ભારતમાં રક્ષાબંધનના તહેવારનું અને રાખડીનું ખૂબ મહત્વ છે. કહે છે બહેન એ સુતરના તાંતણે ભાઇને સ્વસ્થ અને સુરક્ષિત રહે એવા આશીર્વાદ આપે છે અને બદલામાં ભાઇ, બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. પણ કલ્પના કરો કે આ સુતરના તાંતણામાં એવી ચિપ મુકેલી હોય જે ભાઇની સાચે જ રક્ષા કરવામાં મદદ કરે. ભાઇનું બ્લડ પ્રેશર વધી જાય કે, હાર્ટ બીટ અનિયમિત થઇ જાય તો જણાવે કે ભાઇને તાવ આવે તો એ તાંતણો તમને જણાવે…! જી, આ કલ્પના સાચી પાડવા જઇ રહી છે. યંત્રોએ માણસની મહેનત ઓછી કરી
ઔદ્યોગિક ક્રાંતિ અને તેના પછી આવેલા યુગનો મુખ્ય હેતુ માણસનો વર્તમાન સુધારવાનો હતો. માટે એ સમય દરમિયાન એવા એવા યંત્રો બન્યા જે માણસની મહેનત આસાન કરે અને જે તે કામની પ્રોડક્ટિવિટી વધારે. ઉદાહરણ તરીકે ઔદ્યોગિક ક્રાંતિના પગલે ટ્રેકટર શોધાયું. જો ટ્રેક્ટર ન શોધાયું હોત તો આપણે આઠ અબજ માણસોને ધાન્ય પૂરું પાડવા માટે ખેતરો ખેડી શક્યા હોત? માટે ઓગણીસમી અને વીસમી સદીનો મોટા ભાગનો સમય જુદા જુદા ઉપકરણો બનાવવામાં ગયો. જેણે મનુષ્યની મજૂરી ઓછી કરી. પછી એ પ્લેન હોય કે હાઇડ્રોલિક જેક. પણ કોમ્પ્યુટરની શોધ પછી જે IT યુગ આવ્યો તેનો હેતુ શિફ્ટ થવા લાગ્યો. ભવિષ્યની ચિંતા થવાથી માણસે સુપર કોમ્પ્યુટર બનાવ્યું
હવે વર્તમાન સુધરી ગયું હતું પણ માણસની નજર ભવિષ્ય પર પડી. તેને ભવિષ્યની ચિંતા સતાવવા લાગી. હવે તે પોતાનું ભવિષ્ય સિક્યોર કરવા લાગ્યો. માટે સુપર કોમ્પ્યુટર બનાવ્યું. તેના માટે જુદા જુદા સોફ્ટવેર બનાવ્યા. માટે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ પર આટલું બધું ખેડાણ કર્યું. જેથી નજીકના કે દૂરના ભવિષ્યમાં શું થશે તેની તરત ખબર પડી જાય. આ ડિજીટલ ફાઇબર પણ માણસની ફ્યૂચર હેલ્થ વિષે જ પ્રિડીક્ટ કરે છે. કઇ રીતે? તમારી માહિતી સેન્સ કરતું ફાઇબર
અમેરિકાની એમઆઇટી સંસ્થાના સંશોધનકર્તાઓએ ડિજીટલ ક્ષમતાઓ સાથેનું એવું ફાઇબર બનાવ્યું છે કે જે તમારા કપડાંમાં સીવી લેવામાં આવે પછી માહિતી સેન્સ કરી શકે. તેને સમજીને એનું વિશ્લેષણ કરી શકે અને અનુમાન કરી શકે કે શરીરમાં શું ચાલી રહ્યું છે. સાદી ભાષામાં એ ફાઇબર શર્ટમાં વણી લો પછી એ તેની ડિજીટલ ક્ષમતા વડે, શરીરનું તાપમાન માપી શકે અને એ માહિતીનું વિશ્લેષણ કરી ને તમારા સુધી પહોંચાડે! ટૂંકમાં, આ ડિજીટલ ફાઇબરવાળું શર્ટ પહેર્યું હોય પછી તે ઓક્સિમીટરનું ઘણું ખરું કામ સંભાળી લે. રોગોનું વહેલું નિદાન થઇ શકશે
