મહેસાણા શહેરમાં આજે સાંજે 7 વાગ્યાના સુમારે ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL)ના સબ સ્ટેશનમાં આગ લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે શહેરના મોટા ભાગમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આગની જાણ થતાં જ મહેસાણા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સની ટીમે સઘન પ્રયાસો બાદ આગને કાબૂમાં લીધી છે. જો કે, સબ સ્ટેશનમાંથી ગોટેગોટા ધુમાડો નીકળતો હોવાથી ફાયર વિભાગે વિશેષ ફેન મૂકીને ધુમાડો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. વિશેષ ચિંતાજનક બાબત એ છે કે 66 કેવીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે અને UGVCL પાસે હાલ વૈકલ્પિક વ્યવસ્થા નથી. આ કારણે શહેરના મોટા ભાગમાં અંધારપટ છવાયો છે. વીજ કંપનીના અધિકારીઓએ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનः સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી છે. આ ઘટનાથી શહેરના રહેવાસીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. વીજ કંપનીના સૂત્રો મુજબ, ટેકનિકલ ટીમ દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.