કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના યેલ્લાપુરામાં બુધવારે સવારે એક ટ્રક 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા. તેમજ, 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે સાવનુરથી ફળો અને શાકભાજી લઈને જતી ટ્રકમાં 25થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ ફળો અને શાકભાજી યાલાપુરામાં યોજાયેલા મેળામાં પહોંચાડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન, સવારે લગભગ 5 વાગ્યે, સાવનુર-હુબલી હાઇવે પર અન્ય વાહનને સાઈડ આપવાનો પ્રયાસ કરતી વખતે ટ્રક ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને ખીણમાં ખાબકી હતી. SP એમ નારાયણે જણાવ્યું કે પોલીસને અકસ્માતની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 15 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખીણ તરફના રસ્તા પર કોઈ સુરક્ષા દિવાલ નહોતી. ઘાયલોની સારવાર ચાલી રહી છે પોલીસ અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને સારવાર માટે હુબલીની કર્ણાટક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (KIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઘાયલોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરાઈ રહી છે. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેન તૈનાત બોલાવવામાં આવી હતી પોલીસે જણાવ્યું કે મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. ખીણમાં ખાડા-ટેકરા હોવાને કારણે પહોંચવું મુશ્કેલ બની રહ્યું હતું. મૃતકોની ઓળખ ફૈયાઝ જામખંડી (45), વસીમ મુદગેરી (35), એજાઝ મુલ્લા (20), સાદિક બાશા (30), ગુલામ હુસૈન જવાલી (40), ઈમ્તિયાઝ મુલાકેરી (36), અલ્ફાઝ જાફર મંદાક્કી (25), જીલાની અબ્દુલ જાખાતી (25), અસલમ બાબુલી બેની (24) તરીકે થઈ છે. કર્ણાટકના સિંધનુરમાં માર્ગ અકસ્માત, 4ના મોત
શનિવારે સવારે કર્ણાટકના રાયચુરમાં પણ એક માર્ગ અકસ્માત થયો હતો. અહીં એક વાહન પલટી જતાં 4 લોકોના મોત થયા હતા અને 10 ઘાયલ થયા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. સિંધનુર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ દુર્ઘટના અંગે હજુ સુધી કોઈ વધુ માહિતી સામે આવી નથી. સિદ્ધારમૈયાએ કહ્યું- બંને દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારને વળતર અપાશે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બંને મામલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું- ઉત્તરા કન્નડ જિલ્લાના યેલ્લાપુર અને રાયચુર જિલ્લાના સિંધનુરમાં બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 14 લોકોના મોતના સમાચાર સાંભળીને કાળજું કંપી ગયું છે. સિદ્ધારમૈયાએ કહ્યું- હું મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. આ દુ:ખદ ઘટનાઓમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત લોકો પ્રત્યે મારી સંવેદના છે. સરકાર મૃતકોના પરિવારોને વળતર આપશે.