એસજી હાઈવે પર નવા પાંચ ફૂટ ઓવરબ્રિજ બનાવવા મ્યુનિ.એ મોકલેલી દરખાસ્ત નેશનલ હાઈવે ઓથોરિટીએ ફગાવી દીધી છે. આ દરખાસ્ત ઓથોરિટીના ધારાધોરણ મુજબ ન હતી. મ્યુનિ.ના સંબંધિત વિભાગે સમગ્ર દરખાસ્ત ગુજરાતીમાં મોકલી હતી અને ફૂટ ઓવરબ્રિજની ડિઝાઈનની માત્ર સ્કેચ દોરી રજૂ કરાયા હતા. હવે નવી દરખાસ્ત તૈયાર કરીને મોકલવાની રહેશે. જેના પરિણામે ફૂટ ઓવરબ્રિજ બનાવવાના કામમાં વિલંબ થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટીના ઈજનેર વિભાગે આપેલી માહિતી અનુસાર, કોર્પોરેશને મોકલેલો પ્લાન નિયત ધારાધોરણો મુજબ ન હોવાથી પાછો મોકલાયો છે. ઓથોરિટીને જે પ્લાન મોકલવામાં આવે તે અંગ્રેજીમાં હોય છે. વધારામાં મ્યુનિ.એ મોકલેલી ડિઝાઈન પણ યોગ્ય ન હતી. ઉલ્લેખનીય છે કે, આ ફૂટ ઓવરબ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટીની જગ્યામાં બનવાના હોવાથી તેની એનઓસી મેળવવી જરૂરી છે. તમામ ફૂટઓવર બ્રિજ પર જવા માટે લોકોને એસ્કેલેટર મળી રહે તેવું આયોજન છે. મ્યુનિ.ના ઈજનેરના જણાવ્યા મુજબ મ્યુનિ.ની હદમાં આવતા વિસ્તારમાં પૂરતી જગ્યા ન હોવાથી હાઈવે ઓથોરિટીની જગ્યા પર ફૂટ ઓવરબ્રિજનું આયોજન છે. શહેરમાં આ 5 સ્થળે ફૂટ ઓવરબ્રિજની દરખાસ્ત { ગોતા પંજાબ નેશનલ બેન્ક નજીક { થલતેજ અંડરપાસ નજીક બિનોરી હોટેલ પાસે { પકવાન ચારરસ્તા પાસે ગ્રાન્ડ ભગવતી હોટેલ નજીક { ઈસ્કોન રંગોલી પ્લોટ નજીક { વૈષ્ણોદેવી સર્કલ પર હીરામણી સ્કૂલ પાસે ઓવરબ્રિજ બનશે.