મહીસાગર જિલ્લામાં પ્રજાસત્તાક દિને એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના પાંડરવાડાથી કાલિયાકુવા રોડ પર કુભાઈડી ગામ નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં વઢેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ વક્તાભાઈ પાંડોરનું દુ:ખદ અવસાન થયું. શાળામાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવા મોટરસાઇકલ પર જઈ રહેલા રાજેશભાઈની બાઇકની XUV કાર સાથે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે XUV કારનું આગળનું ટાયર ગાડીથી છૂટું પડીને દૂર સુધી ફેંકાયું હતું. ટક્કરના કારણે શિક્ષક રાજેશભાઈ મોટરસાઇકલ સાથે રોડની બાજુમાં ફેંકાયા હતા, જ્યાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું. આ દુર્ઘટનાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના દિવસે જ એક શિક્ષક પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું કારણ શોધવાની તપાસ શરૂ કરી છે.