પ્રેમલગ્નના મામલે યુવાનનું અપહરણ અને તેમના માતાને આપઘાત કરવા મજબૂર કરાયાના કેસમાં અપહ્રત યુવાનને આરોપીઓ ખુદ ક્રાઇમબ્રાંચની કચેરીએ લઇ ગયા હતા અને ત્યાંથી ફરી અપહ્રત યુવાનને આરોપીના હવાલે કરી દેવાયો હતો તે અંગેના દિવ્ય ભાસ્કરના 18 જાન્યુઆરીના અહેવાલને ખુદ ક્રાઇમબ્રાંચના એસીપી બી.બી.બસિયાએ ગૌતમ જાનીના લીધેલા વિશેષ નિવેદનમાં સમર્થન મળ્યું છે, ગૌતમે 21 જાન્યુઆરીએ એસીપી સમક્ષ આપેલા નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 12 જાન્યુઆરી અને 13મી જાન્યુઆરી આ બંને દિવસે મેહુલ સભાડ સહિતના આરોપીઓ પોતાને ધમકાવીને ક્રાઇમબ્રાંચની કચેરીએ લઇ ગયા હતા. દિવ્ય ભાસ્કરે 18મી જાન્યુઆરીએ ‘ક્રાઇમબ્રાંચે અપહ્રત યુવાનને આરોપીના હવાલે કરી દીધો’ તેવા હેડિંગ સાથે સમાચાર પ્રસિધ્ધ કર્યા હતા. આ સમાચાર અંગે ક્રાઇમબ્રાંચના એસીપી બી.બી.બસિયાને તપાસ સોંપવામાં આવી હતી, આથી બસિયાએ ગૌતમ જાનીને વિશેષ નિવેદન માટે બોલાવ્યો હતો, જ્યાં ગૌતમ જાનીએ લખાવ્યું હતું કે, હું 12 જાન્યુઆરીના રોજ 150 ફૂટના નવા રિંગ રોડ પર તેની સફેદ કલરની ક્રેટા ગાડીમાં હતો ત્યારે મેહુલે પોતાના ફોનમાંથી ફોન લગાડીને મને આપેલ કે ક્રાઇમબ્રાંચમાંથી ફોન છે, જેથી મે ફોન લીધેલ, સામેથી કહેલ કે, ક્રાઇમબ્રાંચે આવી જા. ત્યારબાદ મેહુલ સભાડ સહિતના શખ્સો મને ક્રાઇમબ્રાંચની ઓફિસે રાત્રીના સમયે લઇ આવ્યા હતા અને મેહુલે એવું કહ્યું હતું કે, સાહેબ પૂછે તેટલો જ જવાબ દે જે, વધારે બોલતો નહીં. નહિતર મારીશું. ત્યારબાદ ક્રાઇમબ્રાંચની કચેરીએ ત્રીજા માળે મને લઇ જવાયો હતો, જ્યાં હરપાલસિંહ નામના પોલીસમેને મને મારા મોટાભાઇ મિલન વિશે પૂછ્યું હતું. જો કે તે બાબતે મને ખબર ન હોવાથી કાંઇ વાંધો નહીં, કાલે સવારે 10 વાગ્યે ક્રાઈમબ્રાંચે આવી જજે તેમ કહ્યું હતું. ત્યારબાદ મેહુલ સભાડ સહિતના શખ્સો મને લઇ ગયા હતા અને બીજા દિવસે એટલે તા.13 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે ફરી ક્રાઇમબ્રાંચની કચેરીએ લઇ ગયા હતા જ્યાં સાંજના 6 વાગ્યા સુધી મારી પૂછપરછ કરી મારો ભાઇ મિલન ક્યાં છે તેની જાણકારી મેળવવામાં આવી હતી. જોકે મિલન બાબતે મને કોઇ જાણ ન હતી. પોલીસે એવું પણ કહ્યું હતું કે, તું મેહુલ સભાડને મિલનના ડોક્યુમેન્ટ આપી દેજે, એવું કાંઇ લાગે તો 100 નંબર પર કોલ કરી દેજે.ગૌતમ જાનીએ એસીપી બસિયા સમક્ષ જે નિવેદન નોંધાવ્યું છે તે સનાતન સત્ય જેવું છે, તેણે એવું ચોખ્ખું કહ્યું છે કે, 12 અને 13 જાન્યુઆરી એમ બે દિવસ આરોપીઓ પોતાને ક્રાઇમબ્રાંચની કચેરીએ લઇ ગયા હતા, દિવ્ય ભાસ્કરે પણ 18 જાન્યુઆરીના અહેવાલમાં એવું જ લખ્યું હતું કે, આરોપીઓ ગૌતમને ડીસીબીની કચેરીએ લઇ ગયા હતા. 