પ્રતિપાલસિંહ ગોહિલ, ઈમરાન હોથી
રાજકોટમાં રહેતા અને 10 વર્ષ પહેલા આરટીઓ ઈન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયેલા અધિકારીએ પોતાના ફરજના કાર્યકાળ દરમિયાન 1994માં બોગસ ખેડૂત ખાતેદાર બની સૌરાષ્ટ્રના અનેક ગામડાંઓમાં ખેતીની જમીન ખરીદી લીધી હતી. દિવ્ય ભાસ્કરને માહિતી મળી કે, નિવૃત્ત આરટીઓ ઈન્સપેક્ટર અશોકકુમાર અનંતરાય ધ્રુવએ(એ.એ. ધ્રુવ) નકલી ખેડૂત ખાતેદાર બનીને કારસ્તાન આચર્યું છે. આ બાબતની જામનગરના કલેક્ટર અને ધ્રોલના મામલતદાર પાસેથી સત્ય વિગતો મેળવતા ચોંકાવનારી હકીકત બહાર આવી છે જેમાં નિવૃત્ત આરટીઓ ઈન્સપેક્ટરે રાજકોટ નજીક આવેલા જશવંતપુર ઉપરાંત મેંદરડાના માલણકા (ગીર), પડધરીના વણપરી, જામનગરના મોટી બાણુગાર, ધ્રોલના જાયવા અને લૈયારા ગામમાં ખેતીની જમીન ખરીદ કર્યાની વિગતો સ્પષ્ટ થઈ છે. હાલ ઉપરોક્ત તમામ ખેતીની જમીનની બજાર કિંમત નક્કી કરવામાં આવે તો તેનો આંકડો અંદાજે 300 કરોડથી વધુ થાય તેમ છે. આ ઉપરાંત નિવૃત્ત આરટીઓ ઈન્સપેક્ટર ધ્રુવે અન્ય કેટલાક ગામડામાં પણ જમીન ખરીદ કરી વેચી નાખી હોવાનું પણ સરકારી અધિકારીઓ જણાવી રહ્યા છે ત્યારે આ કારસ્તાન અંગે ધ્રોલના મામલતદાર પરમાર 15 દિવસમાં જ અશોક અનંતરાય ધ્રુવ નકલી ખેડૂત એટલે કે બિનખાતેદાર હોવાનો રિપોર્ટ કરશે તેમ દિવ્ય ભાસ્કરને જણાવ્યું છે. આ રીતે કારસ્તાન બહાર આવ્યું
દિવ્ય ભાસ્કરને માહિતી મળી હતી કે, પૂર્વ આરટીઓ ઈન્સ્પેક્ટર અશોક ધ્રુવ બોગસ ખેડૂત ખાતેદાર છે આથી સૌ પ્રથમ લૈયારા ગામના રેવન્યૂ રેકર્ડમાં કરવામાં આવેલી નોંધ નંબર 1058માં તપાસ કરવામાં આવી હતી અને તેમાં એવું જાણવા મળ્યું કે જાયવા ગામના જે ખાતા નંબર 152 અશોક ધ્રુવનો હોવાનો ઉલ્લેખ કરાયો છે તે ખરેખર બીજાના ખાતા નંબર છે. જેને લઈને આ તમામ આધાર પુરાવા, નોંધ, 7-12 અને 8 અ સહિતના દસ્તાવેજો જામનગર કલેક્ટર બી.કે. પંડ્યાને અપાયા હતા અને તેમણે ધ્રોલ મામલતદાર પાસે વિગતોની ખરાઈ કરવા કહ્યું હતું. ધ્રોલ મામલતદાર વી. એન. પરમારે સ્ટાફને કામે લગાડી ખરાઈ કરતા 1058ની નોંધમાં વિગતો જ ખોટી હોવાનું સામે આવ્યું હતું અને હવે આ અંગે આગળની કાર્યવાહી શરૂ કરાશે. આ રીતે કૌભાંડની શરૂઆત કરાઈ અશોક અનંતરાય ધ્રુવ જ્યારે આરટીઓ ઈન્સપેક્ટર હતા ત્યારે 1994માં તેઓએ ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં સરવે નં. 305ની 3 એકર 33 ગુંઠા જમીન હેમરાજ શામજી વેગડ પાસેથી રૂપિયા 15000માં 10-11-1994ના દિવસે ખરીદ કરી હતી. તેના 3 મહિના બાદ 14-02-1995ના રોજ નોંધ પ્રમાણિત થઈ હતી જેમાં લખ્યું હતું કે, ખરીદનારે જાયવા ગામમાં 8 અ ખાતાનંબર 152ની નકલ રજૂ કરતા વેચાણ દસ્તાવેજ પ્રમાણિત કરવામાં આવે છે. આ નોંધના નંબર 1058 હતા. ત્યારબાદ આ નોંધના આધારે 28-08-1997ના રોજ ધ્રોલ તાલુકા મામલતદાર પાસેથી પોતે ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો પણ કઢાવી લીધો હતો અને આ દાખલામાં તે સમયના મામલતદારે એવું સ્પષ્ટપણે લખી આપ્યું હતું કે, અશોક અનંતરાય ધ્રુવે લૈયારા ગામના સરવે નંબર 305ની 3 એકર 33 ગુંઠા જમીન ધરાવે છે અને તેના ખાતા નંબર 401 છે. આ દાખલો રાજકોટના લોધિકા તાલુકાના જશવંતપુર ગામે જમીન ખરીદવા નોંધ પ્રમાણિત કરવા કાઢી આપ્યો છે. ત્યારબાદ ધ્રુવે બીજા ગામોમાં પણ જમીન ખરીદી હતી. અમારી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અશોક અનંતરાય ધ્રુવ બિનખાતેદાર છે અને ખેતીની જમીન ખરીદી છે. લૈયારામાં જમીન ખરીદતી વખતે નોંધ 1058માં ધ્રોલ તાલુકાના જાયવા ગામના ખાતા નંબર 152થી ખેડૂત હોવાનું લખાવ્યું છે પણ તેના કોઇ રેકર્ડ ઉપલબ્ધ નથી. હાલ આ ખાતું બીજા નામે ચાલે છે આથી હવે મારે સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમ 1949ની કલમ 54 મુજબ બિનખાતેદાર હોવાના કિસ્સામાં કલેક્ટરને દરખાસ્ત કરવાની હોય છે અને કલમ 75 હેઠળ સક્ષમ અધિકારીને આગળની કાર્યવાહી કરવાની થતી હોય છે.
> વી. એન. પરમાર, મામલતદાર, ધ્રોલ, જામનગર