કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર યુવતી પર રેપ- હત્યાના કેસમાં દોષિત સંજય રોયને સિયાલદહ કોર્ટ આજે સજા સંભળાવશે. સંજયને ઓછામાં ઓછી આજીવન કેદ અને મહત્તમ ફાંસીની સજા થઈ શકે છે. 162 દિવસ બાદ 18 જાન્યુઆરીએ કોર્ટે મુખ્ય આરોપી સંજય રોયને દોષિત જાહેર કર્યો હતો. સજાની જાહેરાત પહેલા, 19 જાન્યુઆરીએ, સંજયની માતા માલતીએ કહ્યું હતું – મારી ત્રણ પુત્રીઓ છે, હું તેનું (પીડિતાના માતાપિતા) દુ:ખ સમજું છું. તેને કડક સજા મળવી જોઈએ. જો કોર્ટ કહે છે કે તેને ફાંસી આપો તો મને કોઈ વાંધો નથી. સંજયની મોટી બહેને 18 જાન્યુઆરીએ કહ્યું હતું કે તે ટ્રાયલ કોર્ટના નિર્ણયને કોઈપણ કોર્ટમાં પડકારશે નહીં. ચુકાદા બાદ દોષિત સંજયે કહ્યું હતું કે- મને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં આ કામ નથી કર્યું. જેમણે આ કર્યું છે તેમને છોડી દેવામાં આવ્યા છે. તેમાં એક IPS સામેલ છે. હું રુદ્રાક્ષની માળા પહેરું છું અને જો મેં ગુનો કર્યો હોત તો તે તૂટી જાત. 8-9 ઓગસ્ટની રાત્રે રેપ બાદ હત્યા કરવામાં આવી હતી
8-9 ઓગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર યુવતી પર રેપ બાદ હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટના રોજ સવારે સેમિનાર હોલમાં ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 10 ઓગસ્ટના રોજ સંજય રોય નામના સિવિક વોલંટિયરની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ કોલકાતા સહિત દેશભરમાં દેખાવો થયા હતા. બંગાળમાં 2 મહિનાથી વધુ સમયથી આરોગ્ય સેવાઓ ઠપ રહી હતી. ચુકાદા સાથે સંબંધિત 3 મોટી બાબતો 1. ચુકાદાનો આધાર ફોરેન્સિક રિપોર્ટ કોર્ટે ફોરેન્સિક રિપોર્ટના આધારે સજા સંભળાવી હતી, જે દર્શાવે છે કે સંજય રોય આ કેસમાં સામેલ હતો. ઘટના સ્થળે અને પીડિત તબીબના શરીર પર સંજયના ડીએનએ પણ મળી આવ્યા હતા. રોયને ભારતીય ન્યાયિક સંહિતા અધિનિયમની કલમ 64, 66 અને 103(1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. 2. મહત્તમ સજા મૃત્યુદંડ હશે જસ્ટિસ અનિર્બાન દાસે કહ્યું કે આ કેસમાં સૌથી વધુ સજા મૃત્યુ થઈ શકે છે. ઓછામાં ઓછી સજા આજીવન કેદ હશે. 3. દોષિત સંજયને બોલવાની તક મળશે જ્યારે દોષિત સંજયે કહ્યું કે તેને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે, ત્યારબાદ જસ્ટિસ અનિર્બાન દાસે કહ્યું કે તેને સજા સંભળાવતા પહેલા બોલવાની તક મળશે. હાઈકોર્ટના આદેશ પર CBIએ તપાસ શરૂ કરી
9 ઓગસ્ટની ઘટના બાદ આરજી કર હોસ્પિટલના ડોક્ટર્સ અને પીડિત પરિવારે આ કેસની CBI તપાસની માંગ કરી હતી, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસનો આદેશ આપ્યો ન હતો. હાઈકોર્ટના આદેશ બાદ 13 ઓગસ્ટે તપાસ CBIને સોંપવામાં આવી હતી. આ પછી CBIએ નવેસરથી તપાસ શરૂ કરી હતી. 3ને આરોપી બનાવાયા, 2ને જામીન મળ્યા
આ કેસમાં આરોપી સંજય રોય ઉપરાંત મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ સીબીઆઈ ઘોષ વિરુદ્ધ 90 દિવસમાં ચાર્જશીટ રજુ કરી શકી ન હતી, જેના કારણે સિયાલદહ કોર્ટે 13 ડિસેમ્બરે આ કેસમાં ઘોષને જામીન આપ્યા હતા. આ ઉપરાંત તાલા પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જ અભિજીત મંડલને પણ ચાર્જશીટ ન રજુ કરવાના કારણે જામીન આપવામાં આવ્યા હતા. આ પહેલા CBIએ 25 ઓગસ્ટે સેન્ટ્રલ ફોરેન્સિક ટીમની મદદથી કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. અધિકારીઓએ તેમની લગભગ 3 કલાક પૂછપરછ કરી. સંજય ઉપરાંત 9 લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં આરજી કરના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ, એએસઆઈ અનૂપ દત્તા, 4 સાથી ડોક્ટર, એક વોલંટિયર અને 2 ગાર્ડનો સમાવેશ થાય છે. સંજય ઈયરફોન અને DANથી ઝડપાયો
ટાસ્ક ફોર્સે તપાસ શરૂ કર્યાના 6 કલાકની અંદર ગુનેગાર સંજય રોયની ધરપકડ કરી હતી. સીસીટીવી ઉપરાંત સેમિનાર હોલમાંથી પોલીસને તૂટેલા બ્લૂટૂથ ઈયરફોન મળ્યા હતા. તે આરોપીના ફોન સાથે જોડાયેલો હતો. સંજયના જીન્સ અને શૂઝ પર પીડિતાના લોહીના નિશાન જોવા મળ્યા હતા. ઘટનાસ્થળેથી મળેલા પુરાવા સાથે સંજયના ડીએનએ મેચ થયા હતા. સંજયના શરીર પર પાંચ ઈજાના નિશાન 24 થી 48 કલાકના સમયગાળામાં થઈ હતી. જે પીડિતથી પોતાનો બચાવ કરતી વખતે થઈ શકે છે. જેના થકી પોલીસ સંજયને પકડવામાં સફળ રહી હતી. કોણ છે સંજય રોય?
