પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીએ દાતા સ્વ. નિરવભાઈ અમરતભાઈ પ્રજાપતિના સૌજન્યથી, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ-સાગોડીયા ખાતે રહેતા 35 અનાથ બાળકો માટે ખાસ આયોજન કર્યું હતું. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ત્રણ વોટર કુલર અને ફિલ્ટર પ્લાન્ટની મરામત કરાવવામાં આવી છે. ઉત્તરાયણના આનંદને વધુ મધુર બનાવવા, દરેક બાળકને 250 ગ્રામ ગોટાપાક અને 250 ગ્રામ માવા ચીક્કી સાથે વિશેષ નાસ્તો આપવામાં આવ્યો હતો. આ ભેટ દાતા પરિવારના સ્નેહી રમેશભાઈ પ્રજાપતિ અને અન્ય મહેમાનોના હસ્તે વિતરિત કરવામાં આવી હતી. બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈએ લાઇબ્રેરીના આ સામાજિક યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો. લાઇબ્રેરીના પ્રમુખ ડૉ. શૈલેષ સોમપુરાએ બાળકોને વાંચનનું મહત્વ સમજાવ્યું અને સેન્ટરના પુસ્તકાલયનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે નવા આર.ઓ. મશીનની પણ ખાતરી આપી હતી. કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તુષારભાઈ, આકાશભાઈ, સુનિલભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ પરીખ સહિત અનેક આગેવાનોની હાજરી નોંધપાત્ર રહી હતી. આ પહેલથી બાળકોના ચહેરા પર આનંદ અને ખુશીની લાગણી જોવા મળી હતી.