રાજકોટની નજીક સરધાર પાસે સર ગામની સીમમાં શનિવારે બપોરે 3 વાગ્યાના અરસામાં યુવકની બેરહેમીપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ યુવક પોતાની માતાના ઓપરેશન માટે રામોદ જવા માટે સરધાર ગામેથી નીકળ્યા બાદ સર ગામે પહોંચ્યો હતો, ત્યારે તેને આંતરી ઉપરાછાપરી છરીના 8 ઘા શરીરના અલગ-અલગ ભાગોમાં મારી હત્યા નિપજાવવામાં આવી હતી. મહિલા ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર લાઇવ કરી બદલો લેવા રટણ કરતી
પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ બદલો લેવાની ભાવના હોવાનું સામે આવ્યું હતું. તેમાં મૃતક યુવકની બહેનનાં પૂર્વ સાસુ સોનલબેન ઉર્ફે સલુબેન સોહલિયા (ઉં.વ.50) સાથે બે સગીર આરોપીની સંડોવણી ખૂલી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી સોનલબેનના પુત્ર અજયના તેની પત્ની જયશ્રી સાથે છૂટાછેડા થઇ જતા દોઢ માસ પૂર્વે આપઘાત કરી લીધો હતો, જેથી માતાએ એકનો એક પુત્ર ગુમાવતા પુત્રના વિયોગમાં મહિલાએ હત્યા કરવા નિર્ણય કર્યો હતો. અવારનવાર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઇવ કરી બદલો લેવા રટણ કરતા હતા. જેથી ગત 18 જાન્યુઆરીએ પ્લાન બનાવી જયશ્રીના ભાઈની બેરહેમી પૂર્વક હત્યા નિપજાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, માતા તેના પુત્રના વિયોગમાં રહેતી હતી અને દીકરાની યાદમાં તેને હાથમાં તેના ફોટાવાળું ટેટૂ ત્રોફાવી મારો સાવજ લખાવ્યું હતું. છરીના ઉપરાછાપરી 8 ઘા મારી યુવકના આંતરડાં કાઢી નાખ્યાં
રાજકોટ શહેર એસીપી સાઉથ ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, ગત તારીખ 18 જાન્યુઆરી 2025ના રોજ સર ગામ પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જે અંગે તપાસ કરતા આ લાશ સરધાર બસ સ્ટેન્ડમાં ઈલેક્ટ્રિકની દુકાન ધરાવતા ગિરીશ દિલીપભાઈ રાઠોડ (ઉં.વ.32)ની હોવાનું સામે આવ્યું હતું. ગિરીશ પોતાની માતા લાભુબેનનું આંખનું ઓપરેશન કરાવવાનું હોવાથી ફોન પર માતા સાથે વાત કર્યા બાદ સરધાર ગામેથી રામોદ જવા માટે બાઈક પર નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં તેને આંતરી સર ગામ પાસે રોકી છરીના ઉપરાછાપરી ઘા પેટમાં માથામાં તેમજ હાથ સહિત શરીરના અલગ-અલગ ભાગમાં 8 ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. આરોપી દ્વારા મૃતક યુવાન ગિરીશ ઉપર એટલો તીવ્રતાથી હુમલો કરવામાં આવ્યો હતો કે, તેના હાથની આંગળીઓ પણ કપાઈ ગઈ હતી તો કાંડામાં ફ્રેક્ચર થયું હતું. સાથે સાથે છરીના ઉપરાછાપરી આઠ ઘાથી આંતરડાં પણ બહાર આવી ગયાં હતાં. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. માતાએ બે સગીર સાથે મળી હત્યાનો પ્લાન બનાવ્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક ગિરીશ રાઠોડની હત્યા તેની બહેનનાં પૂર્વ સાસુ સોનલબેન ઉર્ફે સલુબેન સોહલિયા (ઉં.વ.50) સાથે બે સગીર સાથે મળી નિપજાવી હતી. જેથી પોલીસે બંને સગીર તેમજ મહિલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી સોનલબેનના પુત્ર અજયના લગ્ન મૃતક યુવકની બહેન જયશ્રી સાથે થયા હતા. આ પછી બન્ને વચ્ચે મનમેળ ન થતા છૂટાછેડા થઇ ગયા હતા. જેથી દોઢ મહિના પૂર્વે આરોપી મહિલા સોનલબેનના પુત્ર અજયએ આત્મહત્યા કરી લીધી હતી. ‘અમારો એક ગયો છે, એટલે તમારો પણ એક જશે’
આ પછી તેની માતા સતત પુત્રના વિયોગમાં રહેતી હતી અને તેમના એકના એક પુત્ર ગુમાવતા હાથમાં મારો સાવજ લખેલું દીકરાના ફોટાવાળું ટેટૂ ત્રોફાવ્યું હતું. એટલું જ નહિ આરોપી સોનલબેન સતત ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરી તેના દીકરાના મોત પાછળ બદલો લેવા માંગે છે, તેવું રટણ કરતી હતી. તેમજ ફરિયાદીએ ફરિયાદમાં પણ જણાવ્યું હતું કે, આરોપી સોનલબેન મૃતક યુવાન ગિરીશનાં માતા લાભુબેનને અગાઉ ધમકી આપી હતી કે, અમારો એક ગયો છે, એટલે તમારો પણ એક જશે…! યુવક છૂટાછેડા બાદ પણ પત્ની સાથે વાત કરતો
આ ઉપરાંત પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું હતું કે, આરોપી સોનલબેનના પુત્ર અજયના જયશ્રી સાથે છૂટાછેડા થઇ ગયેલ હોવા છતાં જયશ્રી તથા અજય એકબીજા સાથે વાત કરતાં હતાં. બન્ને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા પોતાના દીકરા અજયએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. જે બાબતે લાગી આવતા બે સગીર બાળકો સાથે મળી ગિરીશને મારી નાખવાનો પ્લાન બનાવી સરધાર જઇ રેકી કરી મૃતક ગિરીશ ઘરે જવા પોતાનું બાઇક લઇને નીકળેલ ત્યારે પોતાનાં વાહનોમાં પીછો કરી ગિરીશને રોકી તેની સાથે બોલાચાલી ઝઘડો કરી શરીરે છરીના આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું છે.