ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં હાર અને નબળા પરફોર્મન્સ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓ જે હાલ ક્રિકેટના અન્ય ફોર્મેટ ન રમતાં હોય તેમને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લેવા જણાવ્યું છે. જેથી હવે ફરી શરૂ થનાર રણજી ટ્રોફીમાં સ્ટાર ખેલાડીઓ પરસેવો પાડ્યો અને મેદાને ઉતરશે. 2024માં શરૂ થયેલ રણજી ટ્રોફી ટુર્નામેન્ટને બ્રેક બાદ ફરીથી શરૂ કરી છે. જેના શિડ્યુલ મુજબ આવતીકાલે 23 જાન્યુઆરીથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર અને દિલ્લી વચ્ચે રણજી મેચ યોજાનાર છે. જેમાં રિષભ પંત અને રવીન્દ્ર જાડેજા આમને સામને જોવા મળશે, જ્યારે બોલિંગમાં ફાસ્ટ બોલર નવદીપ સૈની અને જયદેવ ઉનડકટ આમને સામને ટકરાશે. ખેલાડીઓએ કાલની મેચ માટે સતત બે દિવસ પ્રેક્ટિસ કરી
રાજકોટ શહેરના જામનગર રોડ પર ખંઢેરી ગામ નજીક આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી રણજી મેચ શરૂ થવા જઈ રહી છે. જેમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ પણ પરસેવો પાડ્યો હતો. આ મેચમાં રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની જેવા ખેલાડીઓ મેદાનમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમતા નજરે પડશે. દિલ્લીની ટીમ રાજકોટ આવી ગયા બાદ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દિલ્લી, એમ બન્ને ટીમના ખેલાડીઓ સતત બે દિવસથી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી ચુક્યા છે અને આવતીકાલે સવારથી બન્ને ટીમ મેદાનમાં મેચ રમવા માટે ઉતરશે. રિષભ પંત આવતીકાલની મેચમાં કેપ્ટન તરીકે નહિ રમે
ઉલ્લેખનીય છે કે, આવતીકાલની મેચ સૌરાષ્ટ્ર અને દિલ્લી એમ બન્ને ટીમમાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે તેમ છે. લીગ મેચ બાદ જે ટીમ જીતશે તે ટીમ માટે આગળ કવોલીફાય થવાના ચાન્સ વધુ પ્રબળ બની શકે છે. આ સાથે રિષભ પંત આવતીકાલની મેચમાં કેપ્ટન તરીકે નહિ, પરંતુ ખેલાડી બનીને મેદાનમાં ઉતરશે. આવતીકાલની મેચમાં દિલ્લી ટીમના કેપ્ટન તરીકે જવાબદારી આયુષ બદોનીની રહેશે, જયારે સૌરાષ્ટ્રના કેપ્ટન તરીકે જયદેવ ઉનડકટ જવાબદારી નિભાવશે.