અમેરિકાના માર્કેટમાં વેચાતી અનેક પ્રોડક્ટ્સ બીજા દેશોમાંથી આવે છે. પરંતુ યુએસના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયાત કરાતી પ્રોડક્ટ્સ પર ટેક્સ વધારવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સૌથી વધુ 100% સુધી ટેક્સ બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) પર લગાવવાની ધમકી આપી છે. તેનાથી અમેરિકામાં મોંઘવારી વધી શકે છે. વાસ્તવમાં સ્નીકર્સ, ટી-શર્ટ્સ, ઘરેણાં, દવા, બીયર અને મહત્તમ અન્ય સ્થાનિક ચીજવસ્તુઓ બ્રિક્સ દેશો, મેક્સિસો અને કેનેડાથી આયાત કરાય છે. જો કે તમામ દેશોથી આયાત પર ટેક્સમાં એક સમાન વધારો નહીં થાય. ટ્રમ્પે 10%થી લઇને 100% સુધી ટેક્સ વધારવાની વાત કરી છે. મજબૂરી: કંપનીઓ ગ્રાહકો પર વધુ ખર્ચનો બોજ નાખશે
ટ્રમ્પ અને તેમની ટીમ અનુસાર આ નવા ટેરિફથી અમેરિકન મેન્યુફેક્ચરિંગ અને રોજગારને પ્રોત્સાહન મળશે. પરંતુ રિટેલ કંપનીઓની મુશ્કેલી વધી શકે છે. ટેરિફથી ખર્ચ વધશે, જેને તે ગ્રાહકો પર નાખશે. મોટી આશંકા: 67% અમેરિકનોને મોંઘવારી વધવાની ચિંતા: PWCના એક સરવે રિપોર્ટ અનુસાર, 67% અમેરિકન વયસ્કોનું માનવું છે કે કંપનીઓ વધેલા ટેરિફનો ખર્ચ ગ્રાહકો પર નાખશે. એવોકાડોથી લઇને બાળકોના રમકડાં, ચૉકલેટ, કપડાં, દવા, ઘરેણાં અને કારના પણ ભાવ દોઢ ગણા વધી શકે છે. ટ્રમ્પ આ મામલે અચાનક કોઇ મોટો નિર્ણય લે તેવી આશંકા ઓછી છે. ચીન સાથે સખ્તાઇ: 33% અમેરિકનો ચીન પર 60% ટેરિફના પક્ષમાં: 45% અમેરિકનો 10% ટેરિફનું સમર્થન કરે છે. જ્યારે એક તૃતીયાંશ અમેરિકન 20% ઇમ્પોર્ટ ડ્યૂટી માટે તૈયાર છે. એટલા જ અમેરિકનો ચીનથી આયાત પર 60% ટેરિફના પક્ષમાં છે. તેનો અર્થ છે કે અમેરિકનો વચ્ચે ચીનને લઇને નારાજગી છે. એડવાન્સ પ્લાન: ટેરિફ સામે ટકી રહેવા કંપનીઓની તૈયારી: PWCના કંઝ્યુમર માર્કેટ લીડર અલી ફુરમેને કહ્યું કે ટેરિફ હવે કંપનીઓ માટે ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે. અત્યારે પણ ટ્રમ્પની નીતિઓ અસ્પષ્ટ છે. વ્યાપક અસર: અમેરિકાના પ્રત્યેક પરિવાર અને બિઝનેસ પર અસર
કોલંબિયા બિઝનેસ સ્કૂલના પ્રોફેસર બ્રેટ હાઉસે કહ્યું કે લગભગ તમામ કંઝ્યુમર પ્રોડક્ટ્સની કિંમત વધી શકે છે. કેનેડાથી આયાત થતા પેટ્રોલિયમ પર ટેરિફથી અમેરિકામાં બધુ જ મોંઘું થઇ શકે છે. ટેરિફનો પ્રભાવ વ્યાપક હોય શકે છે. તેનાથી ઘર અને બિઝનેસ પર અસર થઇ શકે છે. ભારતીય આઇટી કંપનીઓનો 25 હજાર સ્થાનિક સ્ટાફની ભરતી કરી
ભારતીય આઇટી કંપનીઓને અમેરિકામાં ટેરિફ વધવાનો તેમજ બીજા દેશોના પ્રોફેશનલ્સ માટે સ્થિતિ મુશ્કેલ થવાનો અંદાજ પહેલાથી જ હતો. એટલે જ કંપનીઓએ અમેરિકામાં જ વધુ સ્થાનિક કર્મચારીની ભરતી કરી છે. ઇન્ફોસિસ અને TCS જેવી કંપનીઓએ અમેરિકન હાયરિંગને વધાર્યું છે. આ બંને કંપનીઓએ 25 હજારથી વધુ અમેરિકન સ્ટાફની ભરતી કરી છે. અમેરિકામાં નીતિમાં ફેરફાર થવાની સાથે જ ભારતીય આઇટી કંપનીઓએ હેલ્થકેર સર્વિસ, રિટેલ અને બેન્કિંગ સેક્ટરમાં ફેરફાર માટે તૈયાર રહેવું પડશે.