ભાવિન પટેલ
પ્રયાગરાજમાં 13 જાન્યુ.થી શરૂ થયેલા મહાકુંભ મેળામાં જેમજેમ દિવસ જતા જાય છે તેમ તેમ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટતું જાય છે. હિન્દુ ધર્મગ્રંથોમાં મહાકુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. છમાંથી બે શાહીસ્નાનની તિથિ પૂર્ણ થઇ ગઇ છે હવે બાકી રહેલી 29 જાન્યુ. 3, 13,અને 26 ફેબ્રુ.એ મહાપૂર્ણિમાના દિવસે અંતિમ સ્નાન હશે તે જ દિવસે મહાકુંભની પુર્ણાહૂતિ થશે. મહાકુંભમાં યેનકેન પ્રકારે પહોંચવા શ્રદ્ધાળુઓ પાસે કોઇ વિકલ્પ ન હોવાથી ગુજરાતમાં રહેતા શ્રીમંત અને કોર્પોરેટ સેક્ટર તેમજ એનઆરઆઇ પરિવારોએ પ્રાઇવેટ જેટ માટે ઇન્કવાયરી શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ખાનગી જેટનું બુકિંગ કરતા ઓપરેટરોના મતે હાલમાં અમદાવાદથી પ્રયાગરાજ માટે 30 જેટલી ઇન્કવારીઓ મળી છે. આગામી દિવસો વધારો થશે. અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચ કરી અમદાવાદથી આઠ-આઠ સીટરનાં 10 જુદીજુદી સીરિઝના ખાનગી જેટ બુક થયાં છે,અને પ્રયાગરાજથી પરત પણ આવી ગયાં છે.
ત્રણ દિવસે અમદાવાદથી એક ખાનગી જેટ રવાના | દર ત્રણ દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી એક ખાનગી જેટ પ્રયાગરાજ માટે રવાના થાય છે. આગામી દિવસોમાં તે સંખ્યામાં પણ વધારો થશે,
ટ્રેનો ફૂલ, ફલાઇટોના ઊંચા ભાડાં, બાયરોડ પહોંચવું મુશ્કેલ | ગુજરાતમાંથી ઉપડતી સ્પેશિયલ સહિત તમામ ટ્રેનો ફૂલ છે, બીજી તરફ શાહી સ્નાનના દિવસ સહિત કેટલીક તારીખોમાં ફલાઇટોમાં એક પણ સીટો ઉપલબ્ધ નથી. જે તારીખમાં સીટો છે તેમાં ડોમેસ્ટિક ફલાઇટના રિર્ટન ભાડાં રૂ.60 હજારે આસમાને પહોંચ્યા છે. બાયરોડ પહોંચવામાં પણ 36થી 40 કલાક લાગે છે. આમ કોઇ વિકલ્પ ન હોવાથી શ્રદ્ધાળુઓ ચાર્ટર્ડ ફલાઇટોનો સહારો લઇ રહ્યા છે. દર 3 દિવસે એક ચાર્ટર્ડ રવાના થાય છે પ્રયાગરાજ માટે આઠ સીટરના ચાર્ટર્ડ બુક કરવામાં આવી રહ્યાં છે જે બીજા દિવસે પરત અમદાવાદ આવે છે. તેમાં તમામ ખર્ચ સાથે ભાડું 15 લાખ છે. જોકે તેમાં 18 ટકા જીએસટી અલગથી લેવામાં આવે છે, પ્રયાગરાજ એરપોર્ટ પર છ પાર્કિંગ સ્ટેન્ડ
પ્રયાગરાજ એરપોર્ટ પર છ પાર્કિંગ સ્ટેન્ડ ઉપલબ્ધ છે. દિનપ્રતિદિન વીવીઆઇપી મૂવમેન્ટ વધતી હોવાથી અન્ય ચાર્ટર્ડ ફલાઇટોને પાર્કિંગની જગ્યા મળતી નથી. એરપોર્ટ પર પેસેન્જરોને ઉતારી ચાર્ટર્ડ ફલાઇટોને વારાણસી, અયોધ્યા, કાનપુર એરપોર્ટ પર પાર્ક કરવામાં આવે છે.