અર્જુન ડાંગર કેન્દ્ર સરકારના પીડબલ્યુડીમાં રાજ્યભરમાં કામ કરતા 500થી વધુ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની સેલેરીનું અલગ જ પ્રકારનો કૌભાંડ બહાર આવ્યું છે. આ કર્મચારીઓનો પગાર જેટલો ઉધારાય છે એટલો અકાઉન્ટમાં જમા થતો નથી અને ખરેખર જેટલો જમા થાય છે એટલો આપવામાં આવતો નથી. કર્મચારીઓના એકાઉન્ટમાં ઓન રેકોર્ડ ₹ 24,000 જમા કરાવવામાં આવે છે પણ એમાંથી રૂપિયા 12 હજાર તેની પાસેથી પરત લઈ લેવામાં આવે છે અને આ રકમ પરત લેવા માટે ડમી રીલીવર પણ ઊભો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જાહેર રજા અને શનિ-રવિમાં પણ આ જ કર્મચારીઓ કામ કરતા હોવા છતાં તેની રજા બતાવીને અન્ય રીલીવરની હાજરી બતાવવામાં આવી રહી છે.રાજ્યભરમાં અત્યારે સીપીડબલ્યુડીમાં કોન્ટ્રાક્ટ બેઝથી કામ કરી રહેલા 500 કરતાં વધુ કર્મચારીનો પગાર કેન્દ્ર સરકારના નિયમ મુજબ ચૂકવવાનો હોય છે પણ એના બદલે રોજના ₹ 850 જેટલા જ ચૂકવાઈ રહ્યા છે. ટેન્ડરમાં વાયરમેનનો પગાર દરમહિને રૂ. 35,000 ઉધારાય છે, પણ કર્મચારીઓના ખાતામાં માત્ર રૂ. 24,000 જમા થાય છે. એમાંથી પણ કર્મચારીઓએ રૂ. 12,000 રાખીને બાકીના રૂ. 12 હજાર પાછા આપી દેવા પડે છે. આ રકમ ડિજિટલ પેમેન્ટથી કંપનીના નહીં, પણ બીજી જ વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવાય છે, જે આજ વિભાગના ડમી રિલિવરનું ખાતું હોય છે. આ ઉપરાંત જાહેર રજા કે શનિ-રવિના દિવસોમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જ કામ કરતા હોવા છતાં ઓનપેપર તેમની રજા દેખાડીને તેના સ્થાને રિલિવર તરીકે બીજી વ્યક્તિની હાજરી બતાવવામાં આવે છે, એ વ્યક્તિ ક્યારેય ફરજ બજાવવા આવ્યો જ હોતો નથી. એ કોણ છે તેની પણ કર્મચારીઓને ખબર હોતી નથી. આમ છતાં તેના નામનો પગાર ઉધારી લેવાય છે અને ચૂકવાઇ પણ જાય છે. કર્મચારીઓને પેમેન્ટ 26 દિવસનું જ ચૂકવાય છે. 2 વર્ષ પહેલા મામલો કોર્ટમાં પહોંચ્યો છતાં કંપની ફરી મૂળ રંગમાં આવી, વિરોધ કરનાર કર્મચારીની હકાલપટ્ટી કરી દેવામાં આવે છે અડધો પગાર પાછો આપવાની ના પાડતા ટર્મિનેશન લેટર પકડાવી દેવાયો, પછી સમાધાન થયું
રાજકોટમાં એક કર્મચારી દ્વારા પગાર જમા થયા પછી અડધો પગાર રીટર્ન કરવાની ના પાડી એટલે કંપનીએ તેને ટર્મીનેશન લેટર પકડાવી દીધો હતો. જેની સામે કેન્દ્ર સરકારની મજૂર અધિકારીની ઓફિસમાં ગત ફેબ્રુઆરી 2023માં કેસ દાખલ કરાયો હતો. સીપીડબલ્યુડીના તત્કાલીન આસિસ્ટન્ટ એન્જિનિયર કૈલાસચંદ્ર વર્માએ લેબરો અને કોન્ટ્રાક્ટર કંપની વચ્ચે પડીને રૂ. 17,000 આપવાનું નક્કી કરાવ્યું હતું. કર્મચારીઓએ રૂ. 18,000ની માંગણી કરી હતી. જોકે, પછી આ રીતે રૂ. 17,000 આપવા સમાધાન થતાં રાજકોટ લેબર કોર્ટનો કેસ પાછો ખેંચી લેવાયો હતો. સીપીડબલ્યુડીની રાજકોટ ઓફિસ કહેતી હોવા છતાં કોન્ટ્રાક્ટર કંપની માનતી નથી
સીપીડબલ્યુડીની રાજકોટ ઓફિસ કોન્ટ્રાક્ટરને કહે છે, તમે આજ માણસોને નોકરીએ રાખો. આમ છતાં પણ કોન્ટ્રાક્ટ કંપની એનું પાલન કરતી નથી. પરિણામે પીડિત કર્મચારીઓએ વડાપ્રધાનની પોર્ટલ સીપીગ્રામમાં પણ ઓનલાઇન ફરિયાદ કરી હતી. જોકે, વડાપ્રધાનના પોર્ટલમાં ઓનલાઈન ફરિયાદ કરાયા પછી તેનો ઉકેલ આવવાને બદલે અરજદારના મોબાઇલમાંથી એ અરજી ખુલવાનું જ બંધ થઇ ગયું હતું. …પીએફ નથી જોઇતું એવું લખાણ કરાવી લીધું
કોન્ટ્રાક્ટર કંપનીએ કર્મચારીઓ પાસેથી 12 કોરા વાઉચર પર સહી કરાવી લીધી છે. સાથે તેઓને પીએફ નથી જોઇતું એવા મતલબના લખાણવાળા સ્ટેમ્પ પર સહી અને અંગૂઠાની છાપ પડાવી લીધી છે. જેને કંપની કાઢવા માંગતી હોય તેનો પગાર પણ બબ્બે મહિના મોડો કરવામાં આવે છે. આ સાથે વર્ષોથી એકજ કંપનીમાં વર્ષોથી ફરજ બજાવતા 20 કર્મચારીઓને પણ કારણ વગર છૂટા કરી દીધા. તેઓના સંગઠનના નેતાએ ગેરમાર્ગે દોર્યા હોવાનું લખાણ કરી આપવા પણ દબાણ કરવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે. રાજકોટથી અમદાવાદની લેબર કોર્ટમાં ટ્રાન્સફર થયેલો કેસ કાયમી જજના અભાવે હજુ ફાઇલ થયો જ નથી
ફેબ્રુઆરી 2023માં રાજકોટની લેબર કોર્ટમાં કેસ અને રૂપિયા 17,000 સેલેરી ચૂકવવાનો વચ્ચેનો રસ્તો કઢાયા પછી જ્યારે એ કંપનીનું ટેન્ડર પૂરું થવા આવ્યું એના 2 મહિના અગાઉ એ જ ટેન્ડરનું રી-ટેન્ડરીંગ કરીને બીજી જ પાર્ટીને આપી દેવાયું હતું. આ અંગે કર્મચારીઓને જાણ પણ કરાઇ નહોતી. ટેન્ડર પૂરું થવાના એક દિવસ પહેલાં 3 લોકોને કહી દેવાયું કે, તમારે કાલથી આવવાનું નથી.