અમદાવાદમાં નરોડામાં કારચાલકે કારને નો પાર્કિગમાં સાંકડા રોડ પર ઊભી રાખીને દરવાજો ખોલ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી બાઈક પર બેઠલા બંને વ્યક્તિઓ નીચે પટકાયા હતાં. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકનું ટાયર બાઈકચાલક પર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇકની પાછળ બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ આ મામલે ટ્રાફિક પોલીસે ટ્રકચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રસ્તા વચ્ચે કાર પાર્ક કરી ચાલકે દરવાજો ખોલ્યો
ગતરોજ (18 જાન્યુઆરી) અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા પ્રવિણ હિંગુ તેમના ભાઈ રાકેશ હિંગુ સાથે બાઈક ચલાવીને નરોડા બેઠકથી ગેલેક્સી તરફ જતા સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ એક અર્ટિગા ગાડીના ચાલકે સર્વિસ રોડ ઉપર નો પાર્કિંગમાં ગાડી ઊભી રાખી હતી. અચાનક જ ડ્રાઇવર સાઈડનો દરવાજો ખોલ્યો હતો. આ દરવાજો ખોલતા બાઈક ચલાવનાર પ્રવિણ હિંગુ અને તેમની પાછળ બેસેલા રાકેશ હિગુ નીચે પડી ગયા હતા. આ દરમિયાન એક આઇસર ટ્રક પાછળથી આવી રહી હતી અને બંને ભાઈઓ ટ્રકની નીચે આવી ગયા હતા. બાઈક સવાર બન્ને વ્યક્તિ ટ્રક નીચે આવી ગઈ
ટ્રક નીચે આવતા પ્રવિણભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે રાકેશભાઈને જમણા પગના ભાગે તથા શરીરે ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રસ્તો નાનો હોવાથી અકસ્માત સર્જાય છે
અકસ્માત નરોડા પાટિયાથી ગેલેક્સી જવાના રસ્તા ઉપર સર્જાયો હતો. આ અકસ્માત થયો તે રસ્તો તદ્દન સાંકડો છે. ત્યાંથી એક મોટું વાહન એક જ સમયે પસાર થઈ શકે તેમ છે. છેલ્લા દોઢ વર્ષથી તંત્ર દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી બ્રિજ બન્યો નથી, તેના કારણે રસ્તો સાંકડો થઇ ગયો છે. મોટો રસ્તો હોય તો અકસ્માત થવાની શક્યતા પણ ઓછી રહે છે, પરંતુ રસ્તો નાનો હોવાથી અકસ્માત સર્જાય છે.