જેની આતુરતાથી રાહ જોવાતી હતી, તેનો અંત અંતે ગઈકાલે આવ્યો. પાકિસ્તાન અને UAEમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. બપોરે 12:30ની જગ્યાએ 3 વાગ્યે કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકર પ્રેસ કોન્ફરન્સમાં હાજર થયા અને ટીમ જાહેર કરી. ચેમ્પિયન્સ ટ્રોફીની આ ટીમમાં માત્ર બે વસ્તુ ચોંકવાનરી હતી; પહેલી, બુમરાહ ટીમમાં હોવા છતાં ગિલને વાઇસ-કેપ્ટન બનાવ્યો. બીજી, સિરાજને પડતો મુક્યો. ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ ડિક્લેર થતાં જ ભારતની નજર વધુ એક ICC ટ્રોફીની જીતવા પર રહેશે. મોહમ્મદ શમી લગભગ સવા વર્ષે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. તો 15 સભ્યોની ટીમમાં 4 ઓલરાઉન્ડરનો સમાવેશ થયો છે. જેમાં પેસ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર છે. જ્યારે બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી સાથે હાર્દિક પેસ આક્રમણ સંભાળશે. ત્યારે ચાલો જાણીએ 15 સભ્યોનું ODIમાં કેવું પરફોર્મન્સ રહ્યું છે… સૌથી પહેલા જાણો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ હવે જાણીએ કે ટીમમાં સિલેક્ટ થયેલા 15 પ્લેયર્સનું ODIમાં પરફોર્મન્સ કેવું રહ્યું છે… 1. કેપ્ટન રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા હાલ તો ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેના સતત કંગાળ ફોર્મથી ટેસ્ટમાંથી રિટાયરમેન્ટની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જોકે પછી ઇન્ટરવ્યૂમાં તેણે ખુલાસો કર્યો કે તે નિવૃત્તિ લેવાનો નથી અને ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટમાં પોતાને ડ્રોપ કર્યો છે. જોકે રોહિતના વ્હાઇટ બોલમાં જોરદાર આંકડાઓ છે. તેમાં પણ 50 ઓવરની ફોર્મેટમાં તેની પાસે ત્રણ ડબલ સેન્ચુરી છે. તો ગત વન-ડે વર્લ્ડ કપમાં તેની તોફાની બેટિંગથી ભારતીય ટીમને શાનદાર શરૂઆત મળતી હતી. તેણે વર્લ્ડ કપમાં 11 મેચમાં 54.27ની સરેરાશથી 597 રન ફટકાર્યા હતા. ત્યારે કેપ્ટન રોહિત શર્મા પાસેથી હવે ફરી આવી જ ઇનિંગ ઉપરાંત મોટી ઇનિંગ્સ રમવાની આશા રહેશે. 2. શુભમન ગિલ (વાઇસ કેપ્ટન)
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર શુભમન ગિલને સિલેક્ટર્સે રોહિતનો ડેપ્યુટી બનાવ્યો છે. તેને મોટી જવાબદારી મળી ગઈ છે. જસપ્રીત બુમરાહના ટીમમાં હોવા છતાં ગિલને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. ગિલ પણ હાલ ખરાબ બેટિંગને લઈને ટીકાનો શિકાર બન્યો છે. પણ વ્હાઇટ બોલમાં તેનું પરફોર્મન્સ જોવા જઈએ તો તેણે 58ની સરેરાશથી 2328 રન બનાવ્યા છે. જેમાં તેણે 2023માં ન્યૂઝીલેન્ડ સામે 208 રનની તાબડતોડ બેટિંગ કરી હતી. 3. વિરાટ કોહલી
ક્રિકેટના કિંગ તરીકે ઓળખાતા કોહલીનું આ ફોર્મેટ સૌથી મનગમતું છે. તેણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો ODIમાં સૌથી વધુ સેન્ચુરીનો રેકોર્ડ પણ તોડ્યો છે. ગત ODI વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે જ 50મી સદી ફટકારી હતી. વિરાટ માટે વન-ડે એ સૌથી બેસ્ટ ફોર્મેટ છે. તે વર્લ્ડ કપમાં 95.62ની અદભુત એવરેજથી 765 રન ફટકાર્યા હતા. જેમાં 6 ફિફ્ટી અને 3 સેન્ચુરી સામેલ છે. વ્હાઇટ બોલમાં તેને ચેઝ માસ્ટર પણ કહેવામાં આવે છે. તેણે એવી અનેક ઇનિંગ્સ રમી છે, જેમાં ભારત ચેઝ કરવાની હાલતમાં ન હોય, ત્યાંથી ગેમ પલટીને ટાર્ગેટ ચેઝ કર્યો હોય. ટીમમાં તે નંબર-3 પર બેટિંગ કરશે. 4. શ્રેયસ અય્યર
