back to top
HomeભારતEDITOR'S VIEW: પહેલાં પીઠમાં ઘા, હવે દિલમાં ઘા:સૈફ અલી ખાન પર નવું...

EDITOR’S VIEW: પહેલાં પીઠમાં ઘા, હવે દિલમાં ઘા:સૈફ અલી ખાન પર નવું સંકટ, 15 હજાર કરોડની મિલકત સરકાર લઈ લેશે? જાણો શત્રુ સંપત્તિ વિવાદનો એ અધ્યાય

સૈફ અલી ખાન ફીટ થઈને તેના બીજા ઘરે પહોંચી ગયો છે. તે એક આઘાતમાંથી માંડ બહાર આવ્યો છે ત્યાં તેને બીજો આઘાત લાગ્યો છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના ભોપાલમાં અને રાયસેનમાં સૈફ અલી ખાન અને તેની માતા શર્મીલા ટાગોરના નામે ઘણી વારસાઈ પ્રોપર્ટી છે. તેની માર્કેટ વેલ્યુ 15 હજાર કરોડ રૂપિયા થાય છે. કેન્દ્ર સરકારે શત્રુ સંપત્તિ હેઠળ આ તમામ મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી પણ હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો. કોર્ટે સંપત્તિ જપ્ત કરવા સ્ટે આપ્યો હતો પણ હવે બુધવારે આ સ્ટે હટાવી લેવામાં આવ્યો છે. નમસ્કાર, આપણે ત્યાં એક કહેવત છે – સમસ્યા આવે ત્યારે ચારેય બાજુથી આવે. સૈફ અલી ખાન સાથે પણ એવું જ થયું છે. ચાકુથી હુમલાની ઘટનાના આઘાતમાંથી તે માંડ બહાર આવ્યો ત્યાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે 15 હજાર કરોડની પટૌડી પરિવારની મિલકત જપ્ત કરવા સ્ટે લગાવ્યો હતો તે હટાવી લીધો છે. હવે સવાલ એ છે કે કેન્દ્ર સરકાર આ સંપત્તિ જપ્ત કરી શકશે કે નહીં? પહેલાં જાણો આખો મામલો શું છે?
આઝાદીના ભાગલા પછી જે લોકો ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા હોય તે પોતાની અચલ સંપત્તિ પેલેસ, જમીન, મકાન બધું ભારત છોડી ગયા હતા. આ સંપત્તિ ભારતમાં પડી રહી છે અને તેના વારસો જે ભારતમાં રોકાઈ ગયા છે તેમની પાસે આ સંપત્તિ હોય છે. પણ કેન્દ્ર સરકાર 1968માં એક કાયદો લાવી કે જે લોકો ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા છે, ભલે તેના વારસો અહીં હોય પણ એ સંપત્તિ ‘શત્રુ સંપત્તિ’ જ કહેવાય અને તેના પર સરકારનો હક્ક છે. એ વખતે કેન્દ્ર સરકાર શત્રુ સંપત્તિ કાયદો લાવી હતી. સૈફ અલી ખાનના બાપ-દાદા ભોપાલના નવાબ હતા અને ભોપાલમાં જ રહેતા હતા. 1947 સુધી ભોપાલ એક રજવાડું હતું અને નવાબ હમીદુલ્લાહ ખાન તેના છેલ્લા નવાબ હતા. તેને બે દીકરીઓ હતી. તેમાં સૌથી મોટી દીકરી હતી આબિદા સુલતાન 1950માં પાકિસ્તાન ચાલ્યા ગયા. તેની બીજી દીકરી સાજીદા સુલતાન ભારતમાં જ રોકાઈ ગઈ. સાજીદાએ નવાબ ઈફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા. એટલે તે તેના પિતા નવાબ હમીદુલ્લાહ ખાનની કાયદેસરની વારસદાર બની ગઈ. નવાબ જે સંપત્તિ છોડી ગયા હતા તેનો વારસો સાજીદાને મળ્યો. સાજીદાને સંતાનમાં પુત્ર થયો. તેનું નામ મન્સૂરઅલી ખાન પટૌડી. એ પટૌડી ખાનદાનના નવાબ તો બન્યા પણ સારા ક્રિકેટર બન્યા. પિતા ઈફ્તિખારની સાથે સાથે માતા સાજીદાની વારસાઈ મિલકત પણ મન્સૂરઅલી ખાનને મળી. મન્સૂરઅલી ખાને અભિનેત્રી શર્મીલા ટાગોર સાથે લગ્ન કર્યા. બંનેએ સૈફ અલી ખાનને જન્મ આપ્યો. એટલે સૈફ અલી ખાન તેના નાની સાજીદાની મિલકતનો વારસ બન્યો. પણ કેન્દ્ર સરકારે એવી દલીલ કરી છે કે, ભોપાલના છેલ્લા નવાબ તેની મોટી દીકરી સાથે પાકિસ્તાન જતા રહ્યા હતા એટલે તેની તમામ સંપત્તિ ‘શત્રુ સંપત્તિ’ ગણાય. આ સંપત્તિની અત્યારે માર્કેટ વેલ્યુ 15 હજાર કરોડ રૂપિયા છે. ભોપાલ અને રાયસેનમાં કઈ કઈ સંપત્તિ છે?
