તમને ફ્રીમાં પ્રાયમરી એકાઉન્ટ ખોલી આપવામાં આવશે અને પ્રાયમરી એકાઉન્ટ દ્વારા મહિનામાં 300 ટકા જેટલું રિટર્ન આપીશું એમ કહી કતારગામમાં રહેતા MScના વિદ્યાર્થીને શેર બજારમાં રોકાણ કરાવી ઠગ ટોળકીએ 50.08 લાખની રકમ પડાવી છે. વિદ્યાર્થીએ લાખોની રકમ પિતા, ભાઈ અને કાકા પાસેથી લઈને શેર માર્કેટમાં રોકી હતી. મળતી વિગતો અનુસાર, કતારગામ રહેતા ધાર્મિક જીકાદરાએ સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. વધુમાં 20 વર્ષીય ધાર્મિકે ઈન્સ્ટાગ્રામ પર ડિસેમ્બર 2023માં ઓનલાઇન રોકાણ કરવા માટેની જાહેરાત જોઇ હતી, જેમાં શેર માર્કેટમાં રોકાણ કરવાથી એક મહિનામાં 30 ટકા જેટલો પ્રોફિટ થશે એવું કહેવામાં આવ્યું હતું. ધાર્મિકે લિંક પર ક્લિક કરતાં વોટસએપ ગ્રુપ ઓપન થયું હતું. આ ગ્રુપમાં એડમિન તરીકે કોઈ આશિષ શાહનું નામ આવતું હતું. ત્યાર બાદ આશિષ શાહ દલાલ સ્ટ્રીટ ટ્રેડિંગ ચેમ્પિયન વોટસએપ ગ્રુપમાં શેર ખરીદી-વેચાણ માટે વાત થતી હતી. એટલું જ નહીં, આ ઠગ ટોળકી કોઈને પ્રોફિટ થયો હોય તો તેના સ્ક્રીન શોટ સાથેની માહિતી ધાર્મિકને મોકલી આપતા અને ટિપ્સ આપવામાં આવતી હતી. ધાર્મિકને વોટસએપ પર ગુગલ ફોર્મની લિંક મોકલી હતી, જેમાં જણાવાયું હતું કે, આ પ્રોજેકટ માટે તમારું કેપિટલ કેટલું રહેશે, એમ કહી ગુગલ ફોર્મમાં ધાર્મિકે જરૂરી માહિતી ભરી કેપિટલમાં 1 લાખ ભરીને સબમિટ કરી હતી. ત્યાર બાદ એક લિંકના આધારે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. 300 ટકાના પ્રોજેકટના પહેલા સ્ટોક આપવા ઠગે રિચાર્જ માટે રૂપિયા ડિપોઝિટ કરવા કહ્યું હતું. આથી ધાર્મિકે શરૂઆતમાં 5 હજારની રકમ ટ્રાન્સફર કરી હતી. વળી એપ્લિકેશનમાં 5 હજારની રકમ જમા બતાવતી હતી. આથી ધાર્મિકે 95 હજારની રકમ ટ્રાન્સફર કરી હતી. 8 ડિસેમ્બરે ધાર્મિકે ફરી 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા. એપ્લિકેશનમાંથી ધાર્મિકે 1 હજારની રકમ વિડ્રો કરી હતી. આથી તેને વધુ વિશ્વાસ આવી ગયો હતો. ત્યાર બાદ ધાર્મિકે શેર માર્કેટમાં ઓનલાઇન રોકાણ કરવા માટે પિતા, ભાઈ અને કાકાના બેંક ખાતાંમાંથી ટુકડે ટુકડે 50.08 લાખની રકમ ઠગ ટોળકીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. ઠગ ટોળકી લોકોને આ રીતે ફસાવે છે
ઈન્સ્ટાગ્રામની લિંક પર ક્લિક કરતાં જ વોટ્સએપ ગ્રુપ ખુલતું હતું, જેમાં કોઈને પ્રોફિટ થયો હોય તો સ્ક્રીન શોટ સાથે પોસ્ટ મૂકાતી હતી. દિવસમાં બે લાઇવ સેશન કરી ટિપ્સ અપાતી, ગ્રુપના સભ્યોએ એકસાથે જ શેર ખરદવા એવું કહેવાતું હતું. અપર સર્કિટવાળા સેર ખરીદવા પ્રાઇમરી એકાઉન્ટ કોલવું પડશે એવું કહેવાતું હતું, જેના ફાયદા વિશે જણાવી અપર સર્કિટવાળા શેર ખરીદી શકશો, IPO ભરી શકશો એવું કહેવાતું હતું. ફ્રીમાં પ્રાઇમરી એકાઉન્ટ ખોલી આપી આ એકાઉન્ટ દ્વારા 300 ટકા રિટર્ન મળશે એવી લાલચ આપી રોકાણના નામે પૈસા પડાવાતા હતા.