દક્ષિણ ગુજરાતની ત્રણ નગરપાલિકાઓની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધણીની પ્રક્રિયા શરૂ થતાં વહેલી સવારથી જ ભાજપના કાર્યાલયો પર ઉમેદવારોની ભીડ જામી હતી. વલસાડ નગરપાલિકામાં સૌથી વધુ 12 વોર્ડની 44 બેઠકો માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પારડી નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો માટે પારડી ભાજપ કાર્યાલય ખાતે અને ધરમપુર નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો માટે ધરમપુર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્રણેય નગરપાલિકાઓમાં કુલ 96 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ભાજપના કાર્યકરોમાં ટિકિટ મેળવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક વોર્ડમાંથી અનેક કાર્યકરો ઉમેદવારી નોંધાવવા માટે આતુર છે, જેના કારણે કાર્યાલયો પર સવારથી જ ભીડ જામી રહી છે. પાર્ટી દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને આગામી દિવસોમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.