back to top
Homeદુનિયાડંકી રૂટમાં અમેરિકા ગયેલા "ના ઘરના કે ના ઘાટના":ટ્રમ્પની એક સહી ને...

ડંકી રૂટમાં અમેરિકા ગયેલા “ના ઘરના કે ના ઘાટના”:ટ્રમ્પની એક સહી ને જીવ જોખમમાં મૂકી જનારા ગુજરાતીઓ ફસાયા, ગ્રીન કાર્ડ-અસાઈલમ કેસોનું શું; જાણો ભારતનું સ્ટેન્ડ

પટેલ ભાઈ…અમેરિકા જાય… ડોલર કમાય, ઊમિયા માના ગુણલા ગાતા જાય…તમે આ ગીત તો ઘણી વાર સાંભળ્યું હશે. પણ હવે અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ લીધેલા એક નિર્ણયે સમગ્ર દુનિયાની સાથે ભારત અને તેમાં પણ ખાસ ગુજરાત અને તેમાં પણ એક ખાસ પટેલ સમાજના લોકોને ચિંતામાં મૂકી દીધા છે. આમ તો ગુજરાતમાંથી વર્ષોથી લોકો અમેરિકા જાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે અમેરિકા ઘૂસવાના કિસ્સામાં ખૂબજ વધારો થયો છે અને તેમાં પણ મહેસાણા જિલ્લાના ડિંગુચા ગામના પટેલ પરિવારના પતિ-પત્ની અને તેમના બે બાળકોના અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા સમયે થયેલા મોતના સમાચારે અમેરિકા જવાના ડંકી રૂટ અને તેના ખતરાને લઇને ફરી એકવાર લોકો અને સરકારને હચમચાવી દીધા હતા. છેલ્લા ઘણા સમયથી ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાતથી ગેરકાયદેસર અમેરિકા જનારાઓની સંખ્યા વધી રહી છે. સરહદ સુરક્ષામાં વધારો થયો હોવા છતાં, યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)એ નાણાકીય વર્ષ 2024 દરમિયાન 90,415 ભારતીય નાગરિકોએ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હોવાનો અહેવાલ આપ્યો હતો, જેમાંથી લગભગ અડધા ગુજરાતીઓ હતા. ત્યારે હવે આ બધા વચ્ચે ટ્રમ્પ સરકાર જો ગેરકાયદે રહેતા ભારતીયોને હાંકી કાઢશે, તો તેમાં પણ મોટાભાગના ગુજરાતી હશે તે વાતને નકારી શકાય નહીં. ત્યારે આવો જાણીએ કે ટ્રમ્પના નિર્ણયની અમેરિકામાં ગયેલા ગેરકાયદે ગુજરાતીઓને શું અસર થશે. તેમને અમેરિકા હાંકી કાઢશે તો તેઓનું શું થશે. તેઓ ભારત આવશે તો તેમને કઇ સ્થિતિનો સામનો કરવો પડશે અને આ સમગ્ર સ્થિતિમાં ભારત સરકારનું શું સ્ટેન્ડ છે? ઈધર કૂવા ઉધર ખાઈ ગેરકાયદે અમેરિકા જવાના ક્રેઝમાં લોકો પોતાની જમીન, મકાન વેચે છે અને લાખોનું દેવુ કરે છે. આ પછી પણ અનેક દેશ ફર્યા બાદ અને આકરી મહેનત અને જીવના જોખમે માંડ-માંડ અમેરિકા પહોંચે છે. ત્યાં ગયા પછી પણ પકડાઇ જવાનો ભય, રોજગારીની ચિંતા અને વતન-પરિવારનો વિયોગ તો પાછો ખરો જ….. આવી અસહ્ય પરિસ્થિતિનો સામનો કર્યા