સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં હાથમતી કેનાલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. રસુલપુર ગામ પાસે કેનાલમાં પડેલા ગાબડાને કારણે આજે સવારે મોટી માત્રામાં પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. આ ઘટનામાં લગભગ 70-80 વીઘા જમીનમાં કરાયેલા બટાકાના વાવેતરને નુકસાન થયું છે. સ્થાનિક ખેડૂત કેતનભાઈ પટેલના જણાવ્યા મુજબ, આ ગાબડું છેલ્લા 6 મહિનાથી હતું અને તેની જાણ સિંચાઈ વિભાગને કરવામાં આવી હોવા છતાં કોઈ મરામત કરવામાં આવી ન હતી. કેનાલમાં સફાઈ અને મરામતનું કામ ચાલુ હતું ત્યારે પણ યોગ્ય ધ્યાન રાખ્યા વગર આગળથી પાણી છોડવામાં આવ્યું, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આ અગાઉ પણ પ્રાંતિજ તાલુકાના સોનાસણ અને પોગલું ગામના 12થી વધુ ખેડૂતોના ખેતરમાં બોર કૂવા પરથી કેબલ કપાવાની ઘટના બની હતી, જેના કારણે ખેડૂતો પાક માટે પાણી આપી શક્યા ન હતા. સાબરકાંઠા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ઉજાશ પટેલે જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં પ્રાંતિજના SO સહિતની ટીમને સ્થળ પર મોકલવામાં આવી છે અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂતોએ JCB દ્વારા ખેતરોમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે અને નુકસાનીનું વળતર માગ્યું છે.