમીન કપાતમાં લીધી હતી. સમય જતા પાવર ઓફ એટર્ની મારફતે મનીષ પટેલે 45 વિઘાથી વધુ જમીન વિવેક પ્રહ્લાદ પટેલને કાયમી ભાડાપટ્ટે કરી આપી, જેની ખેડૂતોને જાણ ન હતી. ખેડૂતોએ સંમતિથી જમીન આપી હતી
દસ્તાવેજો થયા ત્યારે ખેડૂતોની સંમતિથી જમીનમાંથી અમુક ભાગ લેવાયો હતો. તે જમીન સુએઝ ફાર્મના કોમન પ્લોટ નંબર 142 અને 108માં મૂકાઈ હતી. વિવેક પ્રહલાદભાઈ પટેલ અગાઉ બીજાની જમીન પણ ખેતી કરતા હતા. તેથી પ્લોટ નં-142,108 ની કેટલીક જમીન તેમને ફાળવી છે.
મનીષ પટેલ, સુએઝ ફાર્મ ખેડૂત મંડળ પ્રમુખ
ખેડૂતો વતી પ્રમુખે ડોક્યુમેન્ટમાં સહી કરી
ખેડૂતોના આક્ષેપો ખોટા છે. સુએઝ ફાર્મ ખાતે અમે 25-30 વર્ષથી ખેતી કરીએ છીએ. જે જમીનો અમે લીધી છે તે બધી વેચાણથી લીધી હતી. જોકે, કેટલાં રૂપિયા ચૂકવ્યા હતા તે મને યાદ નથી. ખેડૂતોએ બનાવેલા કુલમુખ્તિયાર પ્રમુખ મનીષ પટેલે ડોક્યુમેન્ટમાં સહી કરી હતી. વિવેક પ્રહલાદ પટેલ, જમીન ખરીદનાર અંગ્રેજીમાં દસ્તાવેજ બનાવીને આપ્યા હતા
અમે 70 વર્ષથી વધુ સમયથી ખેતી કરતા હતા. મ્યુનિ.એ બનાવેલા નિયમ પ્રમાણે અમને 13 વિઘા અને 7.5 ગુઠા જમીન મળવાની હતી. જોકે, અમારી જાણ બહાર 2 વિઘા અને 3 ગુઠાથી વધારે જમીન કાપી લીધી હતી. અંગ્રેજીમાં દસ્તાવેજો બન્યા હોવાથી અમને તેની જાણ થઈ નહતી.
રાજેશભાઈ મફતલાલ પરમાર, સુએઝ ફાર્મના ખેડૂત
36થી વધુ ખેડૂતોને જમીન આપવાની બાકી
મારા સહિત 36 જેટલા ખેડૂતોને હજી સુધી જમીન અપાઈ નથી. તેથી આરટીઆઈ કરી માહિતી માગી હતી, જેમાં મંડળ પાસે હજી 23.24 એકર જમીન છે. જોકે, મંડળના પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવે છે કે, મારી પાસે જમીન બચી નથી.
અસ્મિતાબેન ચાવડા, સામાજિક કાર્યકર્તા 225 ખેડૂતોને જમીન આપવાની હતી
મ્યુનિ.એ 1989માં 1750 અેકર જમીન લઈને ખેડૂતોને 550 એકર જમીન આપવાનો નક્કી કર્યું હતું. અત્યાર સુધીમાં 188 ખેડૂતોને જમીન અપાઈ છે જ્યારે એક ખેડૂતની જમીન વાસણા બેરેજમાં જતી રહી હતી હાલમા 36 જેટલા ખેડૂતોને જમીન આપવાની બાકી છે. તેઓ કાયદાકીય લડત લડી રહ્યાં છે.