બાદ પણ આવા લોકોને અમેરિકા પહોંચવાનો એક સુખદ અહેસાસ હોય છે. તેમને એમ હોય છે કે આ વિકસિત દેશમાં હવે આવનારો સમય સારો રહેશે. પરંતુ જગત જમાદાર અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ લીધેલા એક નિર્ણયે આવા તમામ લોકોના સપના ચકનાચુર કરી નાખ્યા છે. લાખોનું દેવુ કરીને ગેરકાયદે અમેરિકા ઘૂસેલા લોકો જ્યારે ગુજરાત પાછા આવશે ત્યારે તેઓ અહીં કેવી રીતે પોતાનું જીવન નિર્વાહ કરશે તે એક મોટો પ્રશ્ન બની રહેશે. કારણ કે અમેરિકા જવા માટે તેમને પોતાની મિલકત અને લાખોનું દેવુ કરી નાખ્યું હશે તેમને આશા હશે કે અમેરિકામાં રહીને કામ-ધંધો કરીને બધું સેટલ કરી દઇશું પણ હવે અમેરિકન સરકારના આ નિર્ણયે તેમનુ આ સપનું તોડી નાખ્યું છે અને આવા અનેક લોકો જ્યારે ગુજરાત પાછા આવશે ત્યારે તેમનો આવનારો સમય કપરો બની જશે. જમીન, મકાન અને જીવના જોખમે માંડ-માંડ ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા ગુજરાતીઓને જ્યારે ત્યાંની સરકાર હાંકી કાઢશે અને ભારત પાછા મોકલશે ત્યારે આશા ખોઇ બેઠેલા આવા લોકો ગુજરાત આવશે ત્યારે તેમની શું માનસિક સ્થિતિ હશે તેનું આકલન કરવું ખરેખર મુશ્કેલ હશે. તો આવો સૌપ્રથમ એ જાણીએ કે ટ્રમ્પ સરકારે એવો તો ક્યો નિર્ણય લીધો છે જેને અમેરિકાથી લઇને ગુજરાત સુધી લોકોને હચમચાવી દીધા છે. ટ્રમ્પનો આદેશ શું છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમની સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા લોકોના બાળકોને અમેરિકાના નાગરિક તરીકે માન્યતા આપશે નહીં. ટ્રમ્પે ફેડરલ એજન્સીને આદેશ આપ્યો છે કે 30 દિવસ પછી આવા બાળકોને નાગરિકતાના દસ્તાવેજો જારી ન કરવામાં આવે. ટ્રમ્પ લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કાનૂની દરજ્જા વિના ઇમિગ્રન્ટ્સના બાળકોને યુએસ નાગરિકતા આપવી તેમને સ્વીકાર્ય નથી. અમેરિકામાં જન્મ્યા પછી કોને નાગરિકતા નહીં મળે? ગેરકાયદે ભારતીયોને હાંકવાની પ્રક્રિયા શરૂ
સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ટ્રમ્પે તેમના વચન મુજબ સામૂહિક દેશનિકાલ માટે પાયો નાખ્યો છે. તેમાં અધિકારીઓને સ્થળાંતર કરનારાઓને રાખવા માટે અટકાયતની જગ્યા તાત્કાલિક વધારવા અને સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે કરારો વધારવા માટે હાકલ કરવામાં આવી છે જેથી તેઓને ઇમિગ્રેશન અધિકારીઓ તરીકે રજૂ કરી શકાય. ટ્રમ્પના આદેશમાં બીજું શું કહેવામાં આવ્યું?
