back to top
Homeગુજરાતભાસ્કર ઈન્વેસ્ટિગેશન:વાહનવ્યવહાર વિભાગે 21 લાખ ટુ-વ્હીલર માલિકો પાસેથી 10.55 કરોડ સેરવી લીધા

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:વાહનવ્યવહાર વિભાગે 21 લાખ ટુ-વ્હીલર માલિકો પાસેથી 10.55 કરોડ સેરવી લીધા

ચિન્તેષ વ્યાસ

કેન્દ્ર સરકારે 1 એપ્રિલ, 2021થી નવાં વાહનોના ટેમ્પરરી સર્ટિફિકેશન ઓફ રજિસ્ટ્રેશનની ફીમાં સુધારો કરી વાહનના પ્રકાર પ્રમાણે રૂ.150થી 1500 સુધીનાં નવા ફી ધોરણ માટે ગુજરાતની વાહનવ્યવહાર કમિશનર કચેરીને નોટિફિકેશન મોકલ્યું હતું. કેન્દ્રના નવા ફી માળખાને અવગણીને 25 મહિના અને 28 દિવસ સુધી રાજ્યમાં તમામ વાહનો પાસેથી રૂ.200ની એકસરખી ફી વસૂલી હતી. તત્કાલીન વાહનવ્યહાર કમિશનર રાજેશ માંજુને ભૂલ થઇ હોવાનું જણાતા તેમણે સ્વબચાવ કરતાં આ પ્રકરણને NICની ટેક્નિકલ ભૂલમાં ખપાવી દઇ ગત 29 મે, 2023થી નવી ફીને અમલમાં મૂકી હતી. આ દરમિયાન રાજ્યમાં વેચાણ થયેલાં 31.29 લાખ વાહનોની રૂ.28.45 કરોડની ફીનો હિસાબનો ગોટાળો થઇ ચૂક્યો હતો. તત્કાલીન કમિશનર રાજેશ માંજુએ ગત 31 મે, 2023ના રોજ રાજ્યની તમામ આરટીઓ કચેરીને સહી વગરનો પત્ર લખી વાહનમાલિકો પાસેથી બાકી ફીની વસૂલાતનો આદેશ કર્યો હતો. તેમજ દર 15 દિવસે મુખ્ય કચેરીને અહેવાલ આપવા જણાવ્યું હતું. જોકે, પ્રેક્ટિકલી શક્ય ન બનતાં આખરે 10.17 લાખ વાહનો પર રૂ.100થી લઇ રૂ.1300 સુધીનો બોજો પાડી કુલ રૂ.17.89 કરોડની વસૂલાત શરૂ કરી છે. જોકે, 21.11 લાખ ટુ-વ્હિલર માલિકોને રૂ.10.55 કરોડ પરત કરવાના છે. આ માટે કોઇ કાર્યવાહી કમિશનર કચેરી દ્વારા કરાઇ નથી. આ મામલે દિવ્ય ભાસ્કરે વાહનવ્યવહાર કમિશનર કચેરીમાં આરટીઆઇ દ્વારા માહિતી મેળવવા અરજી કરી હતી. અરજીમાં અયોગ્ય માહિતી આપતાં કમિશનર અનુપમ આનંદને મળવા ગાંધીનગર કચેરીએ પહોંચ્યા ત્યાં તેમના મદદનીશે સાહેબને મીટિંગમાં જવાનું કહી મુલાકાત ટાળી હતી. તેમજ કચેરીમાં અન્ય કોઇ અધિકારી હાજર ન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ ફરજ પરના ખાસ અધિકારી વી.પી.પટણીને કોલ કર્યો હતો. જોકે, તેઓએ મીટિંગમાં હોઇ એક કલાક બાદ કોલ કરવા કહ્યું હતું. એક કલાક બાદ કોલ કરતા તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો. ત્રીજી વખત પણ ફોન રિસીવ ન કરતાં કમિશનર અનુપમ આનંદને કોલ કર્યો હતો. બંને અધિકારીઓએ કોલ રિસીવ ન કરતા બંને આ મામલે મેસેજ કરી ફોન કરવાનો હેતુ જણાવ્યો હતો. તેમ છતાં આ મામલે બંને અધિકારીઓએ કોઇ જવાબ આપ્યો નથી. વાહનોના TC નંબર માટેની ફી વસૂલાતમાં થયેલી કાર્યવાહી મામલે ભાસ્કરે આરટીઆઇથી વાહનવ્યવહાર કમિશનર કચેરી પાસેથી માહિતી માંગી હતી. જોકે, તમામ 5 સવાલો અંગે કમિશનર કચેરી માહિતી વેબસાઇટ પરથી મેળવી લેવી, માંગેલી માહિતી સામે નિયમોની જોગવાઇ તેમજ જે સ્વરૂપે માહિતી માંગી છે તે સ્વરૂપે માહિતી નિભાવાતી ન હોવાના જવાબો આપી માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે મહેસાણાના એડવોકેટ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ કૌશિક પરમારે જણાવ્યું હતું કે આરટીઆઇના કાયદા હેઠળ જાહેર સત્તામંડળ પોતાના તાબામાં જે ફોર્મેટમાં માહિતી નિભાવતા હોય તે ફોર્મેટમાં અરજદારને માહિતી મળે તે સુનિશ્ચિત કરવાની સાથે સ્પષ્ટ માહિતી આપવાની હોય છે. માહિતી વેબસાઇટ પરથી મેળવી લેવી, માંગેલી માહિતી બાબતે કાયદાનો પર્યાય બતાવી શકાતો નથી. તેમજ અરજદાર કોઇ પણ ફોર્મેટમાં માહિતી માંગી શકે છે. જો અરજદારે માંગેલા ફોર્મેટમાં માહિતી ન હોય તો જાહેર સત્તામંડળે તેમની પાસે જે ફોર્મેટમાં માહિતી હોય તે ફોર્મેટમાં અરજદારને માહિતી પૂરી પાડવાની હોય છે. આવો જવાબ કાયદાના ભંગ સમાન છે. પ્રસ્તુત કિસ્સામાં કલમ 19 હેઠળ પ્રથમ અપીલ દાખલ થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments