આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વનું સૌથી પ્રખ્યાત એવું કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક લાખથી વધુ લોકો ભાગ લેવાના છે. કોલ્ડપ્લે કોન્સર્ટના પગલે આગ-અકસ્માતની ઘટનાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગની ટીમ ઉપરાંત કોલ્ડપ્લેની અલગથી એક ફાયર સેફ્ટીની ટીમ સમગ્ર સ્ટેડિયમમાં તહેનાત કરવામાં આવી છે. કોલ્ડપ્લેની ટીમ પાસેના 75 જેટલા ફાયર માર્શલ જે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફરજ બજાવશે. સમગ્ર કાર્યક્રમમાં ફાયર સેફ્ટીને લઈને કોલ્ડપ્લેના આયોજકો દ્વારા જ પોતાની અલગથી ફાયર ટીમ રાખવામાં આવી છે. આ કોન્સર્ટ દરમિયાન જો આગ કે અકસ્માતની ઘટના સર્જાય તો તેને પહોંચી વળવા માટે ખાસ કોડ રાખવામાં આવ્યાં છે. જો આગ લાગે તો ‘code red’ એક્ટિવ થશે. જ્યારે આખું સ્ટેડિયમ ખાલી કરવાની ફરજ પડે તો ‘walk don’t run’ કોડનો ઉપયોગ કરવામાં આવશે. કોલ્ડપ્લેની ટીમ દ્વારા નાનામાં નાની ફાયર સેફ્ટીને લગતી માહિતી AMCને આપવામાં આવી છે. એક્ઝિટ ગેટ સહિતની તમામ વ્યવસ્થા ગોઠવી દેવાઈ
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ વિશ્વના સૌથી પ્રખ્યાત બેન્ડ એવા કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્સર્ટમાં તમામ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ લગાવવામાં આવી છે. ઈલેક્ટ્રીક ટેમ્પર આખું આયોજન થયું હોય, ત્યારે કોઈ આગ અકસ્માતની ઘટના બને તો પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ અને કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકો દ્વારા તૈયારીના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાયર સિસ્ટમની પૂરતી સુવિધા છે. જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે તાત્કાલિક બહાર નીકળવા માટે એક્ઝિટ ગેટ સહિતની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયરોની ટીમ પણ હાજર હશે
આગામી કોન્સર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ ઉપરાંત કોલ્ડપ્લેની અલગથી એક ફાયર ટીમ સાથે રાખવામાં આવી છે, જેમાં 75 જેટલા ફાયર માર્શલ રાખવામાં આવ્યા છે. તમામ ફાયર માર્શલ દ્વારા ફાયરનો કોર્સ કરવામાં આવેલો છે. આ ટીમ તમામ પ્રકારની આગ-અકસ્માતની ઘટનાઓને પહોંચી વળવા માટે સજ્જ હોય છે. ઇલેક્ટ્રિકલ સિસ્ટમને લઈને પણ અલગથી એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયરોની ટીમ ત્યાં રાખવામાં આવે છે. આગને ફેલાતા અટકાવવા સ્પ્રે લગાવેલા પડદા લગાવાશે
આ સાથે સ્ટેજ ઉપર જે આખું કાળા કલરના પડદાઓ લગાવવામાં આવે છે, તેમાં આગ ન લાગે તેના માટે અલગથી એક સ્પ્રે લગાવવામાં આવે છે. જે સ્પ્રેથી આગ ઝડપથી પ્રસરતી નથી. તમામ પ્રકારની ફાયર સેફટીની સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. મ્યુનિ.ના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ અને 50 ફાયર જવાનો સહિતની પાંચથી વધુ ગાડીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંદોબસ્ત માટે રાખવામાં આવી છે. દુર્ઘટના સમયે પહોંચી વળવા વિવિધ કોડોન ઉપયોગ
કોલ્ડપ્લે કોન્સર્ટમાં જ્યારે ઇમરજન્સી અને આગ લાગવાની ઘટના બને તો લોકોને કેવી રીતે બહાર કાઢવા તેના માટે અલગ-અલગ કોડ રાખવામાં આવ્યો છે. જ્યારે કોઈ બોમ્બની ધમકી, સ્ટેજ પડવાની ઘટના, આગ અથવા તો બચાવની જરૂર પડે ત્યારે ‘યલો કોડ’ રાખવામાં આવ્યો છે. જ્યારે આગની ઘટના માટે ‘રેડ કોડ’ રાખવામાં આવ્યો છે. મેડિકલ ઈમરજન્સી ઉભી થાય તેના માટે ‘બ્લ્યુ કોડ’ રખાયો છે. સુરક્ષાનો સવાલ ઉભો થાય ત્યારે તેના માટે ‘બ્લેક કોડ’ રાખવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ગેટની બહાર, સ્ટેજની પાછળ, સ્ટેડિયમમાં વચ્ચેના ભાગે ફાયર માર્શલ મૂકવામાં આવશે. બપોરે 12.30થી જનપથ ટી-મોટેરા સુધીનો તથા કૃપા રેસિડેન્સીથી મોટેરા સુધીનો રોડ બંધ પોતાનું વાહન લઈને આવતા હોય તો કઈ રીતે પહોંચવું?
25 અને 26 જાન્યુઆરીના દિવસે બપોરના 12.30 વાગ્યાથી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો આવતો- જતો માર્ગ વાહન વ્યવહારોની અવર-જવર માટે બંધ કરવામાં આવશે. જ્યાં સુધી કોન્સર્ટ પૂરો ના થાય ત્યાં સુધી આ રસ્તો વાહનોની અવરજવર માટે પ્રતિબંધ રહેશે. જેથી વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. કૃપા રેસિડેન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે. પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતની રહેશે
સ્ટેડિયમથી 2.5 કિલોમીટર સુધીમાં કુલ 14 પ્રાઈવેટ પાર્કિંગ ઊભા કરાયા છે. જે મોબાઈલ એપ્લિકેશનની મદદથી વાહન પાર્ક કરી શકશે. આ 14 પાર્કિંગ પ્લોટ પૈકી સ્ટેડિયમની અંદર બે પાર્કિંગ પ્લોટ વીઆઈપી તથા વીવીઆઈપી માટે રખાયા છે. જ્યારે બાકીના 12 પેક્ષકો માટે રખાયા છે. 14 પ્લોટમાં 16 હજાર વાહનની કેપેસિટી. સ્ટેડિમ પહોંચવા મેટ્રો સૌથી સારો વિકલ્પ
શહેરના કોઈ પણ મેટ્રો સ્ટેશનેથી મેટેરા મેટ્રો સુધી પહોંચી શકે છે. જેથી બહારથી આવતા લોકો માટે મેટ્રો ઉત્તમ વિકલ્પ રહેશે. મોટેરા મેટ્રો સ્ટેશન સ્ટેડિયમના ગેટ નંબર 1થી 300 મિટર દૂર છે. જેથી મેટ્રોમાં આવતા લોકો મોટેરા મેટ્રે સ્ટેશન ઉતરીને ભીડના કારણે 300 મિટર 10 મિનિટમાં ચાલીને ગેટ સુધી પહોંચી શકશે. મેટ્રોની ટિકીટ અમદાવાદ મેટ્રોની એપ્લિકેશન પરથી ઓનલાઈન પણ બુક કરાવી શકાય છે. દર 7 મિનિટે મેટ્રો મળશે. ગુરુવારે મેટ્રો પ્લાન જાહેર કરશે. 270 કેમેરાથી પોલીસ લોકો પર નજર રાખશે, 2 મિની હોસ્પિટલ ઊભી કરાઈ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાની છે. બે દિવસના આ કોન્સર્ટમાં બે લાખથી વધુ લોકો આવવાના છે. જેના પગલે શહેર પોલીસે સુરક્ષાનો એકશન પ્લાન તૈયાર કરી દીધો છે. 14 ડીસીપી, 25 એસીપી, 63 પીઆઈ, 142 પીએસઆઈ તથા 3581 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 3825 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. સાથે જ એનએસજી કમાન્ડોની ટીમ પણ તૈનાત રહેશે. જેમાં સ્ટેડિયમની બહારથી લઈને અંદર સુધીની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેડિકલના 11 ડોમ, 7 એમ્બ્યુલન્સ, 2 મિનિ હોસ્પિટલ (3 બેડવાળી), 6 ઈન્ફર્મેશન ડેસ્ક હશે. આ કોન્સર્ટમાં 5 વર્ષથી નાના બાળકોને પ્રવેશ એન્ટ્રી નહીં મળે. સાથે જ પ્રેક્ષકોને ઈયર પ્લગ અપાશે. સ્ટેડિયમની અંદર લાખની સંખ્યામાં દર્શકો હોવાથી તેમની ગતિવિધિ પર પણ પોલીસની નજર રહેશે. જેના માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવાયો છે. સ્ટેડિયમની અંદર લાગેલા 270 કેમેરાનું સતત મોનિટરિંગ કરવા માટે એક સ્પેશિયલ ટીમ પણ બનાવાઈ છે. જે ટીમ દ્વારા મોનિટરિંગ કરશે અને જો કોઈ શંકાસ્પદ લાગશે તો તાત્કાલિક નજીકના લોકેશનમાં રહેલા પોલીસકર્મીને તેની જાણ કરવામાં આવશે. કોન્સર્ટમાં આવનારા દર્શકોએ પોતાની પાસે પર્સ કે મેડિકલની વસ્તુઓ અંદર લઈ જઈ શકશે. આ કોન્સર્ટ સાંજે 5.15 થી ચાલુ થશે અને 10 વાગે પૂર્ણ થશે. જેના કારણે પ્રેક્ષકોને 2 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. પ્રેક્ષકો સ્ટેડીયમમાં પ્રવેશ કરે તે પહેલા ગેટ પર ફિઝિકલ ચેકિંગ, પર્સ, બેગનું ચેકીંગ થશે. જે બાદ અંદર જતા મેટલ ડિટેક્ટરથી તપાસ કરવામાં આવશે.