બોલિવૂડ એક્ટર અને મંડી, હિમાચલના બીજેપી સાંસદ કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ શુક્રવારે રિલીઝ થઈ હતી. પહેલા જ દિવસે પંજાબમાં શીખ સંગઠનો તેની સામે આવ્યા હતા. શીખ સંગઠનોના સભ્યોએ અમૃતસર, જાલંધર, લુધિયાણા, પટિયાલા અને મોહાલીમાં થિયેટરોની બહાર કાળા વાવટા સાથે વિરોધ કર્યો. રાજ્યના એકપણ થિયેટરમાં ફિલ્મ બતાવવામાં આવી ન હતી. આ ફિલ્મ PVR ગ્રુપના 70 થી 80 થિયેટરોમાં બતાવવાની હતી, પરંતુ વિરોધ બાદ આ ફિલ્મ આ થિયેટરોમાં બતાવવામાં આવી ન હતી. કાયદાના વિદ્યાર્થી સફલ હરપ્રીત સિંહ વતી કંગનાને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે, જેમાં તેણે 5 દિવસમાં સમગ્ર પંજાબ અને શીખ સમુદાયની માફી માગવાની માગ કરાઈ છે. તેમણે કહ્યું કે જો તે કાનૂની નોટિસનો જવાબ નહીં આપે તો અમે આ મામલે કાયદાનો સહારો લઈશું. બીજી તરફ કંગનાએ X પર લખ્યું કે,- આ કલા અને કલાકાર પર સંપૂર્ણ જુલમ છે. પંજાબના ઘણા શહેરોમાંથી એવા અહેવાલો આવી રહ્યા છે કે આ લોકો ‘ઈમરજન્સી’ દર્શાવવા દેતા નથી. હું તમામ ધર્મોનું સન્માન કરું છું. ચંદીગઢમાં અભ્યાસ અને ઉછર્યા પછી, મેં શીખ ધર્મને નજીકથી નિહાળ્યો છે અને તેનું પાલન કર્યું છે. મારી છબી ખરાબ કરવા અને મારી ફિલ્મ ‘ઈમરજન્સી’ને નુકસાન પહોંચાડવા માટે આ તદ્દન જુઠ્ઠાણું અને પ્રચાર છે. SGPC એ શીખોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ ફિલ્મ પર ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ અને શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. આ પછી જ શુક્રવારથ શીખ સંગઠનોએ પીવીઆર સિનેમા બહાર પ્રદર્શન કર્યું છે. SGPC ચીફ હરજિન્દર સિંહ ધામીએ પણ ગુરુવારે પંજાબના સીએમ ભગવંત માનને પત્ર લખ્યો હતો. પત્રમાં ધામીએ કહ્યું હતું કે- પંજાબમાં ‘ઇમરજન્સી’ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ફિલ્મમાં શીખોનું ચિત્રણ અને 1975ની કટોકટી દરમિયાન તેમના સંઘર્ષ ઇતિહાસ સાથે મેળ ખાતો નથી અને શીખોની ખોટી છબી ઊભી કરી રહી છે. ધામીએ આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં શીખોના બલિદાન અને યોગદાનની અવગણના કરવામાં આવી છે. તેઓ નેગેટિવ દર્શાવાયા હતા. શીખોની ભાવનાઓને માન આપીને પંજાબમાં ફિલ્મની રિલીઝ અટકાવવી જોઈએ.