ભારતીય ક્રિકેટને ટેલેન્ટનું હબ માનવામાં આવે છે. અહીં ડોમેસ્ટિક હોય કે ઈન્ટરનેશનલ, યુવા ખેલાડીઓ પરફોર્મ કરે, ત્યારે બધા તેને લાંબી રેસનો ઘોડો માનવા લાગે છે. તેમાં ગુજરાતના ખેલાડીઓ પણ બાકાત નથી. ઉદાહરણ…જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને ચેતેશ્વર પૂજારા. હાલમાં રણજી ટ્રોફીનો બીજો ફેઝ આજથી શરૂ થયો છે. જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશન તરફથી રમતા લેફ્ટ આર્મ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ જબરદસ્ત પ્રદર્શન કરીને સૌને ચોંકાવી દીધા છે. સિદ્ધાર્થે ઉત્તરાખંડ સામે રણજી ટ્રોફીના છઠ્ઠા રાઉન્ડમાં એક જ ઇનિંગમાં 9 વિકેટ લીધી હતી. અમદાવાદના ગુજરાત કોલેજમાં રમાઈ રહેલી મેચમાં એક ઇનિંગમાં 9 વિકેટ લઈને ખળભળાટ મચાવનાર સિદ્ધાર્થ દેસાઈ ગુજરાત માટે શ્રેષ્ઠ બોલર બન્યો છે. જો તેણે ઉત્તરાખંડના હર્ષ પટવાલની એક વિકેટ લીધી હોત, તો સિદ્ધાર્થએ એક ઇનિંગમાં બધી 10 વિકેટ લીધી હોત. સિદ્ધાર્થ દેસાઈની 9 વિકેટ, ઉત્તરાખંડ 111 રનમાં ખખડી ગયું
સિદ્ધાર્થ દેસાઈની ઘાતક બોલિંગને કારણે ગુજરાતની ટીમે મેચના પહેલા દિવસે ઉત્તરાખંડને 111 રનમાં ઓલઆઉટ કરી દીધું. સિદ્ધાર્થ દેસાઈએ આશિષ જૈદીના 9/45 ના આંકડાને પાછળ છોડીને ભારતની ડોમેસ્ટિક રેડ-બોલ ટુર્નામેન્ટમાં ત્રીજું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું. ઉત્તરાખંડે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ આ નિર્ણય તેમના માટે ઘાતક સાબિત થયો. સિદ્ધાર્થ દેસાઈએ પહેલી વિકેટ લીધા પછી પણ વિકેટોનો પ્રવાહ અટક્યો નહીં. ઉત્તરાખંડ માટે, ફક્ત અવનીશ સુધા અને શાશ્વત ડાંગવાલ જ 30નો આંકડો પાર કરી શક્યા અને ઉત્તરાખંડનો સ્કોર 100થી વધુ લઈ ગયા. સિદ્ધાર્થ મેચમાં સતત વિકેટ લેતા રહ્યો અને અંશુલ કંબોજના રેકોર્ડની બરાબરી કરવાની નજીક પહોંચી ગયો. જોકે, વિશાલ જયવાલે છેલ્લા બેટર હર્ષ પટવાલને આઉટ કરીને ઉત્તરાખંડને 111 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ રીતે સિદ્ધાર્થ દેસાઈ અંશુલના રેકોર્ડની બરાબરી કરવામાં ચૂકી ગયો હતો. ગુજરાત માટે શ્રેષ્ઠ પ્રદર્શન
સિદ્ધાર્થ દેસાઈ હવે ગુજરાત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બોલર બની ગયો છે. તેણે ગુજરાતના બોલરોમાં રાકેશ ધ્રુવનો પાછલો રેકોર્ડ તોડ્યો. તમને જણાવી દઈએ કે 2012માં ધ્રુવે રાજસ્થાન સામે 31 રન આપીને 8 વિકેટ લીધી હતી. રણજી ટ્રોફીના ઇતિહાસમાં, ફક્ત હરિયાણાના અંશુલ કંબોજ (10/49 Vs કેરળ, 2024) અને મુંબઈના અંકિત ચવ્હાણ (9/23 Vs પંજાબ, 2012)એ સિદ્ધાર્થ દેસાઈ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. સિદ્ધાર્થ દેસાઈની કારકિર્દી
સિદ્ધાર્થે અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં 36 ફર્સ્ટ ક્લાસ અને 20 લિસ્ટ A મેચ રમી છે. 48 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં બોલિંગ કરીને, તેણે 26.26 ની સરેરાશથી 159 વિકેટ લીધી છે. આ ઉપરાંત, 20 લિસ્ટ-A ઇનિંગ્સમાં, સિદ્ધાર્થે 31.60 ની સરેરાશથી 25 વિકેટ લીધી. બેટિંગ કરતી વખતે, તેણે ફર્સ્ટ ક્લાસમાં 410 રન અને લિસ્ટ Aમાં 10 રન બનાવ્યા.