જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં મધરાતે એક બંધ દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી હતી. વિશાલ ટાવર નજીક આવેલી દુકાનમાં થયેલા ભીષણ બ્લાસ્ટના કારણે આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાંકડી શેરીમાં આવેલી દુકાન હોવાથી ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયર વિભાગની ટીમે કલાકોની મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. જો કે, દુકાનમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.