ઇક્વિટી-મ્યુચ્યુઅલ ફંડ્સ, ડેટ માર્કેટ જેવા રોકાણના માધ્યમ પર તમામ પ્રકારના ટેક્સનું ભારણ છે. શેરબજારના ટ્રેડિંગ પર સિક્યુરિટીઝ ટ્રાન્સેક્શન ટેક્સ, જીએસટી , એક્સચેન્જ તરફથી લગાવવામાં આવતો ટર્નઓવર ચાર્જ, સેબી ફી , શેરબ્રોકરોની બ્રોકરેજ, બ્રોકરેજ પર જીએસટી ડિમેટના ચાર્જીસ તો લાગે જ છે ઉપરાંત આવકવેરો, શોર્ટ અને લોંગટર્મ ટેક્સ પણ લાગે છે અને આવા વેરા ભરવાની જવાબદારી શેરબજારમાં રોજબરોજ ટ્રેડિંગ કરતા કે પછી રોકાણ કરનારા નાના કે મોટા રોકાણકારોને લાગે છે. આવી અનેક પ્રકારની વેરાની જવાબદારીને કારણે ઘણા ઓછા લોકો એટલે કે કુલવસ્તીના પ્રમાણમાં માત્ર 7% થી ઓછા રોકાણકારો શેરબજારમાં રોકાણ રોકી રહ્યા છે. જ્યારે અમુક દેશોમાં આ હિસ્સો કુલ વસ્તીના 40% થી વધુ છે. આવા સંજોગોમાં દેશમાં આ સેગમેન્ટમાં રોકાણકારોનો ઉત્સાહ વધે તે માટે એસટીટી અને સીટીટી આગામી અંદાજપત્રમાં નાબુદ કરવામાં આવે તેવી માગ રોકાણકારો અને શેરબ્રોકરો દ્વારા કરવામાં આવી છે. જો એસટીટી એટલે કે સિક્યુરિટીઝ ટ્રાન્સેક્શન ટેક્સ નાબૂદ કરવામાં આવે તો શેર બજારને વેગ મળે અને નાના-નાના રોકાણકારો શેરબજાર તરફ વળશે પરિણામે દેશના આર્થિક વિકાસને વેગ મળશે. અગાઉ એસટીટી એટલે કે સિક્યુરિટીઝ ટ્રાન્સેક્શન ટેક્સ આવકવેરા સામે મજરે મળતો હતો એટલે કે સેટ ઓફ થતો હતો. એ નિયમ યોગ્ય હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. હવે તો એસટીટી પણ ભરવાનો, આવકવેરો પણ ભરવાનો અને બીજા ટ્રેડ ને લગતા ખર્ચાઓ પણ સહન કરવાનો બોજ શેરબજારના રોકાણકારો પર છે. હાલમાં જ્યારે વિદેશી નાણાકીય સંસ્થાઓ ભારતીય શેરબજાર માંથી પોતાનું રોકાણ સતત પરત ખેંચી રહી છે અને બીજા દેશોમાં રોકાણ કરી રહી છે. ત્યારે જો ભારતના જ રોકાણકાર જ શેરબજાર તરફથી દરૂ થશે તો બજારમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રીડમપ્સન આવશે તો શું થશે? આવી પરિસ્થિતિમાં એસ.ટી.ટી અને કોમોડિટીઝ પર લાગતો સી.ટી.ટી દૂર થવો ખૂબ જ જરૂરી છે. મંદી અટકાવવા ટેક્સ ભારણ ઘટે તે જરૂરી
શેરમાર્કેટના નિષ્ણાત પરેશ વાઘાણીએ જણાવ્યું કે ભારતીય માર્કેટમાં ખાસ કરીને પ્રાઇમરી માર્કેટમાં જે રીતે બુમ ચાલે છે એ ટકાવવા અને સેકન્ડરી માર્કેટ ને મંદીમાંથી બચાવવા ટેક્સ ની જવાબદારીઓ ઘટાડવી ખૂબ જ જરૂરી બનશે. છેલ્લા બે ત્રી-માસિક ગાળાના કંપનીઓના પરિણામો પણ સારા આવી રહ્યા નથી. વિદેશી નાણાકીય સંસ્થાઓ નેટ વેચવાલી પર જ છે અને શેરો વેચી રહી છે. વ્યાજ દરમાં પણ કોઈ રાહતના સમાચાર નથી. તેવા તબક્કે નાના રોકાણકારો, ડેઈલી ટ્રેડિંગ કરતા વર્ગ અને શેરબ્રોકરોની માંગ છે કે સીટીટી અને એસટીટી નાબૂદ થવા જોઈએ. બજેટમાં પોઝિટિવ સમાચાર આવે તો તેજી સંભવ
બજેટમાં જો ટેક્સ રાહત અંગે જાહેરાત થાય તો શેરબજારમાં ફરીથી ફૂલ ગુલાબી તેજી થઈ શકે છે.કોઈપણ પ્રકારના વેરામાં જો રાહત આપવામાં આવશે તો શેરબજારમાં ફરીથી મોટી તેજી જોવા મળશે. રોકાણકારો અને શેરબ્રોકરો ને આશા આવનારા બજેટ પર છે.