મ.સ.યુનિ. સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે ત્યારે 8 વર્ષથી ચાલતું ઐતિહાસિક ગુંબજનું રિસ્ટોરેશન હજુ પૂરું ન થતાં ચર્ચાનો વિષય બની છે. 2016માં એએસઆઇને કામ સોંપ્યા બાદ કોન્ટ્રાક્ટરે ગુંબજમાં કાણાં પાડી દેતાં વિવાદ થયો હતો. જેને પગલે કામ પર રોક લગાવ્યા બાદ 2023માં 5.50 કરોડના ખર્ચે રિસ્ટોરેશન માટે ફરી કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કામ 31 જાન્યુઆરી સુધીમાં પૂરું કરવાનું છે. જોકે ધીમી ગતિના કામને પગલે રિસ્ટોરેશન લાંબું ચાલે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, ધો.9ના વિદ્યાર્થીનું માસ્ટર્સ પૂરું થઈ જાય તેટલો સમય ગયો, પણ રિસ્ટોરેશન પૂરું ન થઈ શક્યું! મ.સ.યુનિ.ના સત્તાધીશોએ પ્રથમ વખત 2001-02માં ગુંબજનું રિસ્ટોરેશન શરૂ કર્યા બાદ 2004-05માં પૂરું થયું હતું અને કાળો પડેલો ગુંબજ સફેદ કરાયો હતો. જોકે કેટલાંક વર્ષ બાદ તે ફરી કાળો પડી ગયો હતો. જેથી 2016માં ફરી ગુંબજના રિસ્ટોરેશન માટે 2.30 કરોડમાં એએસઆઇને કામ સોંપાયું હતું. જોકે એએસઆઇના કોન્ટ્રાક્ટરે 143 વર્ષ જૂના ઐતિહાસિક ગુંબજમાં માંચડા બનાવવા કાણાં પાડી નુકસાન કરતાં વિવાદ થયો હતો. જેથી કામને અટકાવી દઈ કાણાં પૂરીને ગુંબજને પુન: પ્રસ્થાપિત કરવા કોન્ટ્રાક્ટરને હુકમ કરાયો હતો. આખરે 2023માં ફરી ગુંબજના રિસ્ટોરેશન માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. 5.50 કરોડથી વધુના ખર્ચે ગુંબજનું રિસ્ટોરેશન 31 જાન્યુઆરી સુધીમાં પૂરું કરવાનું છે. જોકે રિસ્ટોરેશન એટલી ધીમી ગતિએ ચાલે છે કે સમય મર્યાદામાં કામ પૂરું થવાની શક્યતા નથી.અત્રે ઉલ્લેખનિય છે કે, એશિયાના બીજા સૌથી મોટા ગુંબજ તરીકે પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુંબજના રિસ્ટોરેશન પ્રત્યેની ઉદાસીનતાને પગલે શહેરની ધરોહર દારૂણ દશામાં મુકાઇ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે યુનિવર્સિટીનો પાયો જ આ ફેકલ્ટીથી નાખ્યો હતો. અંગ્રેજીના ‘E’ આકારમાં આર્ટ્સ ફેકલ્ટીની ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેનો ગુંબજ તે સમયથી જ એશિયાનો બીજો સૌથી મોટો ગુંબજ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. આવી ઐતિહાસિક ધરોહર પ્રત્યે યુનિવર્સિટીના સત્તાધીશો ઉદાસીનતા દાખવશે તેવું મહારાજાએ સ્વપ્ને નહીં વિચાર્યું હોય. યુનિવર્સિટીનાં કાળાં-ધોળાં; ત્રીજીવાર આપેલા કોન્ટ્રાક્ટની મર્યાદા 31 જાન્યુઆરીએ પૂરી થશે પ્રથમવાર 2001
રિસ્ટોરેશન ખર્ચ: 2.60 કરોડ
ઐતિહાસિક ગુંબજ કાળો પડી જતાં રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેને સાફ કરી કલર કરી સફેદ કરવામાં આવ્યો હતો. 2004-05માં પૂર્ણ થયું હતું, જે કામ પણ 3 વર્ષ સુધી ચાલ્યું હતું. બીજીવાર 2016
રિસ્ટોરેશન ખર્ચ: 2.30 કરોડ
ગુંબજ ફરી વખત કાળો પડી જતાં રિસ્ટોરેશન માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને તેની કામગીરી સોંપાઈ હતી. જોકે એએસઆઇના કોન્ટ્રાક્ટર દ્વારા ગુંબજમાં માંચડા બનાવવા કાણાં પાડી દેતાં નુકસાન થતાં ભારે વિવાદ થયો હતો. જેથી આ કામગીરીને અટકાવી દઈ કાણાં પૂરીને ગુંબજને પુન: પ્રસ્થાપિત કરવા કોન્ટ્રાક્ટરને હુકમ કરાયો હતો. ત્રીજીવાર 2023
રિસ્ટોરેશન ખર્ચ: 5.50 કરોડ
ફરીવાર ઐતિહાસિક ગુંબજના રિસ્ટોરેશન માટે 5.50 કરોડથી વધુના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.જોકે હજુ સુધી માત્ર એક જ ગુંબજનું રિસ્ટોરેશન થયું છે. 31 જાન્યુઆરી સુધીમાં આ કામ પૂરું કરવાનું છે, પરંતુ સમય મર્યાદામાં કામ પૂરું થવાની શક્યતા નથી. હવે ઐતિહાસિક ગુંબજ લાંબા સમય સુધી કાળો નહીં પડે
ઓગસ્ટ-2023માં હેરિટેજ બિલ્ડિંગોનું રિસ્ટોરેશન કરતી સવાણી હેરિટેજ કંપનીને કામ સોંપ્યું છે. આ વખતે જે કામ કરાઈ રહ્યું છે તેનાથી ગુંબજ લાંબાે સમય કાળો નહીં પડે. 31 જાન્યુઆરીએ કોન્ટ્રાક્ટ પૂરો થશે. જોકે જાળવણીથી કામ કરવાનું હોવાથી કોન્ટ્રાક્ટ ઓગસ્ટ સુધી લંબાવાશે. > રુદ્રેશ શર્મા, એન્જિનિયર, મ.સ.યુનિ. રિપેલન્ટ ટ્રીટમેન્ટથી રિસ્ટોરેશન
ગુંબજનું રિસ્ટોરેશન રિપેલન્ટ ટ્રીટમેન્ટ પદ્ધતિથી કરાઈ રહ્યું છે. આ પદ્ધતિને કારણે ગુંબજ પર પાણીને કારણે લીલ નહીં જામે અને લાંબા સમય તેની સફેદી જળવાઇ રહેશે. ગુંબજને આકર્ષક બનાવવા માટે તેના પર ખાસ પ્રકારનો કલર કરવામાં આવી રહ્યો છે, જેને કારણે તે વધુ આકર્ષક લાગી રહ્યો છે. જોકે હવામાં કાર્બનના પ્રમાણને કારણે તેની મહદંશે અસર તો થાય જ છે.