મેશુચેટેસ યુનિવર્સિટીના પ્રોફેસર યુએલ ફિન્ક કે જે મટીરિયલ સાયન્સ અને ઇલેક્ટ્રિકલ એન્જીનિયર છે અને આ અભ્યાસના વરિષ્ઠ લેખક છે તે એમ કહે છે કે, આ ડિજીટલ ફાઇબર, કાપડ દ્વારા મનુષ્યના શરીરમાં છુપાઇને રહેલી પેટર્નને ખૂલી પાડીને શક્યતાઓના દ્વાર ખોલી આપે છે. જે શારીરિક પરફોર્મન્સ મોનિટરીંગ અને રોગોના વહેલા નિદાન માટે મદદરૂપ થાય છે. ફિન્ક કહે છે કે, આ વાત ડેટાને કપડામાં ડિજીટલી સંગ્રહિત કરવાની વાતને વાસ્તવિકતામાં ફેરવે છે અને કપડામાં નવી ઇન્ફોર્મેશનના પરિમાણને ઉમેરીને કપડાને પ્રોગ્રામ્ડ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. મતલબ કે તમે એ નાનકડાં ફાઇબર દ્વારા કે જે ડિજીટલી પ્રોગ્રામ્ડ થયેલો છે તેના દ્વારા તમારા શર્ટ કે સાડીનો ઉપયોગ કોમ્પ્યુટરની જેમ કરી શકો છો !! હવે જોઇએ કે આ ડિજીટલ ફાઇબર કામ કેવી રીતે કરે છે. સાદા ફાઇબરમાં ચિપ્સ મુકવામાં આવે છે
એક સાદા ફાઇબરમાં હજારો સ્કવેર સિલિકોન ડિજીટલ ચિપ્સ મુકવામાં આવે છે. જે પોલિમર ફાઇબરમાં રૂપાંતરિત થાય છે. આ પોલિમર ફ્લૉને નિયંત્રણ કરીને સંશોધનકર્તાઓએ એવું ફાઈબર બનાવ્યું છે જેમાં ચિપ્સ વિદ્યુત પ્રવાહ દ્વારા જોડાયેલી હોય. આ ફાઇબર અત્યંત પાતળું અને ફ્લેક્સિબલ હોય છે. જે એક સોયમાંથી પણ પસાર થઇ શકે છે અને કોઇ પણ કપડામાં વણાઇ શકે છે અને દસ વખત ધોવાઇ પણ શકે છે. જ્યારે તમે આ ફાઇબરને સાડી કે શર્ટમાં મુકો તો તેને અનુભવી પણ નહીં શકો એટલું પાતળું એ હોય છે. આ ડિજીટલ ફાઇબર મેમરીમાં ઘણી માહિતી પણ સ્ટોર કરી શકે છે જેને સંશોધનકર્તાઓ વાંચી શક્યા અને સમજી પણ શક્યા. ફાઇબર સ્વાસ્થ્યને લગતી માહિતી પણ આપશે
અત્યાર સુધી ફાઇબરનો ઉપયોગ ઇન્ટરનેટ માટે થયો છે. સમુદ્રના તળિયે લાખો કિલોમીટર લાંબા ઓપ્ટિકલ ફાઇબરનું નેટવર્ક બિછાવવામાં આવ્યું છે. હવે તેવો પણ જુદી જાતનો ફાઇબર શરીરના સ્વાસ્થ્ય સંબંધી માહિતી પણ આપશે. આ ફાઇબરમાં આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ ઉમેરવાથી તેનામાં રહેલી શક્યતાઓમાં ઘણો વધારો થાય છે. ડિજીટલ કમ્પોનન્ટ્સ વાળા ફેબ્રિક આખા શરીરમાંથી ઘણી બધી માહિતી એકઠી કરી શકે છે. આ વિશ્લેષણ શક્તિ સાથે આ ફાઇબર્સ શ્વસન તંત્રના પ્રોબ્લેમ્સ કે અનિયમિત હાર્ટ બીટ વિષે તેમજ તાલીમ દરમિયાન એથ્લેટ્સને તેમના સ્નાયુ સક્રિય છે કે નહીં અથવા દોડ દરમિયાન તેમનું હાર્ટ કેવી રીતે કામ કરી શકે છે એ જણાવી શકે છે. અત્યારે આ ફાઇબર એક નાના બાહ્ય ઉપકરણથી નિયંત્રિત થાય છે પણ આગળનું પગલું એક નવી ચિપને માઈક્રો કંટ્રોલર દ્વારા ડિઝાઇન કરવાનું રહેશે જે ફાઇબરમાં જ કનેક્ટ થઇ શકશે. અને ત્યારે તે એક નાનકડાં ફાઇબર કોમ્પ્યુટર તરીકે ઓળખાશે તેમ લોકો કહે છે. તો તૈયાર છો ડિજીટલી ડિઝાઇન કરેલી સાડી કે શર્ટ ખરીદીને પહેરવા? જે તમને ફક્ત સુંદર જ નહીં દેખાડે પણ તંદુરસ્ત રહેવામાં પણ મદદ કરશે.