ઘણા સમયથી ગુજરાતનું વાતાવરણ દરરોજ બદલાતું રહે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. તાપમાન વધતા ઠંડીનું પ્રમાણ મહદઅંશે ઘટ્યું છે, પરંતુ ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી ગુજરાત પર આવી રહેલા ઠંડા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ યથાવત વર્તાઈ રહ્યું છે. આજે (17 જાન્યુઆરી) સવારથી જ પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેથી વહેલી સવારે ગુજરાતવાસીએ ઠંડા પવનના સુસવાટા અનુભવ્યા હતા. હજુ પણ દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ યથાવત રહેશે. 24 કલાકમાં નલિયાના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. નલિયામાં ફક્ત 24 કલાકમાં 3 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુનો ઘટાડો નોંધાયો હતો. ગતરાત્રિ દરમિયાન નલિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય 4 મહાનગરમાં લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 13.7 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 10.7 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.