રાજકોટ શહેરમાં આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્રને લગતા પાણીના પ્રશ્નો અંગે ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં ખાસ બજેટ સત્ર શરૂ થશે તો ક્યાં ક્યાં કામોને બજેટમાં આવરી શકાય તે માટે સમીક્ષા કરી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી વિધાનસભામાં વિગતવાર ચર્ચા કરી જરૂરિયાત જણાય તો બજેટમાં આવરી લઇ કામગીરી આગળ વધારવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. હાલમાં શિયાળુ પાકને લઇ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને શિયાળુ પાક માટે કોઈ મુશ્કેલી ન હોવાનું અને જ્યાં જરૂરિયાત જણાશે અને જ્યાંથી માગ આવશે ત્યાં પાણી પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું હોવાનો દાવો મંત્રી બાવળીયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આજરોજ રાજકોટ ખાતે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે એક રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌની યોજનાને લઈ લિંક 1 અને લિંક 3 તેમજ 4ને લગતી બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં જ્યા જ્યાં જરૂરી છે ત્યાં પાણી પહોંચાડવા માટે આજની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ્યાં-જ્યાં ખેડૂતોની માંગણી આવે ત્યાં તળાવોને જોડવા અને પાણી પહોંચાડવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઇ યોજનાઓ, અન્ય નવીનીકરણ અને રીપેરીંગ સહિતના મુદ્દે અધિકારીઓ અને ઇજનેરોને સાથે રાખી વિગતો પણ મેળવી છે. પાણીની કોઈપણ મુશ્કેલી હોય તો તેને તાત્કાલિક ધોરણે નિવારવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. શિયાળુ પાક લેવામાં સમસ્યા ન સર્જાય તે પ્રકારનું આયોજન
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ નર્મદાનાં પાણી થકી શિયાળા પૂરતી સિંચાઇ માટે વ્યવસ્થા છે અને તે આપવામાં આવશે. ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે કોઈ સમસ્યા ન થાય એ માટે આયોજન કરવામાં આવ્યું છે. મોટાભાગના તળાવોમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી ખેડૂતોને કોઈ મુશ્કેલીઓ પડે તેમ નથી છતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું છે. જેથી શિયાળુ પાક લેવા માટે ખેડૂતોને પાણીની મુશ્કેલી થશે નહીં. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોઈ જગ્યાએ નવા ચેકડેમ રીનોવેશન કરવાના હોય, કોઈ જગ્યાએ તળાવ ઊંડા કરવાના હોય કે અન્ય કોઈ નાના-મોટા કામો કરવાના હોય કે જેનાથી સૌરાષ્ટ્રની જનતાના પાણીની સમસ્યા હલ કરી શકાય તે બાબતે સર્વે તેમજ ચર્ચા કરી જરૂર જણાય તો આગામી દિવસોમાં આવતા ગુજરાતના બજેટમાં તેને આવરી લઇ સૌરાષ્ટ્રની સિંચાઈ વ્યવસ્થા વધુ સારી બનાવવા પ્રયત્નો કરી તેને બજેટમાં સમાવેશ કરવામાં આવશે. સિંચાઇ વ્યવસ્થા સારી કરી બજેટમાં આવરી લેવાશે
ઉલ્લેખનીય છે કે, રાજકોટના જસવંતપુરા ગામના તળાવ અંગે જણાવ્યું હતું કે, આ અંગે લોધિકા તાલુકાના અમુક ખેડૂતો દ્વારા મને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં તળાવ ગ્રામ પંચાયત હસ્તક છે કે સરકાર હસ્તક છે તે અંગે રેકોર્ડ ચકાસવામાં આવશે. ત્યારબાદ તેમાં જો આ તળાવ અમારા સિંચાઇ વિભાગ હસ્તક હશે તો અમે જરૂરી પગલા લેશું. એટલું જ નહીં અન્ય વિભાગ અંગે જો કલેક્ટર તંત્રની ભૂલ હોવાનું સામે આવશે તો સુધારવા માટેના પગલાં પણ લેવામાં આવશે. પાણી માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય જરૂર કરશે.