આદેશમાં કહેવાયું છે કે કહેવાતા આ 287(g) કરારો હેઠળ, સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓને હોમલેન્ડ સિક્યુરિટી સચિવના નિર્દેશ અને દેખરેખ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સમાં વિદેશીઓની તપાસ, ધરપકડ અથવા અટકાયતની દેખરેખ રાખવાની મંજૂરી આપવામાં આવશે. ટ્રમ્પે કહ્યું છે કે, “મારી સૌથી મહત્વપૂર્ણ જવાબદારીઓમાંની એક અમેરિકન લોકોને ગેરકાયદેસર સામૂહિક સ્થળાંતર અને પુનર્વસનના વિનાશક પ્રભાવોથી બચાવવાની છે. મારું વહીવટીતંત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના આ અભૂતપૂર્વ ધસારાને રોકવા માટે ઉપલબ્ધ તમામ સંસાધનો અને અધિકારીઓને એકત્ર કરશે. ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશનને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી, પેન્ટાગોનને સરહદ દિવાલના નિર્માણ, અટકાયત કેન્દ્રો અને સ્થળાંતર કરનારાઓના પરિવહન માટે સહાય પૂરી પાડવાનો આદેશ આપ્યો અને સંરક્ષણ સચિવને જરૂર મુજબ સરહદ પર સૈનિકો મોકલવાનો અધિકાર આપ્યો છે. અત્યાર સુધી શું વ્યવસ્થા હતી? જો કોઈ બાળક અમેરિકામાં જન્મે છે, તો તેને આપમેળે અમેરિકન નાગરિક ગણવામાં આવે છે. પછી ભલે તેના માતા-પિતા અમેરિકન હોય કે નહીં. ઉપરાંત, જો બાળકના માતા-પિતા અહીં ગેરકાયદેસર રીતે આવ્યા હોય અને બાળકનો જન્મ અમેરિકામાં થયો હોય, તો તેને પણ અમેરિકન નાગરિક ગણવામાં આવશે. આ નિર્ણય કેમ લીધો?
ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે યુ.એસ.માં જન્મથી નાગરિકતા મેળવવાના બાળકના અધિકારનો ખૂબ જ દુરુપયોગ કર્યો છે. આ જ કારણ છે કે ટ્રમ્પનો એક્ઝિક્યુટિવ ઓર્ડર સીધો યુએસ બંધારણના 14મા સુધારાને ટાર્ગેટ કરે છે. ટ્રમ્પ આ કાયદા તેમજ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ખૂબ જ ગુસ્સે છે. ટ્રમ્પે પોતાના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં એમ પણ કહ્યું છે કે તેઓ 14મા સુધારાનું પહેલા કરતા અલગ રીતે અર્થઘટન કરશે. તેમણે એવી પણ દલીલ કરી છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા દરેક વ્યક્તિ માટે નાગરિકતાના વિસ્તાર કરવા માટે તેની વ્યાખ્યા ક્યારેય કરવામાં નથી આવી. અમેરિકન કાયદો શું કહે છે?
યુએસ બંધારણના 14મા સુધારા મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા અથવા કુદરતી રીતે સ્થાયી થયેલા લોકોને યુનાઇટેડ સ્ટેટ્સ અને તેઓ જે રાજ્યમાં રહે છે તેના નાગરિક ગણવામાં આવશે. આ સુધારો 1868માં અનેક અન્યાયોને ખતમ કરવા માટે લાગુ કરવામાં આવ્યો હતો જે યુએસ સુપ્રીમ કોર્ટના 1857ના નિર્ણય પછી આવ્યો હતો. તે નિર્ણયથી બ્લેક ગુલામોના બાળકોને નાગરિકતા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ 1868ના કાયદા દ્વારા આ અન્યાયનો અંત આવ્યો હતો. ચીની દંપતીના પુત્રને નાગરિકતા આપવા ઐતિહાસિક નિર્ણય
1898માં, યુએસ સુપ્રીમ કોર્ટે આ કાયદા હેઠળ એક ઐતિહાસિક નિર્ણય આપ્યો, જેમાં સાન ફ્રાન્સિસ્કોમાં એક ચીની ઇમિગ્રન્ટ દંપતીના જન્મેલા પુત્રને નાગરિકતા આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમેરિકન ભૂમિ પર બિન-નાગરિક યુગલોને જન્મેલા બાળકોને અમેરિકન નાગરિક ગણવામાં આવશે. તો હવે કોને નાગરિક ગણવામાં આવશે
યુ.એસ. સુપ્રીમ કોર્ટના ચૌદમા સુધારાનું અર્થઘટન હજુ પણ યથાવત છે. જોકે, ટ્રમ્પ અને તેમના સમર્થકો આના સંપૂર્ણપણે વિરોધમાં છે અને ટ્રમ્પે તેમના આદેશમાં કહ્યું હતું કે આ સુધારાનો અર્થ એ નથી કે અમેરિકામાં જન્મેલા દરેકને નાગરિકતા આપવામાં આવે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે અમેરિકામાં ગેરકાયદે રહેતા યુગલોને જન્મેલા બાળકોને આપોઆપ નાગરિકતા આપવામાં આવશે નહીં. ટ્રમ્પના આદેશથી ખાતરી થશે કે અમેરિકામાં જન્મેલા બાળકોને આપમેળે નાગરિક ગણવામાં આવશે નહીં જો તેમના માતાપિતામાંથી ઓછામાં ઓછું એક કાયદેસર યુએસ નાગરિક ન હોય, નાગરિક હોવું જરૂરી રહેશે, તો જ બાળકને આપમેળે નાગરિક ગણવામાં આવશે. કોને અસર થશે?