ફ્લેગ સ્ટાફ હાઉસ
નૂર-ઉસ-સબા પેલેસ
દાર-ઉસ-સલામ
હબીબી બંગલો
અમદાવાદ પેલેસ
કોહેફિઝા
(આમાંથી ફ્લેગ સ્ટાફ હાઉસમાં સૈફ અલી ખાનનું બાળપણ વિત્યું હતું) સાત કિલોમીટરમાં ફેલાયેલી છે સંપત્તિ, પટૌડીની જમીન પર અનેક મકાનો
ભોપાલના કોહેફિઝાથી લઈ ચિકલોડ સુધી સૈફ અલી ખાન અને શર્મીલા ટાગોરના નામની સંપત્તિ ફેલાયેલી છે. આ વિસ્તાર સાત કિલોમીટર જેટલો થાય છે. તેમાં પેલેસ, બંગલા, જમીનો છે. પટૌડી પરિવારની માલિકીની લગભગ 100 એકર જમીન પર મકાન બંધાઈ ગયા છે અને તેમાં દોઢ લાખ લોકો રહે છે. ભોપાલ રજવાડાંની ઐતિહાસિક સંપત્તિઓ પર 2015થી સ્ટે ચાલી રહ્યો હતો. જે હવે હટાવી લીધો છે. ત્યાંના સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે અમે વર્ષોથી આ જમીન પર રહીએ છીએ. અમે કબજો કર્યો નથી. શત્રુ સંપત્તિ એટલે એનિમી પ્રોપર્ટી શું હોય છે?
1947માં ભાગલા વખતે જે લોકો ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા હતા પણ તેમની મિલકતો ભારતમાં રહી ગઈ હતી તેને શત્રુ સંપત્તિ કહેવાય છે. આ શત્રુ સંપત્તિ ઉપર સરકાર પોતાનો અધિકાર હોવાનો દાવો કરે છે અને મિલકત જપ્ત કરી લે છે. આવી મિલકતો માટે સરકારે 1968માં એક કાયદો પણ બનાવ્યો હતો. સૈફ અલી ખાનના પટૌડી પરિવારની ભોપાલની મિલકતો પણ શત્રુ સંપત્તિ કેટેગરીમાં આવે છે. કારણ કે, જેની સંપત્તિ હતી તે નવાબ મોટી દીકરી આબિદા સાથે પાકિસ્તાન ચાલ્યા હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ કેસમાં શું કહ્યું?
