બ્રિસ્બેન 2032 ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવા અંગે ICC પ્રમુખ જય શાહે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના પ્રમુખ થોમસ બાક સાથે મુલાકાત કરી છે. IOC સત્ર 30 જાન્યુઆરીએ સ્વિટ્ઝર્લૅન્ડના લૌઝેનમાં ઓલિમ્પિક હાઉસ ખાતે મળવાનું છે. મંગળવારે, ICC એ સોશિયલ મીડિયા પર જય શાહનો ફોટો પોસ્ટ કર્યો. જેમાં ICC એ લખ્યું, ‘ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાના પ્રયાસો ચાલુ છે. જય શાહ આ અઠવાડિયે સ્વિટ્ઝર્લૅન્ડના લૌઝેનમાં IOC પ્રમુખ થોમસ બાકને મળ્યા હતા.’ જય શાહ ગયા મહિને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓને પણ મળ્યા હતા
જય શાહ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ દરમિયાન બ્રિસ્બેનમાં હતા, જ્યારે તેમણે 2032ના બ્રિસ્બેન ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાની માગ કરી હતી. જય શાહે ઓલિમ્પિક આયોજન સમિતિના વડા સિન્ડી હૂક અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ના સીઈઓ નિક હોકલી સાથે પણ બેઠક કરી હતી. જય શાહે ત્યારે કહ્યું હતું કે, આ રમત માટે એક રોમાંચક સમય છે કારણ કે આપણે LA28 ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહ્યા છીએ. આપણે બધા સાથે મળીને વિશ્વભરના ચાહકો માટે ક્રિકેટને વધુ આકર્ષક બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.