યુએસ સેન્સસ બ્યુરોના ડેટા અનુસાર, અમેરિકામાં રહેતા ભારતીયોની સંખ્યા લગભગ 50 લાખ છે જે ત્યાંની વસ્તીના લગભગ 1.47 ટકા છે. આમાંથી ફક્ત 34 ટકા લોકો અમેરિકામાં જન્મ્યા હતા. બાકીના બે તૃતીયાંશ લોકો ઇમિગ્રન્ટ્સ છે. અમેરિકામાં કામ કરતા મોટાભાગના ભારતીયો H1-B વિઝાના આધારે ત્યાં કામ કરી રહ્યા છે. આ દરમિયાન, ત્યાં જન્મેલા ભારતીય મૂળના બાળકો હવે આપોઆપ અમેરિકન નાગરિકતા મેળવી શકશે નહીં. ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીયોને શું અસર થશે?
ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઈ રહેલા 10 લાખથી વધુ ભારતીયો પણ આ નિર્ણયથી પ્રભાવિત થશે. ટ્રમ્પના આદેશના 30 દિવસ પૂરા થયા પછી, જે બાળક અમેરિકામાં હોય અને તેની માતા અમેરિકામાં અસ્થાયી રૂપે રહેતી હોય (જેમ કે વિઝિટર અથવા નોન-ઇમિગ્રન્ટ વિઝા પર, જેમાં H-4 અથવા વર્ક વિઝા જેવા આશ્રિત વિઝાનો સમાવેશ થાય છે) અને જે પિતા જેમની પાસે અમેરિકાની નાગરિકતા કે ગ્રીન કાર્ડ નથી, તેમને હવે આપમેળે અમેરિકાની નાગરિકતા મળશે નહીં. હજારો ભારતીય પરિવારો ચિંતામાં
રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશની અસર હજારો ભારતીયો પર પડી છે, જેઓ ટેમ્પરરી વર્ક વિઝા (H-1B અને L1), ડીપેન્ડંટ વિઝા (H4), સ્ટડી વિઝા (F1), સ્ટડી વિઝિટર વિઝા (J1) અથવા શોર્ટ ટર્મ બીઝનેસ અથવા ટુરિસ્ટ (B1 અથવા B2) વિઝા પર અમેરિકામાં છે. ભારતીય વિદ્યાર્થીઓનું શું થશે?