વન-ડે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો બેકબોન એવો શ્રેયસ અય્યરના આવવાથી બેટિંગ લાઇન-અપ વધુ સ્થિર થઈ છે. વર્લ્ડ કપમાં નંબર-4 પર સતત સારું પ્રદર્શન કરીને તેણે ટીકાકારોને શાંત કરી દીધા હતા. તેણે વર્લ્ડ કપમાં 66.25ની સરેરાશથી 530 રન ફટકાર્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તે નંબર-4 પર બેટિંગ કરશે, તે નક્કી છે. 5. કેએલ રાહુલ
કેએલ રાહુલને વિકેટકીપર બેટર તરીકે સિલેક્ટ કર્યો છે. પંતના હોવા છતાં તે પ્લેઇંગ-11નો ભાગ બની શકે છે. રાહુલે પણ ગત વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. બેટિંગની સાથે-સાથે તેણે ગ્લોવ્ઝથી પણ અનેક શિકાર કર્યા હતા. હાલમાં જ પૂરી થયેલી ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં એકંદરે તેનું પરફોર્મન્સ ઠીકઠાક રહ્યું હતું. જોકે વ્હાઇટ બોલ ક્રિકેટમાં, તેમાં પણ ખાસ કરીને 50 ઓવરની ગેમમાં તે ઘણી સારી બેટિંગ કરે છે. 6. હાર્દિક પંડ્યા
જેણે T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ફાઈનલ ઓવર નાખીને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વ ભૂમિકા ભજવી હતી, તેવો પેસ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના આવવાથી ટીમ બેટિંગમાં વધુ મજબૂત થઈ છે. તેને ફિનિશરનો રોલ મળ્યો છે. ઉપરાંત જરૂર પડ્યે તે એન્કરિંગ રોલ પણ કરી શકે છે. વધુમાં પેસ ઓલરાઉન્ડર તરીકે તે ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પ્લેઇંગ-11માં રમશે. 7. રવીન્દ્ર જાડેજા
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાને સિલેક્ટ કરતા જ બધી અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. વચ્ચે એવા રિપોર્ટ્સ આવતા હતા કે વ્હાઇટ બોલ ક્રિકેટમાં જડ્ડુની કરિયર ખતમ થશે. કારણ કે રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે જાડેજાને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં નહીં લેવામાં આવે. ત્યારે હવે આજે તેનું નામ બોલાતા બધી અફવાઓ પર ફૂલસ્ટોપ લાગી ગયું છે. રવીન્દ્ર જાડેજાએ પણ વર્લ્ડ કપમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 11 મેચમાં 16 વિકેટ ઝડપી હતી. ઉપરાંત તેણે અમુક વખતે ઉપયોગ રન પણ બનાવ્યા હતા. તો તેની ફિલ્ડિંગ વિશે તો બધાને ખબર જ છે. UAEમાં મેચ રમાવવાની હોવાથી જડ્ડુની બોલિંગ ખૂબ કામ આવશે. 8. અક્ષર પટેલ
ગુજરાતના વધુ એક લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સ્થાન મળ્યું છે. 2024માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં અક્ષરનું પરફોર્મન્સ શાનદાર રહ્યું હતું. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે ભારત જીત્યું એમ કહેવામાં જરા પણ ખોટું નથી. તેણે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં, ત્રણેય ડિપાર્ટમેન્ટમાં અદભુત પરફોર્મ કર્યું. ત્યારે હવે જાડેજા સાથે તેને પણ પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે. 9. કુલદીપ યાદવ
ટીમનો એકમાત્ર ચાઇનામેન બોલર કુલદીપ યાદવ હાલ ઈજામાંથી પરત ફરી રહ્યો છે. તે ઓસ્ટ્રેલિયા ટૂરમાં ઈજાના કારણે રમ્યો નહોતો. હવે તેનું નામ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતા ત્રીજા સ્પિનર તરીકે રમી શકે છે. ગત વર્લ્ડ કપમાં તેણે શાનદાર પરફોર્મ કર્યું હતું. 10. જસપ્રીત બુમરાહ
ટીમ ઇન્ડિયાના કરોડરજ્જુ સમાન એવા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું નામ સાંભળાત જ સૌ કોઈને હાશકારો થયો છે. ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાં બીજી ઇનિંગમાં તે બોલિંગ કરવા આવી શક્યો નહોતો. તેણે પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ પછી તે કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમી શકે એવા રિપોર્ટ્સ આવ્યા હતા. જોકે આજે તે ટીમમાં સિલેક્ટ થતા જ ભારતીય ટીમની બોલિંગ લાઇન-અપમાં મજબૂત થઈ ગઈ છે. જોકે હજુ પણ તેની ફિટનેસ અંગે શંકા છે. કારણ કે અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘અમે જસપ્રીત બુમરાહના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.’ ફેબ્રુઆરીની શરૂઆતમાં BCCI મેડિકલ ટીમ દ્વારા તેની સ્થિતિની જાણ કરવામાં આવશે. 11. મોહમ્મદ શમી
ટીમ ઈન્ડિયાનો સ્ટાર પેસર, કે જેના કમબેકની રાહ જોવાતી હતી, એવા શમી પણ ટીમમાં સામેલ થયો છે. અંદાજે સવા વર્ષ પહેલા પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમેલા મોહમ્મદ શમીને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝથી કમબેક કરવાની તક મળી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં તેને સારી એવી પ્રેક્ટિસ કરવા મળશે. 12. યશસ્વી જયસ્વાલ
જયસ્વાલ માટે એવું કહેવાય છે કે 50 ઓવર ફોર્મેટ એ તેનું બેસ્ટ ફોર્મેટ છે. મતલબ કે યશસ્વી તેમાં ઝળહળતું પરફોર્મ કરે છે. તેણે ખાલી T20 અને ટેસ્ટમાં જ ડેબ્યૂ કર્યું છે. તેને વન-ડેમાં પહેલીવાર તક મળી છે. છેલ્લા એક વર્ષમાં તેના જબરદસ્ત પરફોર્મન્સનું તેને ફળ મળ્યું છે. લિસ્ટ-A ક્રિકેટમાં જયસ્વાલે એક ડબલ સેન્ચુરી પણ ફટકારી છે. તેના સતત સારા પરફોર્મન્સના કારણે તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં તક મળી છે. 13. રિષભ પંત
ભારતીય ટીમમાં બીજા વિકેટકીપર તરીકે સિલેક્ટ થયેલા રિષભ પંતની વ્હાઇટ બોલ કરિયર ઠીકઠાક રહી છે. જે તે રેડ બોલમાં કરી બતાવે છે, તેવું પ્રદર્શન વ્હાઇટ બોલમાં એટલું બધું દેખાતું નથી. જોકે આ ટુર્નામેન્ટમાં તે X ફેક્ટર સાબિત થઈ શકે છે. તે ટીમની ગાડી પાટે ચડાવીને સ્કોરબોર્ડને સતત ફરતું રાખી શકે છે. આ જ કારણે તેને ટીમમાં સામેલ કર્યો છે. 14. અર્શદીપ સિંહ
T20 વર્લ્ડ કપમાં જેના બોલિંગ પરફોર્મન્સના કારણે ટીમ ઈન્ડિયાનું પલડું હંમેશા ભારે રહ્યું છે, તેવો યુવા પેસર અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કર્યો છે. અર્શદીપે હજુ સુધી 8 મેચ રમી છે. જેમાં 5.05ની સરેરાશથી 12 વિકેટ ઝડપી છે. તેણે T20 મેચ વધુ રમી છે. અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘અત્યારે અમને બુમરાહ વિશે ખાતરી નથી, તેથી અમે અર્શદીપ સિંહને પસંદ કર્યો છે જેથી જરૂર પડ્યે તે પોતાની ભૂમિકા ભજવી શકે.’ 15. વોશિંગ્ટન સુંદર
ભારતીય ટીમનો ચોથો ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર છે. તેણે ભારત માટે અત્યાર સુધી 22 મેચમાં 4.70ની ઇકોનોમી રેટથી 23 વિકેટ ઝડપી છે. જાડેજા, પંડ્યા અને અક્ષર ટીમમાં હોવાથી તેનું પ્લેઇંગ-11માં રમવું અઘરું છે. પણ હાલમાં તેનું ફોર્મ જોતા, ઈન્ડિયન મેનેજમેન્ટ સરપ્રાઇઝ કરી શકે છે.