જ્યારે કેન્દ્રની મોદી સરકારે ભોપાલની પ્રોપર્ટીને શત્રુ સંપત્તિ ગણાવી હતી. આ પછી, 2015માં પટૌડી પરિવારને પણ નોટિસ આપવામાં આવી હતી. તેના જવાબમાં સૈફ અલી ખાને આ નોટિસને હાઇકોર્ટમાં પડકારી હતી અને સંપત્તિ જપ્ત કરવા સામે સ્ટે મેળવ્યો હતો. સૈફ અલી ખાન અને તેની માતા શર્મીલા ટાગોરે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને પોતાનો વારસાઈ માલિકી હક્ક હોવાના પુરાવા આપ્યા હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટે દસ વર્ષ પછી આ સ્ટે હટાવી દીધો છે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, 2024માં 13 ડિસેમ્બરે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જસ્ટિસ વિવેક અગ્રવાલની બેન્ચે સૈફની અરજી ફગાવી દીધી હતી અને તેને અપીલ દાખલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. પરંતુ, સૈફ અલી ખાન કે તેના પરિવારના કોઈપણ સભ્યએ હજુ સુધી આ કાર્યવાહી કરી નથી. જોકે, સૈફ પરિવાર પાસે હજુ પણ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરવાનો વિકલ્પ છે. ભોપાલ કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે આ મામલે હાઈકોર્ટનો આદેશ સ્પષ્ટ થયા પછી જ કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે. એ કેસ, જેના કારણે મોદી સરકારે ‘શત્રુ સંપત્તિ’માં બદલાવ કર્યો
ભારત સરકારે 1968માં શત્રુ સંપત્તિ કાયદો બનાવ્યો. તેમાં ઉલ્લેખ હતો કે, સંપત્તિની દેખભાળ વારસ કરી શકશે પણ માલિકી હક્ક નહીં રહે. સંપત્તિ સરકાર હસ્તક આવી જાય પછી વારસનો કોઈ હક્ક નથી રહેતો. એ વખતે કાયદામાં કોઈ સ્પષ્ટતા નહોતી એટલે ઘણા કેસ કોર્ટમાં પહોંચ્યા. એમાંનો એક કેસ મહેમુદાબાદ અને તેના વારસનો કેસ હતો. આ કેસ ઘણો રસપ્રદ છે.
કેસ એવો છે કે, રાજા મોહમ્મદ આમિર મોહમ્મદ ખાન નામના શખસે 40 વર્ષથી વધારે સમય સુધી પોતાની વારસાઈ મિલકત માટે લડત આપી હતી. તેનો સંબંધ યુપીના સીતાપુર સાથે છે. અહીંયા એક સમયે તેમના પૂર્વજોનાં રજવાડાં હતા. એ રજવાડાંને મહેમુદાબાદ રજવાડું કહેવાતું. આજે પણ મોહમ્મદ આમીર મોહમ્મદ ખાનને ‘રાજા મહેમુદાબાદ’ તરીકે જ ઓળખવામાં આવે છે. આઝાદી વખતે ભાગલા થયા ત્યારે તેમના પિતા મોહમ્મદ આમીર ખાન ઈરાક ચાલ્યા ગયા અને પછી તેણે 1957માં પાકિસ્તાનની નાગરિકતા લઈ લીધી હતી પણ દીકરા મોહમ્મદ ખાન ભારતમાં જ રહ્યા. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે 1965માં યુદ્ધ થયું ત્યારે સરકારે રાજા મહેમુદાબાદની સંપત્તિને શત્રુ સંપત્તિ જાહેર કરી દીધી. તેમની સંપત્તિ અતિભવ્ય અને વિશાળ હતી. સીતાપુર, લખનૌ, નૈનિતાલમાં ફેલાયેલી હતી. રાજા મહેમુદાબાદ કોર્ટમાં ગયા. ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈને મળીને પોતાની વાત મૂકી. પણ કોઈ પરિણામ ન આવ્યું. થોડા સમય પછી કોર્ટનો આદેશ આવ્યો. પહેલાં બોમ્બે હાઈકોર્ટે અને પછી સુપ્રીમ કોર્ટે રાજા મહેમુદાબાદના હક્કમાં નિર્ણય આપ્યો. કોર્ટે કહ્યું કે, રાજા ભારતના નાગરિક છે અને કોઈપણ દ્રષ્ટિએ ભારતના શત્રુ નથી. એટલે તેમને તેમની તમામ સંપત્તિ પાછી આપવામાં આવે. પણ વાત અહીંથી અટકતી નથી. ભારત સરકારને લાગ્યું કે, સુપ્રીમ કોર્ટ આવા જ નિર્ણય આપશે તો તમામ કેસમાં સરકારના હાથમાંથી સંપત્તિઓ સરકી જશે. સરકારે વિચાર્યું કે, 1968ના કાયદામાં સુધારા કરવા પડશે. 17 માર્ચ 2017ના દિવસે કાયદામાં નવા સુધારા સાથેનું બિલ પાસ થઈ ગયું. નવા કાયદા મુજબ એનિમી પ્રોપર્ટીની વ્યાખ્યા બદલાઈ ગઈ. ભારતના નાગરિક હોય પણ તેને એવી સંપત્તિ વારસામાં મળી છે જે કોઈ પાકિસ્તાનીના નામે છે તે પણ શત્રુ સંપત્તિ છે. એવું કાયદામાં ઉમેરવામાં આવ્યું. આ સંશોધન બિલે સરકારને આવી પ્રોપર્ટી વેચવાનો અધિકાર પણ આપી દીધો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે પાછી આપેલી રાજા મહેમુદાબાદની તમામ સંપત્તિ ભારત સરકાર પાસે ચાલી ગઈ. શત્રુ સંપત્તિના કાયદામાં જે સુધારા થયા તે આ પ્રમાણે છે
કસ્ટોડિયનને આવી પ્રોપર્ટીના માલિક માની લેવામાં આવ્યા. આ 1968થી જ અમલમાં હતું. તે રદ્દ થાય છે.