અમેરિકા મોટાભાગના કાર્યો માટે ભારતીયોને H-1B વિઝા આપે છે અને એવો અંદાજ છે કે અમેરિકામાં 3,00,000 ભારતીય વિદ્યાર્થીઓ છે, જે કોઈપણ વિદેશી દેશનો સૌથી મોટો સમૂહ છે. અહીં 20,000થી વધુ લોકોની સમસ્યાઓ વધી શકે છે. જો ટ્રમ્પ વહીવટીતંત્ર દેશનિકાલની પ્રક્રિયા આગળ ધપાવે છે, તો નવેમ્બર 2024 સુધીમાં 20,407 ભારતીયો પ્રભાવિત થશે જેમની પાસે કોઈ દસ્તાવેજો નથી. આ એવા ભારતીયો છે જેઓ કાં તો અંતિમ નિકાલના આદેશોનો સામનો કરી રહ્યા છે અથવા હાલમાં યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અટકાયત કેન્દ્રોમાં છે. આ ભારતીયોમાંથી 17,940 લોકો કાગળોના અભાવે અટકાયતમાં નથી પરંતુ અંતિમ નિકાલના આદેશો હેઠળ છે અને અન્ય 2,467 લોકો ICEના એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સ (ERO) હેઠળ અટકાયતમાં છે. અમેરિકામાં અટકાયત કરાયેલા લોકોમાં એશિયનો પ્રથમ ક્રમે છે. નવેમ્બર 2024 સુધીમાં, અટકાયતમાં લેવાયેલા તમામ દેશોના બિન-નાગરિકોની કુલ સંખ્યા 37,000થી વધુ થઈ ગઇ છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યામાં 5 ગણો વધારો
યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇમિગ્રેશન જજ દ્વારા દેશનિકાલનો આદેશ જારી કરવામાં આવે છે, જે અપીલ અધિકારી દ્વારા પુષ્ટિ મળ્યા પછી અંતિમ દેશનિકાલનો આદેશ બની જાય છે. ICEના 2024ના વાર્ષિક અહેવાલ મુજબ, દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યામાં ચાર વર્ષમાં પાંચ ગણો વધારો થયો છે. વર્ષ 2021માં આ સંખ્યા 292 હતી, જે 2024માં વધીને 1,529 થઈ ગઈ છે. અમેરિકામાં ત્રીજો સૌથી મોટો સમૂહ ભારતીય પ્યુ રિસર્ચના અહેવાલ મુજબ, મેક્સિકન અને અલ સાલ્વાડોર પછી, ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર (બિનદસ્તાવેજીકૃત) ઇમિગ્રન્ટ્સનો ત્રીજો સૌથી મોટો સમૂહ છે. આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાંથી લગભગ અડધા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વર્તમાન અધિકૃતતાઓ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે અથવા કામ કરે છે. આ અધિકૃતતાઓ તેમને દેશમાં રહેવાની ઇમ્યુનિટી પૂરી પાડે છે, જે ટ્રમ્પના પુરોગામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. અનધિકૃત ઇમિગ્રન્ટ્સ ફ્લોરિડા, ટેક્સાસ, ન્યુયોર્ક અને ન્યુજર્સી જેવા રાજ્યોને પોતાનું ઘર માને છે, જેમાં સૌથી વધુ ઇમિગ્રન્ટ્સ (4,00,000) ફ્લોરિડાથી આવે છે. ટ્રમ્પે વારંવાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા 20 મિલિયનથી 25 મિલિયનની વચ્ચે જણાવી છે અને તેને આક્રમણ તરીકે વર્ણવ્યું છે. ટ્રમ્પે વચન આપ્યું છે કે પહેલા એવા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે જેમના પર ગુનાનો આરોપ છે અથવા દોષિત ઠેરવવામાં આવ્યા છે, જે લગભગ 6,55,000 છે, અને પછી 1.4 મિલિયન એવા લોકોને પકડવાનું કામ કરશે જેમને કાનૂની રીતે દેશનિકાલના આદેશો આપવામાં આવ્યા છે. તેમાંથી ફક્ત 40,000 જ કસ્ટડીમાં છે. ભારતીય-અમેરિકન સાંસદે નારાજગી વ્યક્ત કરી
ટ્રમ્પના આ આદેશ પછી, ભારતીય-અમેરિકન સાંસદોએ તેનો સખત વિરોધ કર્યો. આ મામલે ભારતીય-અમેરિકન સાંસદ રો ખન્નાએ કહ્યું કે આ આદેશ ફક્ત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકોને જ નહીં, પરંતુ H-1B વિઝા પર અમેરિકામાં કાયદેસર રીતે રહેતા લોકોને પણ અસર કરશે. ખન્નાએ એમ પણ કહ્યું કે ટ્રમ્પનો આદેશ માત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકો માટે જ નહીં, પરંતુ અમેરિકામાં અસ્થાયી રૂપે રહેતા કાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે પણ જન્મજાત નાગરિકતાનો અધિકાર સમાપ્ત કરે છે. નોંધનીય છે કે H-1B વિઝા એવા વિદેશી કર્મચારીઓને આપવામાં આવે છે જેઓ ટેકનિકલ અથવા ખાસ વ્યાવસાયિક કામ માટે અમેરિકા આવે છે અને દર વર્ષે ભારત જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લે છે. ભારતીય સાંસદોએ તેને ગેરબંધારણીય ગણાવ્યું
આ મામલે ભારતીય-અમેરિકન સાંસદ શ્રી થાનેદારે જણાવ્યું હતું કે જન્મજાત નાગરિકતા એ અમેરિકાનો કાયદો છે અને તેઓ તેને સુરક્ષિત રાખવા માટે દરેક કિંમતે લડશે. પ્રમિલા જયપાલે તેને ગેરબંધારણીય ગણાવી કહ્યું કે રાષ્ટ્રપતિ તેને એક આદેશથી બદલી શકતા નથી. આ સાથે, ઇમિગ્રેશન અધિકાર જૂથોએ તેને કોર્ટમાં પડકારવાની વાત કરી છે, કારણ કે તેઓ કહે છે કે આ આદેશ ગેરબંધારણીય છે. ન્યુ જર્સીના એટર્ની જનરલે ટ્રમ્પના નિર્ણયને પડકાર્યો
આ કેસમાં 22 રાજ્યોના એટર્ની જનરલે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ રાજ્યો કહે છે કે 14મા સંશોધન હેઠળ જન્મજાત નાગરિકતા આપોઆપ પ્રાપ્ત થઈ ગઈ છે અને રાષ્ટ્રપતિ કે કોંગ્રેસ પાસે તેને બદલવાની સત્તા નથી. આ આદેશ બંધારણનું ઉલ્લંઘન- એટર્ની જનરલ
આ કેસમાં, ન્યુ જર્સીના એટર્ની જનરલ મેથ્યુ પ્લેટકિન અને કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ પણ કહ્યું હતું કે આ આદેશ બંધારણનું ઉલ્લંઘન કરે છે. ડેમોક્રેટિક પાર્ટીના અજય ભૂટોરિયાએ પણ કહ્યું કે આ આદેશ ગેરબંધારણીય છે અને તે અમેરિકાના મૂળભૂત મૂલ્યોને નબળા પાડે છે. ટ્રમ્પે સરહદ પર કાર્યવાહી શરૂ કરી ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના થોડા સમય પછી, યુએસ સરહદ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ વિદાયમાન રાષ્ટ્રપતિ જો બાઇડનનો સીબીપી વન એન્ટ્રી પ્રોગ્રામ બંધ કરી દીધો છે. તે એક મોબાઇલ એપ્લિકેશન તરીકે કામ કરતો હતો, જેના દ્વારા લાખો ઇમિગ્રન્ટ્સ એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરીને કાયદેસર રીતે યુએસમાં પ્રવેશી શકતા હતા. અહેવાલો અનુસાર, હાલની નિમણૂકો રદ કરવામાં આવી છે, જેના કારણે સ્થળાંતર કરનારાઓને અસુવિધા થઈ રહી છે. તો આવો હવે એ જાણીએ કે અમેરિકન સરકારના આ નિર્ણય અંગે ભારત સરકારનું શું સ્ટેન્ડ છે? ભારત સરકાર અમેરિકાનો સહયોગ કરશે
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ, ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને તેમના દેશમાં પાછા મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભારત સરકારે સંકેત આપ્યો છે કે તે તેના તમામ નાગરિકોની ઓળખ કરીને તેમને પાછા લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે મળીને કામ કરશે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. આ બાબતથી વાકેફ લોકોના જણાવ્યા અનુસાર, અમેરિકામાં લગભગ 18,000 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં આવી છે જેમને ઘરે પાછા મોકલવાના છે. ટ્રમ્પે પોતાના કાર્યકાળના પહેલા દિવસે જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી સામૂહિક દેશનિકાલ માટેનો આધાર તૈયાર થયો. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત મોકલવા માટે ચકાસણી કરશે અને પ્રક્રિયા શરૂ કરશે. નામ ન આપવાની શરતે લોકોએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા આનાથી ઘણી વધારે હોઈ શકે છે, કારણ કે તે સ્પષ્ટ નથી કે અમેરિકામાં કેટલા ભારતીય ઇમિગ્રન્ટ્સ ગેરકાયદેસર રીતે રહે છે. પશ્ચિમ ભારતના યુવાનો ખાસ કરીને ગુજરાત અને પંજાબના યુવાનો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવામાં મોખરે છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે ટ્રમ્પની લાલ આંખ
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં ઇમિગ્રેશનને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. શપથગ્રહણના કલાકોમાં જ નવા રાષ્ટ્રપતિએ તે વચન પૂર્ણ કરવા માટે પગલાં લીધાં હતા. ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા જન્મથી મળતી અમેરિકન નાગરિકતા સમાપ્ત કરવાનો અને યુએસ-મેક્સિકો સરહદ પર સૈનિકો તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પના આગમન પછી ભારતે સહકાર આપવાનું વલણ બતાવવાનો પ્રયાસ કર્યો છે. બદલામાં ભારતને શું મળશે?
સહયોગના બદલામાં, ભારતને આશા છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતીય નાગરિકો યુએસમાં પ્રવેશવા માટે ઉપયોગમાં લેતા કાનૂની પગલાં, જેમ કે સ્ટુડન્ટ વિઝા અને H-1B વિઝા કાર્યક્રમનું રક્ષણ કરશે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે ‘પ્રવાસ અને ગતિશીલતા પર ભારત-અમેરિકા સહયોગના ભાગ રૂપે, બંને પક્ષો ગેરકાયદેસર પ્રવાસને રોકવાની પ્રક્રિયામાં રોકાયેલા છે. ભારતમાંથી અમેરિકામાં કાયદેસર પ્રવાસ માટે વધુ રસ્તા બનાવવા માટે આ કરવામાં આવી રહ્યું છે. તેમણે ઓક્ટોબરમાં થયેલા સ્વદેશ પરત લાવવાના કાર્યનો ઉલ્લેખ કરતા કહ્યું, “તાજેતરમાં ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અમેરિકાથી ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા તે આ સહયોગનું પરિણામ છે.” અમેરિકામાં ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ
યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024માં યુએસ બોર્ડર પેટ્રોલ અધિકારીઓ દ્વારા સામનો કરાયેલા તમામ ગેરકાયદેસર ક્રોસિંગમાં ભારતીય નાગરિકોનો હિસ્સો લગભગ 3 ટકા હતો. મેક્સિકો, વેનેઝુએલા અને ગ્વાટેમાલા જેવા લેટિન અમેરિકન દેશોનો હિસ્સો ઘણો વધારે છે. જોકે, તાજેતરના વર્ષોમાં ગેરકાયદેસર ભારતીય સ્થળાંતર કરનારાઓની સંખ્યા અને હિસ્સો વધી રહ્યો છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સની કુલ સંખ્યા ચોક્કસ નથી, પરંતુ ગયા વર્ષે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે 2022 સુધીમાં અમેરિકામાં લગભગ 2,20,000 અનધિકૃત ભારતીય ઇમિગ્રન્ટ્સ રહી રહ્યા છે. કેટલા ભારતીયોએ અમેરિકામાં આશ્રય માગ્યો છે 2024માં 67,391 ભારતીય નાગરિકોએ ગેરકાયદે અમેરિકાની સરહદમાં ઘૂસણખોરી કરી હતી. જેમની અરજીઓ પરના નિર્ણય હજુ પેન્ડિંગ છે જે થોડા મહિના પછી જાહેર થશે. અસાઈલમ એક્ટ હેઠળની કાર્યવાહી
હાલમાં અમેરિકન સરકારે જાહેર કરેલા આંકડા મુજબ 2023માં 41,330 ભારતીય નાગરિકોમાંથી 5340ને અસાઈલમ એટલે કે આશ્રય આપ્યો છે. જેમાંથી 35,990 નાગરિકોને ભારત પરત ફરવાનો આદેશ આપ્યો છે. છેલ્લા ઘણાં સમયથી અમેરિકામાં ઈમિગ્રેશન પોલીસીના કડક થવા સાથે ગેરકાયદે ઘૂસણખોરી માટે ત્યાંનો જનાક્રોશ વિશેષ હોવાથી સરકારે અમેરિકાનું સપનું જોતા ગેરકાયદે ઘૂસણખોરોને ટાર્ગેટ કર્યા છે. વર્ષ 2021માં આ પ્રકારના ગેરકાયદે રીતે આવેલા 4330 ભારતીય નાગરિકોએ અમેરિકાના આશ્રય માટે અરજી કરી હતી. જેમાંથી 1330ની અરજીને માન્ય રાખીને અમેરિકામાં રહેવાની અનુમતી આપવામાં આવી હતી. વર્ષ 2022માં આ આંકડો ત્રણ ગણો થયો હતો. જેમાં 14,570 ગેરકાયદે રીતે ઘૂસેલા ભારતીય નાગરિકોએ અસાઈલમ માટે અરજી કરી હતી. જેમાંથી 4260ને માન્યતા મળી હતી. ત્રણ વર્ષ પહેલાં અરજી કરનારાઓની સંખ્યા માત્ર 4330 હતી. જે ત્રણ વર્ષ બાદ આઠ ગણી વધી ગઈ છે. 4330માંથી આશ્રય સ્થાન માટે એપ્લાય કરનારા સીધા 41,330 પહોંચી ગયા છે. જેની સામે અમેરિકન સરકારે ત્રણ વર્ષ પહેલા 25 ટકા નાગરિકોને માન્યતા આપી હતી જેની સામે હાલમાં ફક્ત 13 ટકા નાગરીકોને માન્યતા આપી છે. આમ ધીમે ધીમે અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા નાગરિકોની આશ્રય સ્થાન માટેની સંખ્યા વધી રહી છે. ત્રણ વર્ષ પહેલા જે સંખ્યા હતી તેના કરતાં 2022માં ત્રણ ગણી વધી હતી અને 2025માં તે દસ ગણી વધવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં છેલ્લી સુનાવણી સુધી અમેરિકન સરકારે કુલ 54,350 ગેરકાયદે રીતે રહેતા નાગરિકોને અસાઈલમના કાયદા હેઠળ અમેરિકામાં રહેવાની માન્યતા આપી છે જેમાંથી ગુજરાતના 5430 નાગરિકોને માન્યતા મળી છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે હજારોની સંખ્યામાં ગુજરાતીઓ વિદેશ જવાની ઘેલછામાં અમેરિકાની કેનેડા અને મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરે છે. ઘણાં પરિવારો સાથે ઘૂસણખોરી કરતાં પકડાઈ પણ જાય છે અને જીવ પણ ગુમાવે છે. ડિંગુચા ગામના જગદિશ પટેલનો પરિવારની ઘટના સર્વ વિદિત છે ત્યારે અમેરિકા અને કેનેડાની સરકારોએ ભારતીયો દ્વારા થતી ક્રોસ બોર્ડર ઘૂસણખોરી સામે લાલ આંખ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments