76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી “સ્વર્ણિમ ભારત: વિરાસત ઔર વિકાસ”ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ હતી. જેને લઇને સમગ્ર જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો છે. લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ધ્વજવંદન બાદ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. તો સાથે ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા દિલધડક કરતબોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.