શહેરના નાનપુરા બારાહજારી મહોલ્લામાં બનેલા બનાવમાં રડી રહેલી એક વર્ષીય બાળકીને શાંત કરાવવાના પ્રયાસમાં તેના 13 વર્ષીય માસીયાઇ ભાઇએ એક હાથ મોઢા પર મૂકીને બીજા હાથથી ગળુ દબાવી દીધું હતું . જોકે બાળકી રડતી બંધ થઇ જતા સગીરે બાળકીની માતાને બોલાવી હતી. માતાએ બાળકીને પાણી પીવડાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ તે ભાનમાં આવી ન હતી. જેથી પરિવાર દ્વારા બાળકીને હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના ગળે નિશાન જોઇ શકાં જતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોત ગળુ દબાવવાના કારણે થયાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે બાળકીની માતા અને તેની બહેનના નિવેદનો લીધા હતા. જેમાં બંને જણા ખાનગી હોસ્પિટલમાં સફાઇનું કામ કરતી હોવાની વાત જણાવી હતી. બંને જણાએ કહ્યું હતું કે બુધવારે ઘટના બની ત્યારે બંનેે નોકરી પર ગઈ હતી અને તે સમયે 6 બાળકો એકલા હતા. માસૂમ બાળકીના મોત મામલે અઠવા પોલીસે મનુષ્યવધની કલમ મુજબનો ગુનો નોંધી 13 વર્ષના સગીર સામે કાર્યવાહી કરી છે.