કંગના રનૌતની વિવાદાસ્પદ ફિલ્મ ‘ ઇમરજન્સી’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. SGPCના વિરોધ છતાં પંજાબના દરેક શહેરમાં ફિલ્મના 5 થી 10 શો બતાવવામાં આવી રહ્યા છે. આ ફિલ્મ લાંબા સમયથી વિવાદમાં છે, ખાસ કરીને શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ ફિલ્મ પર કથિત રીતે ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાનો અને શીખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. SGPCના આહ્વાન બાદ શીખ સંગઠનોએ આજે PVR સિનેમા બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. SGPC ચીફ હરજિન્દર સિંહ ધામીએ ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને આ ફિલ્મને લઈને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં માંગ કરી હતી કે પંજાબમાં ‘ઇમરજન્સી’ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. ધામીએ કહ્યું હતું કે 1975ની કટોકટી દરમિયાન શીખ સમુદાય અને તેમના સંઘર્ષને જે રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે તે ઐતિહાસિક તથ્યો સાથે મેળ ખાતો નથી અને શીખોની છબીને ખોટી રીતે રજૂ કરે છે. ધામીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ ફિલ્મ શીખોને તેમના બલિદાન અને ઐતિહાસિક યોગદાનને અવગણીને નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે. તેમણે સરકારને શીખ સમુદાયની ભાવનાઓનું સન્માન કરવા અને પંજાબમાં આ ફિલ્મને રિલીઝ થતી રોકવાની અપીલ કરી હતી. કંગના રનૌતે જવાબ આપ્યો કંગના રનૌતે આ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે તેની ફિલ્મમાં શીખ સમુદાય પ્રત્યે અપમાનજનક કંઈપણ કહેવામાં આવ્યું નથી. તેણે દાવો કર્યો હતો કે ‘ઇમરજન્સી’ ઐતિહાસિક તથ્યો પર આધારિત છે અને તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં દેશમાં લાદવામાં આવેલી કટોકટી દરમિયાન વાસ્તવિકતા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં પ્રતિબંધિત ફિલ્મના પહેલા રિલીઝ થયેલા ટ્રેલરમાં પંજાબમાં આતંકવાદનો યુગ તેમજ બાંગ્લાદેશની આઝાદીનો યુગ બતાવવામાં આવ્યો હતો. જેના કારણે બાંગ્લાદેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નવા રિલીઝ થયેલા ટ્રેલરમાં આતંકવાદ, બ્લુ સ્ટાર ઓપરેશન અને જરનૈલ સિંહ ભિંડરાનવાલા વિશે કોઈ દૃશ્ય બતાવવામાં આવ્યું નથી. આમ છતાં એસજીપીસીએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મ રિલીઝ પહેલા કોઈ ધાર્મિક સંસ્થાનો વિશ્વાસ સંપાદન કરવામાં આવ્યો નથી. ફિલ્મમાં વિવાદાસ્પદ મુદ્દાઓ આ ફિલ્મ 1975-77 દરમિયાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીની ઘટનાઓ દર્શાવે છે. ખાસ કરીને, તેમાં શીખો પરના કથિત અત્યાચાર, સુવર્ણ મંદિર પર સેનાની કાર્યવાહી અને અન્ય વિવાદાસ્પદ ઘટનાઓ દર્શાવવામાં આવી છે. એસજીપીસીનું કહેવું છે કે ફિલ્મમાં આ ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. સરકારનો પ્રતિભાવ આ મુદ્દે પંજાબ સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમન વર્માએ કહ્યું કે, પંજાબની શાંતિને નુકસાન પહોંચાડવાનું કોઈ કામ કરવા દેવામાં આવશે નહીં. પહેલા ટ્રેલર બાદ વિવાદ શરૂ થયો હતો ફરિદકોટના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ઉપરાંત શીખોની સર્વોચ્ચ સંસ્થા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ આ ફિલ્મ સામે સૌપ્રથમ વાંધો ઉઠાવ્યો હતો. અગાઉ આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ વિરોધ બાદ તેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી મંજૂરી મળી ન હતી. ફરીદકોટના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસા અને પાંચ મહિના પહેલા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરનાર સુરક્ષા ગાર્ડ બિઅંત સિંહના પુત્રએ ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા દૃશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ફિલ્મ ઈમરજન્સીમાં શીખોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, જેના કારણે સમાજમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા છે. જો આ ફિલ્મમાં શીખોને અલગતાવાદી કે આતંકવાદી તરીકે દર્શાવવામાં આવ્યા હશે તો તે એક મોટું કાવતરું હશે. સરબજીતે કહ્યું હતું કે ‘આ ફિલ્મ એક મનોવૈજ્ઞાનિક હુમલો છે, જેના પર સરકારે અગાઉથી ધ્યાન આપવું જોઈએ અને અન્ય દેશોમાં શીખો પ્રત્યે નફરત ભડકાવવાનું બંધ કરવું જોઈએ.’