સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરોજ ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દ્વારા ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી. દીકરીના મોતને પગલે પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતાં શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કરાણે વિદ્યાર્થિનીને સજાના ભાગ રૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, ગોડાદરા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપો પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક વિદ્યાર્થિનીના ક્લાસના વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવતા પ્રેમ સંબંધનો એંગલ સામે આવ્યો હતો. આ વાતને પરિવાર દ્વારા છૂપાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. મૃતક વિદ્યાર્થિની ધોરણ 8માં અભ્યાસ કરતી હતી
મૂળ રાજસ્થાનના વતની અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં સ્થાયી થયેલાં રાજુ ખટીક રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની સહિત બે દીકરી અને એક દીકરો છે. જે પૈકી મોટી દીકરી ભાવના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. ગત રોજ સાંજે દીકરીએ ઘરે પરત આવ્યા બાદ રડવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ઘરમાં જ કરિયાણાની દુકાનનું સંચાલન કરતી ભાવનાની માતાએ તેને ઘરના ઉપરના રૂમમાં કામ અર્થે મોકલી હતી. દીકરીનો લટકતી જોઇ પગ તળેથી જમીન સરકી ગઈ
ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં ગયા બાદ ભાવનાએ દરવાજો અંદરથી બંધ કરી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તો બીજી તરફ ઘણો સમય થઇ ગયા બાદ પણ ભાવના નીચે નહીં આવતા તેની માતા ઉપરના રૂમમાં પહોંચી હતી અને દરવાજો ખખડાવ્યો છતાં ખોલતા નહીં તેમને કંઈક અજુગતું થયું હોવાનો આભાસ થયો હતો. અને દરવાજો ખોલ્યા બાદ ભાવનાનો મૃતદેહ લટકતો જોતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. દીકરીને વર્ગ ખંડ બહાર ઉભી રાખવાની સજા ફટકારી હતી
પિતા રાજુ ખટીક દ્વારા પુત્રીની સત્ર ફી ન ભરી હોવાના કારણે શાળાના સંચાલકો દ્વારા છેલ્લા બે દિવસથી ભાવનાને વર્ગ ખંડની બહાર ઉભી રાખવાની સજા ફટકારવામાં આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું. જેને પગલે રાજુ ખટીક શાળામાં ફોન કરીને આવતા મહિને ફી ભરવા માટે જણાવ્યું હતું. જોકે, બીજા દિવસે પણ શાળાના સંચાલકોએ ફી ન ભરી હોવાને કારણે ભાવનાને ક્લાસ બહાર જ ઉભી રાખવાની સજા ફટકારવામાં આવી હોવાથી ભાવનાએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા
ગોડાદરા પોલીસ દ્વારા વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા બાદ પ્રાથમિક ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. આ સાથે જ શિક્ષણ નિરીક્ષક સહિતના ચાર લોકોની ટીમ દ્વારા પણ સ્કૂલ ખાતે પહોંચીને તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. આ સાથે જ શિક્ષકો અને ટ્રસ્ટીઓના લેખિતમાં નિવેદન નોંધવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજના પુરાવા પણ લેવામાં આવ્યા હતા. આ સાથે જ ગોડાદરા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. પરિવારજનોએ છોકરીને સ્કૂલે જવાનું બંધ કરાવ્યું
ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટર એચએસ આચાર્યએ જણાવ્યું હતું કે, ફીનો મામલો બપોર સુધીમાં પ્રકાશમાં આવ્યો હતો, પરંતુ જ્યારે છોકરીના મિત્રોની પૂછપરછ કરવામાં આવી, ત્યારે પ્રેમ સંબંધનો એંગલ પણ સામે આવ્યો હતો. જાણવા મળ્યું હતું કે, આ કારણોસર પરિવારના સભ્યોએ છોકરીને સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. સોમવારે સાંજે 16 વર્ષની સગીરે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને રાત્રે 9:30 વાગ્યે માહિતી મળી હતી. પિતા પાસે મોબાઈલ ફોન માગતા આપ્યો નહીં
સગીરાએ આપઘાત કર્યો તે સમયે માતા ઘરની બહાર તેની કરિયાણાની દુકાનમાં હતી. પિતા ટેક્સી ચલાવે છે. છેલ્લા એક વર્ષથી ફી ચૂકવવામાં આવી ન હતી. આખા વર્ષ માટે ફી 15 હજાર રૂપિયા હતી. સ્કૂલના લોકો ફોન કરતા હતા, પરંતુ આવા બાળકો જેમણે ત્રણ વર્ષથી શાળાની ફી ભરી નથી તેઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. તેને શૌચાલયની બહાર ઊભી રાખવામાં આવી હોય તેવા કોઇ સીસીટીવી મળ્યા નથી. અમે તેના પિતા પાસે મોબાઈલ ફોન માગ્યો પણ તેમણે આપ્યો નહીં. બીજી બેહનની ફી પણ ચૂકવવામાં આવી નથી. છેલ્લા એક વર્ષથી પરિવાર ગોડાદરામાં રહેતો હતો. તે પહેલાં તે સચિનમાં રહેતા હતા અને ત્યાં જ બાળકોનો અભ્યાસ કરાવતા હતા.