રાજકોટ શહેરમાં પોલીસની કાર્યપધ્ધતિને લુખ્ખાઓ લલકારી રહ્યા છે, દરરોજ કોઇને કોઇ સ્થળે છરીઓ ઉડે છે, નિર્દોષ લોકો માથાભારે શખ્સોના આતંકનો ભોગ બની રહ્યા છે અને પોલીસ અધિકારીઓ રાજ્ય સરકાર અને ગૃહવિભાગને સબ સલામત હોવાના રિપોર્ટ કરીને ગેરમાર્ગે દોરી રહ્યા છે, શહેરના લાતી પ્લોટ વિસ્તારના લુખ્ખા રહીશ ખાટકીએ તા.18ના ઉપલાકાંઠા વિસ્તારના રણછોડનગરમાં રહેતા વેપારી પરેશભાઇ ચંદ્રકાંતભાઇ બાબિયા (ઉ.વ.39)ને તા.18ના નજીવી બાબતે છરીના ચાર ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પરેશભાઇ બાબિયા આજે પણ હોસ્પિટલમાં દાખલ છે, હુમલાની ઘટના અંગે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, પરેશભાઇ પર હુમલો કર્યા બાદ રહીશ ખાટકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટેટસમાં પોતાના સામે થયેલી એફઆઇઆરનો ફોટો અપલોડ કર્યો હતો. એટલું જ નહીં, એ એફઆઇઆરના સ્ટેટસમાં એવું પણ લખ્યું હતું કે, ‘તુમ્હારે અબુ આ ગયે’, ‘આને વાલા તુફાન’ અને ‘રહીશ ખાટકી-307’. પરેશભાઇ પર હુમલો કરનાર બાઇકચાલક બે શખ્સો ઝડપાયા? તેવું પૂછતાં આ પ્રકરણની તપાસ ચલાવી રહેલા બી.ડિવિઝનના પીએસઆઇ પરમારે કહ્યું હતું કે, હુમલાખોરની ઓળખ થઇ ગઇ છે, તેનું નામ રહીશ ખાટકી છે, તેની શોધખોળ ચાલી રહી છે. લાતી પ્લોટ વિસ્તારનો લુખ્ખો રહીશ ખાટકી સરાજાહેરા છરીના ચાર ઘા ઝીંકીને નાસી ગયો હતો. ચાર દિવસ વીતી ગયા છતાં પોલીસને તે હાથ આવતો નથી, બીજીબાજુ રહીશ ખાટકીએ વેપારી પરેશભાઇને છરી માર્યા બાદ ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસમાં અેફઆઇઆરની કોપી મુકી પરંતુ પોલીસ તેને શોધવામાં ટૂંકી પડી રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી રહીશે પડકાર ફેંક્યો છતાં પોલીસ ઠંડીમાં સૂતી જ રહી અને પોલીસની આ નીતિનો રહીશે ફરી મોકો ઉઠાવ્યો અને તા.20ની રાત્રીના રેલનગર મેસુરભગત ચોક પાસે રવેચી ટી સ્ટોલની પાછળ ચુનારાવાડના અજય ઉર્ફે અજુ સંજય સોલંકી (ઉ.વ.20)ને રહીશ ખાટકી ઉર્ફે અબુ મહમદ ભાડુલાએ છરીના ઘા ઝીંક્યા હતા. આ અંગે અજય સોલંકીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બી.ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ રહીશને શોધી રહી છે, આરોપીનું લોકેશન મેળવી રહ્યા છીએ તેવા જવાબ તપાસનીશ અધિકારીઓ આપી રહ્યા છે, પરંતુ ચિત્ર એવું ઉપસી રહ્યું છે કે, પોલીસનો પન્નો ટૂંકો પડી રહ્યો છે, રહીશ અન્ય કેટલાક નિર્દોષ લોકોને મારકૂટ કરે તે પહેલા પોલીસ તેને પકડી શકશે કે હજુ પણ રહીશ ગુનાને અંજામ આપતો રહેશે તે આગામી દિવસોમાં નક્કી થઇ જશે.