સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 7 મહિનાની બાળકી પિતાની બેદરકારીનો શિકાર બની છે. ખેતરમાં કામ કરતા પિતાએ ટ્રેક્ટર રિવર્સ લેતા 7 મહિનાની બાળકી કચડાઈ જતા મોતને ભેટી હતી. બાળકીના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટ્રેક્ટર રિવર્સ લેતા બાળકી પર ટાયર ફરી વળ્યું
આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મધુવન ફાર્મ પાસે પરિવાર ખેતરમાં કામ કરી રહ્યું હતું. આ દરમિયાન સાત મહિનાની બાળકીના પિતા ટ્રેક્ટર પર કામ કરતા હતા અને બાળકી ત્યાં સૂતી હતી. ત્યારે ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે બાળકીના પિતાને બાળકી ત્યાં હાજર છે કે નહીં તે ધ્યાન પર ન રહેતા ટ્રેક્ટરનું પાછળનું વ્હીલ બાળકી પર ફરી વળ્યું હતું જેથી તેને ગંભીર ઇજાઓ થઈ હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મૃતક બાળકીના પિતા કલ્પેશભાઈ ભુરીયા મૂળ ગોધરાના છે અને સુરતમાં સિંગણપોર કોઝવે રોડ પર ગણેશપાર્ક પાસે ગાય ભેંસના તબેલામાં રહે છે. ગઈકાલે સાંજે જહાંગીરપુરા મધુવન ફાર્મ પાસે બાળકીને ખેતરમાં સાઈડમાં સુવડાવી હતી અને સાત મહિનાની બાળકી મીનાક્ષીની માતા અમીલાબેન બીજી દીકરીને નાસ્તો કરાવવા લઈ ગઈ હતી. ત્યારે પિતાને ખબર રહી ન હતી અને ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે બાળકી કચડાઈ ગઈ હતી. હાલ તો બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.