21 જાન્યુઆરીએ વિશેષ નિવેદનમાં જે રીતે એસીપી બસિયાને લખાવ્યું હતું કે, આરોપીઓએ પોતાને ધમકી મારી હોવાથી પોતાનું અપહરણ થયું છે તેવું કહી શક્યો નહોતો, તેવી જ રીતે ગૌતમે જ્યારે દિવ્ય ભાસ્કરને 17મી જાન્યુઆરીએ માહિતી આપી હતી કે, જ્યારે આરોપીઓ પોતાનું અપહરણ કરી ગયા હતા તે સમયગાળા દરમિયાન મને બે વખત ડીસીબી કચેરીએ લઇ જવાયો હતો, ત્યારે અહિયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે, યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગૌતમ જાની 11 જાન્યુઆરી રાતથી 13 જાન્યુઆરી સાંજના 6 વાગ્યા સુધી આરોપીના કબજામાં હતો, એટલે એવું સ્પષ્ટ થાય છે કે મેહુલ સભાડ સહિતના આરોપીઓ જ ગૌતમને ક્રાઇમબ્રાંચે લઇ ગયા હતા. ગેરમાર્ગે દોરનારા અધિકારી;DCP (ક્રાઈમ) ગોહિલે કહ્યું, ગૌતમને અમે બોલાવ્યો’તો, PI કહે છે સામેથી આવ્યો’તો
ગૌતમ જાનીને ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લઈ જવાના મુદ્ે ક્રાઇમબ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલને જ્યારે પૂછવામાં આવ્યું તો તેઓઅે એમ કહ્યું હતું કે, ગૌતમને અમારી ટીમે બોલાવ્યો હતો આથી તે આવ્યો હતો, જ્યારે એએચટીયુના પીઆઇ ભાર્ગવ જનકાંતને ઉપરોક્ત સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ એમ કહ્યું હતું કે, ગૌતમ જાની સામેથી અમારી ક્રાઇમબ્રાંચની કચેરીમાં બેસતી ઓફિસે આવ્યો હતો. 21 જાન્યુઆરીએ હવે ક્રાઇમબ્રાંચના એસીપીએ જ ગૌતમના લીધેલા નિવેદનમાં એવું સ્પષ્ટથઇ ગયું છે કે ગૌતમને મેહુલ સભાડે કરેલા ફોન કોલ્સ બાદ જ ક્રાઇમબ્રાંચની કચેરીએ બે વખત લઇ જવાયો હતો, ત્યારે ડીસીપી ગોહિલ અને પીઆઇ જનકાંત ખોટું શા માટે બોલ્યા તે પણ તપાસનો વિષય છે. મેહુલ પાસે જમાદારનો મોબાઇલ નંબર આવ્યો ક્યાંથી?
ગૌતમ જાનીએ એસીપી સમક્ષ વિશેષ નિવેદનમાં એવું કહ્યું છે કે, મેહુલ સભાડે પોતાના ફોનમાંથી હરપાલસિંહને કોલ કર્યો હતો અને પોતાને વાત કરવા ફોન આપ્યો હતો, સામે છેડેથી બોલતી વ્યક્તિએ પોતાની ઓળખાણ પોલીસમેન હરપાલસિંહ તરીકે આપી હતી અને ક્રાઇમબ્રાંચે આવી જવા કહ્યું હતું. મેહુલ સભાડ એક સામાન્ય વ્યક્તિ છે, તેણે ગૌતમનું અપહરણ કર્યું હતું અને પોતાના કબજામાં હતો આમ છતાં ક્રાઇમબ્રાંચના જમાદાર હરપાલસિંહને કરીને પોતે ગૌતમને લઇને આવે છે તેવી હિંમત લગભગ તે ન જ કરે, અહિયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે મેહુલ સભાડ પાસે હરપાલસિંહનો નંબર આવ્યો ક્યાંથી એટલા માટે જ દિવ્ય ભાસ્કર વાંરવાર તપાસનીશ પોલીસ અધિકારી અને પોલીસ કમિશનરને કહી રહ્યું છે કે જો મેહુલ સભાડની કોલ ડિટેલ કઢાવવામાં આવે તો મેહુલ કોના કોના સંપર્કમાં હતો, તેને હરપાલસિંહનો મોબાઇલ નંબર કોણે આપ્યો સહિતની વિગતો સ્પષ્ટ થઇ જાય તેમ છે અને જો આ વિગતો સ્પષ્ટ થાય તો એક આગેવાનની હવાના કારણે જ મેહુલ અને તેની સાથેના શખ્સોએ સતત બે દિવસ સુધી એક પરિવાર પર અત્યાચાર ગુજાર્યો, યુવાનનું અપહરણ કર્યું અને નોબત એ આવી કે, એક વિપ્ર મહિલાને આપઘાત કરવા માટે મજબૂર થવું પડ્યું.