ભારતીય નાગરિક શત્રુ સંપત્તિ કોઈને વારસામાં આપી શકે નહીં.
અત્યાર સુધીમાં આવી સંપત્તિઓ વેચાઈ હોય તેને ગેરકાયદે ગણાશે
શત્રુ સંપત્તિના કેસમાં દીવાની અદાલતોને સુનાવણી કરવાનો હક્ક નહીં રહે.
આવા કેસની સુનાવણી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જ થઈ શકશે. એટલે ભારતના કોઈ નાગરિકે આવી સંપત્તિ ખરીદી હશે તો તેને પણ સરકાર લઈ લેશે. ભારત સરકારે અત્યાર સુધીમાં 10 હજારથી વધારે આવી સંપત્તિઓની ઓળખ કરી છે, જેમાંથી મોટાભાગના પાકિસ્તાની નાગરિકોના નામ છે. તેમાંથી કેટલીક સંપત્તિ ભારત સરકાર વેચવા જઈ રહી છે. વધારે વેચાણ એ શેરનું થશે જે શત્રુ સંપત્તિ હેઠળની કંપનીઓની છે. આવી કુલ 996 કંપનીઓ છે. તેમાંથી માત્ર 588 સક્રિય છે. આ તમામ 996 કંપનીઓમાં કુલ 20,323 શેરધારક છે. તેના 6,50,75,877 શેર CEPI (કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ઓફ ઈન્ડિયા)ના કબજામાં છે. મોદી સરકાર આ શેરને વેચીને ત્રણ હજાર કરોડ રૂપિયા ભેગા કરશે. સૈફ અલી ખાન પાસે બીજી કઈ કઈ પ્રોપર્ટી છે?
હરિયાણાના ગુરુગ્રામમાં પટૌડી પેલેસ
પટૌડી પેલેસની કિંમત 800 કરોડ રૂપિયા છે
બાંદરામાં બે આલિશાન બંગલા
બાંદરામાં સત્તગુરુ શરણ એપાર્ટમેન્ટમાં ચાર માળ
બાંદરામાં ફોર્ચ્યુન હાઈટ્સમાં 50 કરોડનો ફ્લેટ
સ્વિત્ઝર્લેન્ડમાં 33 કરોડનો બંગલો
9 કરોડની લક્ઝુરિયસ ગાડીઓ છેલ્લે,
સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સૈફ અલી ટીપટોપ થઈને ચાલીને હોસ્પિટલની બહાર આવ્યો હતો અને ઘરે પણ કારમાંથી ઉતરીને ગયો હતો. આ પછી એકનાથ શિંદેની શિવસેનાના નેતા સંજય નિરુપમે નિવેદન આપ્યું હતું કે, સૈફની પીઠમાં અઢી ઈંચનો ચાકુનો કટકો ફસાયો હતો. 6 કલાક સર્જરી ચાલી. 16 જાન્યુઆરીએ દાખલ થયો. 21 જાન્યુઆરીએ રજા આપી. પાંચ દિવસમાં તે આટલો ફીટ કેવી રીતે છે? કમાલ છે!! મજાની વાત એ છે કે શિંદે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી છે અને તેના જ નેતાએ આ સવાલ ઉઠાવ્યો છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ – યશપાલ બક્ષી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments