સુરતમાં અમરોલી સ્થિત છાપરાભાઠા વિસ્તારમાં ટાંક પરિવાર અને ગઢપુર વિસ્તારમાં તળાવીયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગમા સમાજિક જાગૃતિ માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મભક્તિ, રાષ્ટ્રભક્તિ અને અંગદાન જાગૃતિનો ત્રિવેણી સંગમ સાથે લગ્ન સમારોહનું આયોજન થયું હતું. આ આયોજનમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એક જ દિવસમાં બે લગ્ન સમારોહમાં 3,000થી વધુ લોકો દ્વારા અંગદાન અંગેના સંકલ્પ લેવામાં આવ્યા હતા. રાષ્ટ્ર ભક્તિ અનુરૂપ સામૂહિક રાષ્ટ્રગાન કરાયું
બન્ને લગ્ન સમારોહમાં વરરાજા મિલન તળાવિયા અને મયુર ટાંકએ પ્લેકાર્ડ સાથે એન્ટ્રી કરી અને લગ્નવિધિ પૂર્વે આવેલા દરેક મહેમાનો સાથે રાષ્ટ્ર ભક્તિને અનુરૂપ સામૂહિક રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું. ધર્મભક્તિ સાથે સામૂહિક હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ આ બંને ગાન સાથે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી આવેલા દરેક વર વધુ તથા આવેલા દરેક મહેમાનોએ અંગદાનના સંકલ્પ લીધા હતા. ટાંક અને તળાવિય પરિવારના આ લગ્ન સમારોહમાં 3000 જેટલા લોકોએ અંગદાન અંગેના સંકલ્પ લીધા હતા. મહેમાનોને અંગદાન અંગે સમજ અપાઈ
એક વ્યક્તિ મૃત્યુ પછી પણ અન્યના જીવનદીપાવી ઉપયોગી થઇ શકે છે અને ઘણા લોકોને પોતાના અંગનું દાન કરીને જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે છે, તેવી સમજણ આપવામાં આવી હતી. જેમાં આ સંસ્થા વતી વિપુલભાઈ તળાવિયા, નીતિનભાઈ ધમાલિયા, વિપુલભાઈ બુહા, વિશાલભાઈ બેલડીયા, સતીશભાઈ ભંડેરી, રોનકભાઈ ઘેલાણી, મિલનભાઈ કાનાણી, યોગીભાઈ, ભૌતિકભાઈ, પાર્થભાઈ સુદામા, સોશિયલ આર્મી ગૃપ અને સુદામા ગ્રુપ સભ્યો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં, આ અભિયાન સાથે નવ યુગલને આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે સોશિયલ આર્મી ગ્રુપ સંચાલિત લાઇવ બ્લડ બેંક અંતગર્ત લોકોને રકતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા.