અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા પર ભારતીયોને મોટી રાહત આપતાં કહ્યું કે વિઝા બંધ નહીં થાય. અમેરિકાને ટેલેન્ટની જરૂર છે. અમારે માત્ર એન્જિનિયર નથી જોઈતા. અન્ય જોબ્સ માટે પણ બેસ્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે. જે અમેરિકાને ટ્રેનિંગ પણ આપશે. એચ-1બી પર છેડાયેલા વિવાદ પર પૂછાયેલા સવાલમાં કહ્યું કે હું પક્ષ-વિપક્ષની દલીલો સાથે સંમત છું, પરંતુ હાલમાં અમેરિકાને જે ટેલેન્ટની જરૂર છે તે ફક્ત આ વિઝા પ્રોગ્રામ દ્વારા જ મેળવી શકાય છે. અમેરિકામાં આ હાઈસ્કિલ વિઝા પ્રાપ્ત કરનારાઓમાં ભારતીયો મોખરે છે. 2024માં જારી કુલ 2 લાખ 80 હજાર એચ-1બી વિઝામાંથી લગભગ ભારતીયોને 2 લાખ વિઝા મળ્યા હતા. ગત દિવસોમાં ટ્રમ્પના એઆઈ સલાહકાર શ્રીરામકૃષ્ણનને આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિવેક રામાસ્વામીએ પણ ભારતીયોને વધુમાં વધુ એચ-1બી વિઝા મળે તેવી સલાહ આપી હતી. કટ્ટરપંથી જૂથ માગા (મેક અમેરિકા ગ્રેટ અગેઇન)એ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ ટેસ્લાના સીઈઓ મસ્કે ભારતીયો માટે એચ-1બી વિઝાને ટેકો આપ્યો હતો. વોશિંગ્ટનમાં આવતા મહિને મોદી-ટ્રમ્પની મુલાકાત સંભવ, તૈયારી તેજ
આવતા મહિને વોશિંગ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ તેને લઈ ભારત અને અમેરિકાના રાજદ્વારીઓએ દ્વિપક્ષી મુલાકાતની તૈયારી તેજ કરી દીધી છે. બેઠકના તબક્કા શરૂ થઈ ગયા છે. એજન્ડામાં વિઝા અને રોકાણ મુખ્ય: ભારત તરફથી એચ-1બી સહિત વર્ક વિઝાનો મુદ્દો એજન્ડામાં પ્રમુખ રહેશે. જ્યારે અમેરિકા તરફથી ચીન પર વધતા દબાણ બાદ ભારતમાં રોકાણની શક્યતાઓ જોવામાં આવી રહી છે. વિદેશમંત્રી જયશંકર અને રુબિયોની બેઠક રોકાણ અને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર ચર્ચા
વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. રુબિયોએ કહ્યું કે અમે ભારત સાથે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના પક્ષમાં છીએ. તેમણે ભારતમાંથી અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની વધતી ઘૂસણખોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો. નોંધનીય છે કે પદ સંભાળ્યા પછી વિદેશમંત્રી માર્કો રુબિયોની કોઈ પણ વિદેશમંત્રી સાથેની આ પ્રથમ મુલાકાત હતી. 18 હજાર ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની હકાલપટ્ટી: એક રિપોર્ટ મુજબ અમેરિકામાંથી 18 હજાર ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની હકાલપટ્ટી કરવામાં આવશે. ટ્રમ્પનું મેરિટ મોડલ: દોઢ લાખ ડીઈઆઈ કર્મીઓની છુટ્ટી, ઓફિસ બંધ
ટ્રમ્પે બુધવારથી 1.5 લાખ ડીઈઆઈ કર્મચારીઓને રજા પર મોકલી દીધા છે. તમામ ફેડરલ ડીઈઆઈ ઓફિસો બંધ કરાઈ છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિના લેવિટે જણાવ્યું હતું કે 31 જાન્યુઆરી સુધીમાં તમામ વિભાગો પાસેથી ડીઈઆઈનો રિપોર્ટ મેળવાશે. ભરતી હવે ફક્ત યોગ્યતાના આધારે થશે. 18 લાખ ફેડરલ કર્મચારીઓ છે. અમેરિકામાં ડીઈઆઈ (ડાઈવર્સિટી, ઇક્વિટી, ઇન્ક્લુઝન) કાર્યક્રમ હેઠળ અશ્વેત, મહિલાઓ, ટ્રાન્સજેન્ડર અને અન્ય વંચિત વર્ગોને ક્વોટા પર નોકરીઓ આપવામાં આવે છે.