જૂનાગઢના શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ ખાતે ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની બીજી સિઝનનો પ્રારંભ કર્યો છે. ‘Let’s Sport Out’ થીમ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં 15 ખાનગી અને 5 સરકારી સ્કૂલોના મળીને કુલ 1,050થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. 14 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ જગાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં બાળકોએ વિવિધ રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું કે બાળકોને ફરીથી રમતના મેદાન તરફ વાળવાનો અને ખેલદિલીની ભાવના જગાવવાનો આ પ્રયાસ છે. કાર્યક્રમમાં LALIGA માસ્ટરક્લાસ, ફિટનેસ એક્સરસાઇઝ, બોલિંગ મશીન સામે બેટિંગ, સ્ટમ્પ્સ હિટિંગ અને પેનલ્ટી કિક જેવી રોમાંચક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ વર્ષે પોકેમોન બ્રાન્ડ પણ જોડાઈ છે, જે બાળકોને તેમના મનપસંદ પોકેમોન પાત્રો સાથે મુલાકાત કરાવશે. બિસ્લેરી પીવાનું પાણી અને એસજી સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ પૂરા પાડી રહ્યા છે. જુનિયર ટાઇટન્સ હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ યોજાશે. આગામી કાર્યક્રમો ભાવનગર (25 જાન્યુઆરી), ભરૂચ (1 ફેબ્રુઆરી), પાલનપુર (8 ફેબ્રુઆરી) અને અમદાવાદ (15 ફેબ્રુઆરી)માં નિર્ધારિત છે.