ટિકેન્દ્ર રાવલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ ગઇ છે પરંતુ ભાજપમાં હજુ નવા પ્રદેશ પ્રમુખ બનાવવાની પ્રક્રિયા બાકી છે. જેથી વર્તમાન ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પાસે કેન્દ્રીય મંત્રીપદની પણ જવાબદારી હોવાથી કાર્યકારી પ્રમુખ તરીકે રજની પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જોડી આ ચૂંટણી લડશે. એટલે કે પાટીલના માર્ગદર્શનમાં બે પટેલોના માથે ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવશે. રજની પટેલ હાલમાં પક્ષના પ્રદેશ મહામંત્રી છે. હાલ સુધી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટેની પ્રક્રિયા પણ ચાલી રહી હતી. જે હવે ચૂંટણી બાદ જાહેર થઇ શકે છે. નવા સંગઠનની પ્રક્રિયા ચાલી રહી હોવાથી ભાજપનું નવું સંગઠન માળખું હજુ અધૂરું છે. ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના નવા સંગઠન માળખાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
નવા સંગઠનની પ્રક્રિયા અચાનક અટકી | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના નવા સંગઠન માળખાની પ્રક્રિયા હાથ ધરાશે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં જિલ્લા-શહેર પ્રમુખ માટે દાવેદારોની સેન્સની પ્રક્રિયા પણ પૂરી કરી દેવાઇ છે. પરંતુ સંગઠનની પ્રક્રિયા અચાનક જ અટકાવી દેવાઇ હતી. સ્થાનિક નેતાઓનું માનવું છે કે જિલ્લા- શહેર પ્રમુખ માટે વધુ દાવેદારો આવ્યા હોવાથી ક્યાંક વિવાદ થાય તેવો આંતરિક ભય પ્રદેશ નેતાગીરીને સતાવી રહ્યો હોવાથી હાલ તમામ પ્રક્રિયા અટકાવીને ભાજપના સંગઠનને ચૂંટણીમાં ડાઈવર્ટ કરી દીધું છે. જિલ્લા પ્રમુખોની નિમણૂંક થઈ નહીં હોવાથી હંગામી વ્યવસ્થા
ભાજપના નેતાઓનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી પાટીલનો સાથ રહેશે. જેથી ચૂંટણી જીતવી સરળ બની શકે છે. ભાજપમાં નવું સંગઠન બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી જિલ્લા પ્રમુખોની નિમણૂક પણ થઈ નથી. જેથી કાર્યકારી પ્રમુખ તરીકે રજની પટેલને જવાબદારી સોંપાશે. પટેલ-પાટીલની જોડી મજબૂત
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલનો સાથ હોવાથી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી લઈને વિધાનસભા-લોકસભાની ચૂંટણીમાં ભાજપને મજબૂત બહુમતી મળી હતી. ખાસ કરીને વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 156 બેઠકો ભાજપે મેળવી હતી.