સંજયે 2019 માં કોલકાતા પોલીસ હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ માટે વોલંટિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ પછી તે વેલ્ફેર સેલમાં ગયો. સારા નેટવર્ક બદલ તેણે કોલકાતા પોલીસની 4થી બટાલિયનમાં આવાસ લીધું. આ આવાસને કારણે તેને આરજી કાર હોસ્પિટલમાં નોકરી મળી. તે ઘણીવાર હોસ્પિટલની પોલીસ ચોકીમાં તહેનાત રહેતો હતો, જેથી તેની ઘણા વિભાગોમાં અવર-જવરની મંજુરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજયના ઘણા લગ્ન નિષ્ફળ રહ્યા હતા. રોયે પૂછપરછ કરી રહેલા અધિકારીઓને જણાવ્યું હતું કે યુવાન ડૉક્ટર પર કથિત રીતે ક્રુરતાના થોડા કલાકો પહેલાં તેણે રેડ-લાઇટ એરિયામાં બે વખત ગયો હતો. 3 કોર્ટમાં કેસ, નીચલી કોર્ટે ચુકાદો સંભળાવ્યો
આરજી કર રેપ-હત્યાનો કેસ નીચલી કોર્ટ તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ખરેખરમાં, અનેક પીઆઈએલની સાથે પીડિતાના માતા-પિતાએ પણ કોલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોલકાતા પોલીસ પર અવિશ્વાસ દર્શાવતા CBI તપાસની માંગ કરવામાં આવી હતી. તેના પર કોર્ટે 13 ઓગસ્ટે આ મામલાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. તેમજ, દેશભરમાં ડોકટરોના પ્રદર્શન અને હડતાલ પછી, સુપ્રીમ કોર્ટે 18 ઓગસ્ટે પોતે જ કાર્યવાહી કરી હતી. સુપ્રીમ કોર્ટે દેશભરમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષાના અભાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. તબીબોની સુરક્ષાને લઈને ટાસ્ક ફોર્સ બનાવવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટ સમગ્ર મામલાની દેખરેખ રાખી રહી છે. CBIએ 10 ડિસેમ્બર 2024ના રોજ સુપ્રીમ કોર્ટને સ્ટેટસ રિપોર્ટ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સિયાલદહ કોર્ટમાં નિયમિત સુનાવણી ચાલી રહી છે. તે સમયે 81માંથી 43 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. સીબીઆઈએ કહ્યું- ટ્રેઈની ડોક્ટર પર ગેંગરેપ થયો નથી
CBIએ 7 ઓક્ટોબર, 2024ના રોજ કોલકાતા હાઈકોર્ટમાં ચાર્જશીટ રજુ કરી, જેમાં એકમાત્ર આરોપી તરીકે કોલકાતા પોલીસના સિવિક વોલંટિયર સંજયનું નામ બતાવવામાં આવ્યું. એજન્સીએ કહ્યું કે ટ્રેઇની ડૉક્ટર પર ગેંગ રેપ થયો નથી. ચાર્જશીટમાં 100 સાક્ષીઓના નિવેદનો, 12 પોલીગ્રાફ ટેસ્ટ રિપોર્ટ્સ, સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક રિપોર્ટ, મોબાઈલ કોલ ડિટેઈલ અને લોકેશન સામેલ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પીડિતાના શરીરમાંથી મળેલા સીમન સેમ્પલ અને લોહી આરોપીના શરીર સાથે મેચ થાય છે. ફોરેન્સિક તપાસ બાદ ગુનાના સ્થળેથી મળેલા ટૂંકા વાળ પણ આરોપીના વાળ સાથે મેચ થયા હતા. સંજયના ઈયરફોન અને મોબાઈલ બ્લૂટૂથથી જોડાયેલા હતા. આ પણ મહત્વનો પુરાવો માનવામાં આવતો હતો. ફોરેન્સિક રિપોર્ટથી ટ્વિસ્ટ, ગાદલા પર ઝપાઝપીના કોઈ પુરાવા નથી
24 ડિસેમ્બરે, કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (સીએફએસએલ)નો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં અનેક સનસનીખેજ ખુલાસા થયા હતા. 12 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેમિનાર હોલમાં પીડિતા પર બળાત્કાર અને તેની હત્યા કરવામાં આવી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. રિપોર્ટના 12મા પેજની છેલ્લી લાઈનમાં લખવામાં આવ્યું છે કે – જ્યાંથી તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો ત્યાંથી ઝપાઝપીના કોઈ પુરાવા મળ્યા નથી. જે ગાદલા પર લાશ પડી હતી તેના પર કોઇપણ પ્રકારની ઝપાઝપીના નિશાન જોવા મળ્યા ન હતા.