અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટરકાંડમાં પાયલ ગોટી નામની યુવતીનું પોલીસે સરાજાહેર સરઘસ કાઢ્યું હતું. તેના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પાયલ ગોટીની ધરપકડના મુદ્દે પોલીસની શંકાસ્પદ ભુમિકાની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી. ડીઆઇજી રાય અને તેમની ટીમ અમરેલી પહોચી હતી અને ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાની સંભાવના પૂરેપૂરી છે. આરોપ એવો થયો હતો કે, અડધી રાત એટલે કે રાત્રે 12 વાગ્યે પાયલને રીઢા ગુનેગારની જેમ પોલીસે ઉઠાવી લીધી હતી. તેને માર માર્યો હતો તેની અડધી રાત્રે ધરપકડ કરી હતી. ગુનેગારની જેમ તેનું સરાજાહેર સરઘસ કાઢ્યું હતું. દિવ્ય ભાસ્કરને આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, ઉચ્ચ અધિકારીઓની સૂચના વગર કોઈ યુવતીનું સરઘસ કાઢવું સંભવ નથી. જોકે ડીઆઇજી રાય ટૂંક સમયમાં આ અંગેનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડાને સોંપશે. તેવામાં અમરેલી જિલ્લા પોલીસબેડાંમાં ઉથલપાથલ થાય તો નવાઇ નહીં. આ અંગે ડીઆઈજી રાયે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ રિપોર્ટ કોન્ફિડેન્શિયલ છે. જે હું ડીજીને આપવાનો છું. નિર્લિપ્ત રાયની 20 પોલીસની ટીમે અમરેલીમાં બારીક તપાસ કરી
અમરેલીમાં લેટર કાંડ પછી સરકાર ભીંસમાં મુકાઇ ગઇ હતી. તેને ધ્યાનમાં લઇ રાજ્યના ગૃહમંત્રીએ મામલો થાળે પાડવા માટે અમરેલી રાતોરાત પહોચી જવું પડ્યું હતું. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ ઉપર વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાના ગંભીર આક્ષેપો થયા હતા. બાદમાં કિશોર કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમરેલી પોલીસે પાયલ ગોટી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, અમરેલી કેસમાં વિવાદ સર્જાતાં પોલીસની ભૂમિકા સ્પષ્ટ કરવા સરકારને કોઇ અધિકારી પર ભરોસો નહોતો એટલે સરકારના આદેશથી રાજ્યના પોલીસવડાએ કડક પોલીસ ઓફિસર ડીઆઇજી નિર્લિપ્ત રાયને કોન્ફિડેન્શિયલ તપાસ સોંપી હતી. ડીઆઇજી નિર્લિપ્ત રાય, એસીપી કે.ટી.કામરીયા અને તેમની ટીમના આશરે 20 જેટલા પોલીસકર્મીઓ સાથે તેઓ અમરેલી પહોચ્યા હતા. તેમને ફરિયાદ દાખલ થઇ ત્યાથી લઇને આખા ઘટનાક્રમ અંગે તપાસ કરી હતી. તેમણે અનેક લોકોના નિવેદનો લીધા હતા અને તેમને અમરેલીમથી અનેક લોકોને પૂછપરછ માટે ગાંધીનગર સુધી બોલાવ્યા હતા. યુવતીનું સરઘસ કાઢવાનો નિર્ણય પોલીસકર્મીનો નહીં, અધિકારીઓનો જ હોઈ શકે
દિવ્ય ભાસ્કરને આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીઆઈજી નિર્લિપ્ત રાય જે રિપોર્ટ આપશે તે પારદર્શક હશે એ નક્કી. કારણ કે, રાત્રે 12 વાગ્યે રીઢા ગુનેગારની જેમ યુવતીને પોલીસે ઉઠાવી લીધી હતી. તેને ખોટી રીતે ટોર્ચર કરવામાં આવી હતી. તેને મારનાર પોલીસકર્મીઓની તપાસ કરવામાં આવી હતી. તેનું જાહેરમાં રિ-કન્સ્ટ્રકશનના નામે સરઘસ કાઢવામાં આવ્યું હતું તે પણ ખોટું હતું. કેમકે તે યુવતી ગુનેગાર નહોતી. આ કોઇ સામાન્ય પોલીસકર્મીઓએ લીધેલા નિર્ણય ન હોઈ શકે. આ નિર્ણય કોઈ ચોક્કસ ઉચ્ચ અધિકારીઓએ જ નિર્ણય લીધા હોઈ શકે છે. ડીઆઈજીના રિપોર્ટમાં પણ આવી જ કોઈક વાત હોવી જોઈએ. કારણ કે આ આખાય ઘટનાક્રમમાં દેખીતી રીતે પોલીસની જ બેદરકારી છે. તેવું સૂત્રોએ જણાવ્યું હતું. ડીજીને રિપોર્ટ સબમિટ થતાંની સાથે જ અમરેલી પોલીસમાં ભૂકંપ આવશે તે નક્કી છે.
આ અંગે દિવ્ય ભાસ્કરને સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાય સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મને તપાસ સોંપવામાં આવી હતી તે વાત સાચી. મેં આ ઘટના અંગે આ કોન્ફિડેન્સીયલ રિપોર્ટ તૈયાર કર્યો છે. જે રાજ્યના પોલીસવડાને સોંપવાનો છે. રિપોર્ટ શું તૈયાર થયો છે, તે હું કહી શકું નહીં. અમરેલીની પાયલ ગોટીની ઘટના શું હતી?
અમરેલીમાં પાયલ ગોટીકાંડનો વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક લેટરથી શરૂ થયો. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો મુકાયા. આ જ વિવાદમાં પાટીદાર યુવતી પાયલ ગોટી પર આંગળી ઊઠી કે તેણે જ લેટર વાઇરલ કરાવ્યો છે. બસ, આના પછી જ વિવાદમાં પોલીસની એન્ટ્રી થાય છે અને અડધી રાતે લેટરકાંડ મામલે આરોપીઓને ઉઠાવી લેવામાં આવે છે. હવે આ ઘટના ભયાનક વળાંક લે છે, કારણ કે એવો આક્ષેપ થયો કે મધરાતે જેને પોલીસે પકડ્યા એમાં પાયલ ગોટી નામની યુવતી પણ હતી. આ ઘટના પછી પાયલ ગોટીએ શું આક્ષેપો કર્યા?
પાયલે આક્ષેપો કર્યા કે પોલીસે તેમને પટ્ટાથી માર માર્યો છે. પછી પોલીસે રિ-કન્સ્ટ્રક્શનના નામે પાયલ ગોટીને જાહેરમાં લાવી અને પછી સરઘસ પણ કાઢવામાં આવ્યું અને આ જ કારણે પાટીદારોનું સ્વમાન ઘવાયું. વિરોધ અને હોબાળા વચ્ચે ન્યાયાલયે પાયલ ગોટીને જામીન આપી દીધા. આ વિવાદમાં સરકારની વાત સાંભળીએ તો તેમનું કહેવું છે કે સીટની રચના આવશે, ન્યાય આપવામાં આવશે. સરકારે સીટની રચનાની વાત તો કરી, પણ પાયલ ગોટીએ સીટની રચનાનો અસ્વીકાર કર્યો અને અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાત અને પીઆઇ પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા. પાયલે કહ્યું હતું કે નિવૃત્ત જજની નીચે એસઆઈટી બનાવવામાં આવે. આ બધી જ ઘટનાઓને જોડીને સમજીએ તો વિવાદ કાયદાકીય ન રહ્યો અને સામાજિક અને રાજકીય બની ગયો હતો. પાયલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને શું કહ્યું?
અમરેલીની ઘટના વિવાદ પકડી રહી હતી તેના વચ્ચે પાયલ ગોટી નામની યુવતીએ પોતાના વતન વિઠલપુરના ઘરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. તેમાં પાયલે આખી ઘટનાનું વર્ણન કર્યું હતું. તેણે ધરપકડનો ઘટનાક્રમ જણાવ્યો હતો. પાયલે કહ્યું હતું કે, હું નોકરીથી છૂટીને આવી સુઈ ગયા પછી મોડીરાત્રે કોઈએ આગળનો દરવાજો ખખડાવ્યો. મારા પિતા ઉઠીને બહાર આવ્યા, બે લેડીઝ અને ત્રણ જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું. સવારે મૂકી જઈશું તેમ કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કોઈને હું ઓળખતી નથી, જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યા હતા. મારા પિતાનું શું થાય? હું જેલમાં હતી. મારા મમ્મી પપ્પાને સાચવવા આવ્યા હતા અને મેં ગુનો કર્યો જ નથી. જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા અને સાચવવા આવ્યા હતા અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરીયાને વિનંતી ન્યાય અપાવે. મારી જે ઈજ્જત અને મારી આબરૂનું સરઘસ કાઢ્યું છે, મને પોલીસે માર માર્યો છે. મને રાજકારણમાં કોઈ રસ નથી. પાયલે આગળ કહ્યું હતું કે, ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછેરીને સ્વરોજગાર માટે સ્વાભિમાનભેર સંઘર્ષ કરનારી ગુજરાતની એક દીકરીની રાજ્યના જ રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાતે ધરપકડ કરવામાં આવે. રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવે. સાથીદારોને દંડા મારી, મને ભયભીત કરવામાં આવી. ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવ્યા. મને બેસાડીને બેરહેમીથી પટ્ટા મારવામાં આવ્યા. જેલના સળિયા પાછળ ધકેલી અને વિના વાંકે એક કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી કમનસીબ ઘટનાથી મને ઠેસ પહોંચી છે. કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી ઉપવાસ પર બેસી ગયા, મેડિકલ ટેસ્ટ માટે હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો
અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટી પર થયેલા પોલીસના અત્યાચારના આરોપ પછી કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સમર્થકો સાથે ધરણાં પર ઉતરી ગયા હતા. એ વખતે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો, શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાઓ જોડાય અને નારી સ્વાભિમાનની લડાઈને વધુ આક્રમકતાથી આગળ ધપાવાય તેવા અમારા પ્રયાસ છે. પાયલ ગોટીની મેડિકલ તપાસ માટે પણ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કર્યા બાદ એક રાત્રે પાયલને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાના મુદે હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. પરેશ ધાનાણીએ દરમિયાનગીરી રી રાત્રે પાયલ ગોટીને ટેસ્ટ માટે લઇ જતાં પોલીસને અટકાવી હતી તો સામે પોલીસ પણ જાણે જીદે ચડી હોય તેમ મહિલા આરોગ્ય અધિકારી સાથે મેડિકલ રિપોર્ટ માટે પાયલના ઘરે પહોંચી હતી. ઉપરાંત તાલુકા મેજિસ્ટ્રેટ પણ નિવેદન લેવા માટે રાત્રે પહોંચ્યા હતા. જો કે પાયલ ગોટીએ પોલીસ વડાએ નીમેલી સીટનો જ અસ્વીકાર કરી દીધો હતો.