અમેરિકામાં વ્હાઇટ હાઉસ પર હુમલાના પ્રયાસ બદલ ગુરુવારે ભારતીય નાગરિક સાંઇ વર્ષિત કંડુલાને 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કંડુલાએ 22 મે 2023એ ભાડાની ટ્રકમાં હુમલો કરવાની યોજના બનાવી હતી. તેને 13 મે, 2024એ અમેરિકન સંપત્તિને જાણીજોઈને નુકસાન પહોંચાડવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે સરકાર પર નિયંત્રણ મેળવીને રાષ્ટ્રપતિ જો બાઈડનની હત્યા કરવા માંગતો હતો. આ માટે 6 મહિનાથી પ્લાનિંગ કરી રહ્યો હતો. ભારતના ચંદનગરમાં જન્મેલો કંડુલા અમેરિકાનો કાયમી નિવાસી હતો અને તેની પાસે ગ્રીન કાર્ડ હતું. ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, આ હુમલાનો હેતુ અમેરિકાની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી દેવાનો અને નાઝી વિચારધારાથી પ્રેરિત સરમુખત્યારશાહી સ્થાપિત કરવાનો હતો. પહેલાં ડિનર કર્યું, પછી ટ્રકથી બેરિકેડને ટક્કર મારી કોર્ટના દસ્તાવેજો અનુસાર, કંડુલા 22 મે, 2023એ સેન્ટ લુઈસથી ફ્લાઈટ દ્વારા વોશિંગ્ટન પહોંચ્યો હતો. સાંજે 5:20 વાગ્યે ડલેસ એરપોર્ટ પર ઉતર્યા પછી, તેણે 6:30 વાગ્યે એક ટ્રક ભાડે લીધી. આ પછી તેણે ડિનર કર્યું અને ટ્રકમાં ફ્યૂલ ભરાવ્યું. આ પછી કંડુલા વોશિંગ્ટન ડીસી તરફ આગળ વધ્યો. રાત્રે 9:34 વાગ્યે, તેણે વ્હાઇટ હાઉસ અને પ્રેસિડેન્ટ પાર્કની સુરક્ષા કરતા બેરિકેડમાં ટ્રકને અથડાવી દીધી. પ્રથમવાર ટક્કર માર્યા બાદ તેણે ટ્રક પાછી લીધી અને ફરી પ્રયાસ કર્યો. બીજા પ્રયાસમાં, ટ્રક બગડી ગઇ અને એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓએ ઘટનાસ્થળે કંડુલાની ધરપકડ કરી હતી. ટ્રકમાંથી બહાર નીકળીને નાઝી ધ્વજ લહેરાવ્યો પોલીસ રેકોર્ડ મુજબ, એન્જીન બગડ્યા બાદ કંડુલા ડ્રાઈવરની સીટ પરથી નીચે ઉતરીને ટ્રકની પાછળના ભાગમાં ગયો. તેણે નાઝી ધ્વજ કાઢ્યો અને તેને લહેરાવવાનું શરૂ કર્યું. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે આ હુમલા બાદ વ્હાઇટ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર કેપિટલ હિલ પાસે બેરિકેડ સાથે વાહનો અથડાવાની ઘટનાઓ પહેલા પણ બની ચુકી છે. 6 જાન્યુઆરી, 2021એ થયેલી કેપિટલ હિંસા પછી લગભગ ત્રણ મહિના પછી, એક કારે બે કેપિટલ પોલીસ અધિકારીઓને કારથી ટક્કર મારી દીધી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયો હતો. ઓગસ્ટ 2023માં એક વ્યક્તિએ તેની કાર કેપિટલ હિલ નજીક બેરિકેડમાં ઘૂસાડી દીધી હતી. આ પછી કારમાં આગ લાગી હતી. આરોપી રિચર્ડ યોર્ક કારમાંથી બહાર આવ્યો અને હવામાં ફાયરિંગ કર્યું. આ પછી તેણે પોતાને ગોળી મારી દીધી હતી. —————————— અમેરિકા સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… યુએસ પ્રમુખ જો બાઈડનનું વિદાય ભાષણ: અમેરિકામાં અમીરોનો વર્ચસ્વ ખતરનાક; રાષ્ટ્રપતિ પણ સજામાંથી બચી ન શકે તે માટે કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે મોડી રાત્રે રાજધાની વોશિંગ્ટન ડીસીની ઓવલ ઓફિસમાં તેમનું વિદાય ભાષણ આપ્યું હતું. તેમણે 15 મિનિટ સુધી ભાષણ આપ્યું. જેમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ, મસ્ક, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને ક્લાઈમેટ ચેન્જ વિશે વાત કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો