રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, રાજકોટમાં જાણે ક્રિકેટ ફીવર છવાયો હોય તેમ વર્ષની શરૂઆત થતાની સાથે પ્રથમ ભારતીય મહિલા ખેલાડીઓ ત્રણ વનડે મેચની શ્રેણીમાં ભાગ લઇ રેકોર્ડ સાથે ચેમ્પિયન બની છે. જ્યારે આગામી 23 જાન્યુઆરીથી રણજી ટ્રોફીની મેચ દિલ્લી અને સૌરાષ્ટ્ર વચ્ચે યોજાશે, જેમાં પણ ઇન્ટરનેશનલ ખેલાડીઓ રાજકોટના મેદાનમાં રમતા જોવા મળશે. આ મેચ પૂર્ણ થતાની સાથે જ 28 જાન્યુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ રાજકોટમાં યોજાનાર છે. રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે 28મીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાનાર છે, જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. SCA દ્વારા આ મેચની ટિકિટનાં દરની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વર્ષે SCA દ્વારા ટિકિટના ભાવ 1500થી લઇ 7000 સુધી નક્કી કરવામાં આવ્યા છે, જેનું ઓનલાઇન બુકિંગ આવતીકાલ (22 જાન્યુઆરી)થી બુકમાય શો પર શરૂ કરવામાં આવશે. ત્રણ પાર્ટમાં ટિકિટ દર નક્કી કરાયા, VIP માટે પણ સુવિધા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયન એમ ત્રણ પાર્ટ પાડીને તે અનુસાર ટિકિટનાં દર નક્કી કરાયા છે. જેમાં ઇસ્ટ સ્ટેન્ડમાં લેવલ 1, 2 અને 3 માટે ટિકિટના દર 1,500 રૂપિયા, જ્યારે વેસ્ટ સ્ટેન્ડનાં લેવલ 1 માટે 2,000 રૂપિયા, લેવલ 2 માટે 2,500 રૂપિયા અને લેવલ 3 માટે 2500 રૂપિયા નક્કી કરાયા છે. તેમજ વેસ્ટ સ્ટેન્ડમાં કોર્પોરેટ બોક્સનો દર 7000 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ સિવાય સાઉથ પેવેલીયનમાં લેવલ 1નો ટિકિટ દર 7000 રૂપિયા, લેવલ 25000 રૂપિયા, લેવલ 3ના 3000 રૂપિયા ઉપરાંત કોર્પોરેટ બોક્સનાં 7000 રૂપિયા રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં આ મેચ માટે ખાસ કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં વીઆઇપી સગવડ મળી રહેશે. ઇંગ્લેન્ડની ટીમ પહેલીવાર 2013માં રાજકોટની મહેમાન બની હતી
BCCI દ્વારા જાહેર કરેલ શિડ્યુલ મુજબ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવેલ છે અને તેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ વખત 11 જાન્યુઆરી 2013નાં રોજ રાજકોટની મહેમાન બની હતી, જેમાં વનડે મેચમાં ભારત સામે 325 રન બનાવી વિકેટ ગુમાવી નહોંતી. જ્યારે ભારતીય ખેલાડીઓ 9 વિકેટ ગુમાવી 50 ઓવરમાં 316 રન બનાવતા ઇંગ્લેન્ડ ટીમે 9 રનથી જીત હાસિલ કરી હતી. ત્યારે હવે આગામી 28 જાન્યુઆરીના રોજ ફરી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાવા જઇ રહેલ મેચથી રંગીલા રાજકોટવાસીઓ સહિત સૌરાષ્ટ્ર ભરના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાયા
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાયા છે. જેમાં 3 ટેસ્ટ, 5 T-20 અને 4 વન ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી, જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વનડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો.