અંડર-19 મહિલા T-20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે સતત બીજી મેચ જીતી લીધી છે. મંગળવારે ટીમે મલેશિયાને 10 વિકેટથી હરાવ્યું હતું. કુઆલાલમ્પુરમાં મલેશિયાએ પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ ટીમ માત્ર 31 રન બનાવી શકી હતી. ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 2.5 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ભારતે પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી સ્પિનર વૈષ્ણવી શર્માએ માત્ર 5 રન આપીને 5 વિકેટ લીધી જેમાં હેટ્રિકનો સમાવેશ થાય છે. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરી હતી. મલેશિયાની મહિલા 14.3 ઓવરમાં જ ઓલઆઉટ
ભારતીય કેપ્ટન નિક્કી પ્રસાદે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. મલેશિયાએ બીજી ઓવરમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. નુની ફરિની ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગઈ હતી, આ સમયે ટીમનો સ્કોર 4 રન હતો. ટીમનો કોઈ ખેલાડી ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. ભારત તરફથી વૈષ્ણવી શર્માએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. આયુષી શુક્લાએ 3 વિકેટ લીધી હતી. વીજે જોશીથાને એક વિકેટ મળી હતી. ટીમ 14.3 ઓવરમાં 31 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 14મી ઓવરમાં વૈષ્ણવીએ મલેશિયાની નૂર એન, નૂર ઈસ્મા દાનિયા અને સિટી નજવાહને સતત ત્રણ બોલમાં આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. 31 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે 2.5 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ભારત તરફથી ગોંગડી ત્રિશાએ 12 બોલમાં 27 રન અને જી કમલિનીએ 5 બોલમાં 4 રન બનાવ્યા હતા. પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર
સતત બીજી મેચ જીત્યા બાદ ભારત ગ્રૂપ-A ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને યથાવત છે. શ્રીલંકાના પણ ભારતની બરાબરી પર 2 પોઈન્ટ છે, પરંતુ સારા રન રેટના કારણે ભારતની મહિલા ટીમ નંબર વન પર છે. ટીમ શ્રીલંકા સામે 23 જાન્યુઆરીએ કુઆલાલંપુરમાં ત્રીજી મેચ રમશે. ટુર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લઈ રહી છે. 4 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રૂપમાંથી ટોચની 3-3 ટીમ સુપર-6 રાઉન્ડમાં જશે. અહીં 6-6 ટીમને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે. ત્યારબાદ દરેક ગ્રૂપમાંથી 2-2 ટોચની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ફાઈનલ 2 ફેબ્રુઆરીએ રમાશે.